સ્ટેટ હાઈવેની બાજુનાં વૃક્ષો જોખમી બન્યાં
કોસંબા માંગરોળ સ્ટેટ હાઈવે નંબર ૧૬૬ ઉપર નેશનલ હાઈવેથી કઠવાડા ગામની વચ્ચે શેરડીની બાજુમાં કેટલાક વૃક્ષોના થડ રોડની બાજુમાં સાફ સફાઈ માટે સળગાવેલી ઝાડીઓના કારણે સળગી જતાં આ વૃક્ષો હાઈવે બાજુ ગમે ક્ષણે પડે તેવી જોખમી હાલતમાં આવી ગયા હોય હાઈવે ઉપર દોડતા વાહનો ઉપર જોખમ ઝઝુમી રહ્યું છે.
કોસંબા-માંગરોળ સ્ટેટ હાઈવેની આજુબાજુમાં ઘણી જગ્યાએ વર્ષો પહેલા થયેલા વૃક્ષોનું હાલ મોટા મોટા વૃક્ષો બની ગયા છે. જેમાં ખાસ કરીને નેશનલ હાઈવેથી કઠવાડા ગામની બાજુ એક કિમી જેટલા હાઈવેની બાજુમાં મોટા મોટા વૃક્ષો આવેલા છે. હાલ આ વૃક્ષો ઘણી જોખમી હાલતમાં ફેરવાઈ ગયા છે. કોસંબા-માંગરોળ સ્ટેટ હાઈવેની બાજુમાં ઉગી નીકળેલી નકામી ઝાડીઓને હટાવાવનું કામ મજુરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. મજુરો આ ઝાડીઓને કાપીને હટાવવા પહેલાં તેને સળગાવી નાંખી છે. આ રીતે રોડની બાજુમાં ઝાડીઓ સળગાવતા લાગેલી આગમાં વર્ષો જુના થયેલા શરૂના વૃક્ષોના થડમાં આગ લાગી જતાં કેટલાક વૃક્ષોના થડ આ આગમાં સળગી ગયા છે. જેથી અડધાથી વધુ થડીયા સળગી જતાં વૃક્ષોની ઊભા રહેવાની મજબૂતાઈને અસર પડી છે. જેથી આ સળગી ગયેલા મોટા વૃક્ષો ગમે તે ઘડીએ ધરાશાયી થઈ શકે છે.
આ સળગેલા ઘણા વૃક્ષો સ્ટેટ હાઈવની લગોલગ આવેલ હોય જો આ વૃક્ષો સ્ટેટ હાઈવે ઉપર પડે તો સ્ટેટ હાઈવે ઉપર દોડતા વાહનો આવા વૃક્ષોની નીચે કચડાઈ જાય તેવી સ્થિતિ ઉત્પન્ન થાય તો લોકોનો જીવ ઉપર જોખમ ઊભુ થાય તેમ હોય વનવિભાગ અને સ્ટેટ હાઈવે તંત્ર આ જોખમી બનેલા વૃક્ષોને હટાવવા કાર્યવાહી કરે તે લોકહિતમાં છે.












