મિટિંગ
રાહુલે પાર્કિંગ પ્લૉટ તરફ પગ વાળ્યા. ગાડીનો દરવાજો ખોલીને એ અંદર બેઠો. ત્યાં ફરી એનો મોબાઇલ રણક્યો. આ વખતે એસએમએસ હતો. નીરજનો. એમાં એના ઘરનું સરનામું હતું. જોકે ફરી વાર ફોન નંબર ડિસ્પ્લે થયો નહોતો. રાહુલને લાગ્યું કે આ નીરજ માણસ ભેદી છે. જે હોય તે, કાલે સવારે જઇને એના ઘરે ચેક આપી આવીશ એવું એણે મનોમન નક્કી કર્યું અને ગાડી મારી મૂકી.
રાહુલનો મોબાઇલ ફરી વાગ્યો. ડિસ્પ્લે પર કોઇ નંબર દેખાયો જ નહીં. રાહુલને બહુ ગુસ્સો આવ્યો. એ મનમાં ને મનમાં બબડ્યો :‘આવાં ભૂતિયાં સિમકાર્ડ લોકો શું કામ રાખતાં હશે?’
એણે ખચકાતાં ખચકાતાં ફોન ઉપાડ્યો. સામે છેડેથી એ જ પરિચિત અવાજ સંભળાયો : ‘હલો... રાહુલ સર. હું નીરજ બોલું છું. નીરજ મહેતા. રાઇટર.’
‘હું મિટિંગમાં છું. પછી ફોન કરજો.’‘પણ સર, આજે સાત વાગે આપણી મિટિંગ હતી એનું...’‘ઠીક છે, ઠીક છે. તમે પહોંચી જજો.’ રાહુલે એને ટાળવા માટે કહી દીધું.‘ઓકે સર.’ નીરજે ફોન મૂકી દીધો.
રાહુલને હસવું આવ્યું. નીરજે એને પૂછ્યું પણ નહીં કે ક્યાં મળવાનું છે. કેટલા બેવકૂફ હોય છે આ લેખકો. રાહુલે નીરજનો વિચાર મનમાંથી કાઢી નાખ્યો. એને બહુ કામ કરવાનું હતું. એની નવી ફિલ્મની માર્કેટિંગ સ્ટ્રેટેજી નક્કી કરવા માટે મિટિંગ હતી. કેવા પ્રોમો બનાવવા, કેટલી પ્રિન્ટ રિલીઝ કરવી, કયા કયા સ્થળે પ્રમોશનલ ટુર કરવી એ બધાનો નિર્ણય આજે લેવાનો હતો.
એમાં એ નીરજે ભૂતિયા સિમકાર્ડ પરથી ફોન કરીને પાછો એનો મૂડ ખરાબ કરી નાખ્યો હતો. આખરે એની માર્કેટિંગની મિટિંગ શરૂ થઇ ગઇ. એ બધું ભૂલી ગયો ને કામમાં ગૂંથાઇ ગયો. સાંજે સાડા છના ટકોરે રાહુલ એની ઓફિસમાંથી નીકળ્યો ત્યારે બહુ જ થાકી ગયો હતો. એણે પાર્કિંગ પ્લોટમાંથી ગાડી કાઢી અને સીધી ક્લબ તરફ મારી મૂકી.
આજે તો ક્લબમાં કોઇ કસરત નથી કરવી, બસ એકલા બેસીને બે પેગ મારી લેવા છે એવું એણે મનોમન નક્કી કરી લીધું. રાહુલ ક્લબની લોન્જમાં પહોંચ્યો ત્યારે ઓળખીતા દરવાને જોરદાર સલામ મારી. એણે રિસેપ્શન પર જઇને પૂલસાઇડ પર પોતાનું ફેવરિટ ટેબલ ખાલી છે કે નહીં એ વિશે પૂછ્યું. રિસેપ્શનિસ્ટે કહ્યું કે ટેબલ ખાલી જ છે.
રાહુલ સીધો પૂલ તરફ ગયો. અચાનક એને એના ફેવરિટ ટેબલ પર કોઇ દાઢીવાળો માણસ દેખાયો. રાહુલને ગુસ્સો ચડ્યો : પેલી રિસેપ્શનિસ્ટ પણ શું જોયા વિના કહી દેતી હશે કે ટેબલ ખાલી છે. એ ગુસ્સામાં ટેબલ તરફ ગયો. પેલો દાઢીવાળો માણસ ઊભો થયો. વિનયથી થોડો ઝૂક્યો અને પોતાનો હાથ લંબાવતા કહ્યું : ‘હલો સર... હું નીરજ મહેતા.’
રાહુલના દાંત ભીંસાયા. મુલાકાતનું સ્થળ નહોતું કહ્યું તોય આ માણસ અહીં પહોંચી ગયો હતો એ વિચારે રાહુલનું માથું ભમી ગયું. એની નવી ફિલ્મ રિલીઝ નહોતી થઇ અને આ માણસ બીજી સ્ટોરીનું નરેશન આપવા માગતો હતો.
‘સૉરી સર. લાગે છે કે તમારો મૂડ નથી. હું ફરી કોઇ વાર...’ ‘નહીં નહીં, ઇટ્સ ઓકે. આવી જ ગયા છો તો બોલો હવે.’
આવું બોલી ગયા પછી રાહુલને બહુ નવાઇ લાગી. એની જરા પણ ઇચ્છા નહોતી કે આ માણસ એની સાંજ બગાડે. એને કહેવું તો હતું કે જસ્ટ ગેટ લા"સ્ટ. આમ છતાં આવું કેવી રીતે કહેવાઇ ગયું એ એને સમજાયું જ નહીં.
‘ઓકે સર. આપણે અહીં જ બેસશું કે બીજે ક્યાંક?’ રાહુલે એ માણસને ઘ્યાનથી જોયો. લાંબા વાળ, બદામી આંખો, ગોરા ચહેરા પર ભાવહીનતા અને છ ફૂટની હાઇટ. પર્સનાલિટી તો સારી હતી, રાહુલને થયું.
‘અહીંયા જ બેસીએ.’ કહીને રાહુલે ખુરશી ખેંચી. વેઇટરને બોલાવીને ડ્રિંકનો ઓર્ડર આપ્યો. એણે જાણી જોઇને એક જ ડ્રિંક મગાવ્યું. એ બતાડી દેવા માગતો હતો કે વણનોતરેલા મહેમાન સાથે પોતે કેવો વર્તાવ કરી શકે છે. જોકે નીરજે જાણે કંઇ જ ન બન્યું હોય એમ પોતાની કાળી બેગ ખોલીને એક ફોલ્ડર બહાર કાઢ્યું.
‘શરૂ કરું, સર?’ એણે વિનયથી પૂછ્યું. રાહુલે ડોકું ધુણાવ્યું અને મોબાઇલ હાથમાં લીધો. એસએમએસ ટાઇપ કરતો હોય એમ એણે બટનો દબાવવા માંડ્યાં. નીરજે એના તરફ ઘ્યાન ન આપ્યું અને વાર્તાનું નરેશન શરૂ કર્યું.
‘સર... આ વાર્તા મિસ્ટરી છે.’‘ઓહ... પણ મને એ પ્રકારની ફિલ્મ બનાવવામાં રસ નથી.’
જોકે નીરજે રાહુલના અણગમા પર ઘ્યાન આપ્યા વિના આગળ ચલાવ્યું : ‘આ વાર્તાનો નાયક છે મનોજ, જે મૃત માણસોને જોઇ શકે છે.’‘આ તો હોલિવૂડની ફિલ્મ સિક્સ્થ સેન્સની ઉઠાંતરી કરી લાગે છે તેમ.’રાહુલે સીધો આક્ષેપ કર્યો.
‘મેં એ ફિલ્મ જોઇ નથી. આ તો મારા જીવનમાં બનેલી ઘટના પરથી મેં ફિલ્મની વાર્તા લખી છે સર.’ ‘એટલે તમે એમ કહેવા માગો છો કે તમે કોઇ એવા માણસને ઓળખો છો, જે મૃત માણસોને જોઇ શકતો હોય?’ રાહુલે ધારદાર નજરે એની તરફ જોયું.‘હા સર.’ નીરજે સ્વસ્થતાથી કહ્યું.
એ જ વખતે વેઇટર આવીને રાહુલનું ડ્રિંક મૂકી ગયો. રાહુલે ગ્લાસ ઉપાડીને મોઢે માંડ્યો. એક સિપ લઇને સિગારેટ સળગાવી. ‘હા તો... પછી શું થાય છે તમારા સુપરહીરોની લાઇફમાં?’
‘સોરી સર. મારો હીરો સુપરહીરો નથી. એ તો આમઆદમી છે.’‘ઓહ. મતલબ એ ટ્રેનમાં સફર કરી રહ્યો છે ત્યારે એને બાજુની સીટ પર એક માણસ બેઠેલો દેખાય છે, જેના માથામાં લોહી વહી રહ્યું છે. એ ઘાયલ માણસને બીજું કોઇ જોઇ જ નથી શકતું, ફક્ત તમારો હીરો જ જોઇ શકે છે.’
‘ના સર. હકીકતમાં બને છે એવું કે મનોજ, મારો હીરો, એક દિવસ પત્ની સાથે ઝઘડો કરીને ઘરની બહાર નીકળે છે. બાઇક પર. એમાં એનો એક્સિડન્ટ થઇ જાય છે અને એના માથામાં મૂઢ માર વાગે છે.’ નીરજે સપાટ અવાજે કહ્યું.
અચાનક રાહુલનો મોબાઇલ વાગ્યો. એની વાઇફનો ફોન આવ્યો. સામાન્ય રીતે તો સ્ટોરી સેશનમાં કે મિટિંગમાં પત્નીનો ફોન આવે તો રાહુલ કાપી જ નાખતો, પણ આજે એને હાશકારો થયો. એને લાગ્યું કે હવે અડધો કલાક સુધી વાઇફ સાથે ખપાવીશ અને આ નીરજનો બરચો કંટાળીને ચાલ્યો જશે.
‘રાહુલ... મમ્મીને શોપિંગ કરવા જવું છે એટલે હું ત્યાં જઉ છું. કાલે સાંજે આવીશ. તું તારું કામ કર. હું પછી ફોન કરીશ.’ એની પત્નીએ કંઇ જ બોલવાનો મોકો આપ્યા વિના ફોન કાપી નાખ્યો. રાહુલને નવાઇ લાગી. આટલી ટૂંકી વાત એની વાઇફે કોઇ દિવસ નહોતી કરી.
‘બાય ધ વે નીરજ... તમારો મોબાઇલ નંબર શું છે?’‘તમારી પાસે નથી સર? મેં તમને સત્તરેક ફોન...’‘અરે એકેય વાર તમારો નંબર ડિસ્પ્લે નથી થતો.’
‘એવું કેવી રીતે બને સર? એક મિનિટ.’ કહીને નીરજે પોતાના મોબાઇલ પરથી રાહુલનો નંબર ડાયલ કર્યો. રાહુલના મોબાઇલ પર દસ ડિજિટનો નંબર ડિસ્પ્લે થયો.‘આ કોઇ બીજું કાર્ડ તમે નાખ્યું લાગે છે.’ રાહુલે તીખાશથી કહ્યું.
‘ના સર. મારો તો વર્ષોથી આ જ નંબર છે.’ નીરજે નવાઇથી કહ્યું. રાહુલે ગુસ્સામાં એક ઘૂંટડામાં ડ્રિંક ખતમ કરી નાખ્યું. એણે વેઇટરને બોલાવીને ડ્રિંક રીપિટ કરવાનો ઓર્ડર આપ્યો. વેઇટર જવા જતો હતો ત્યારે રાહુલને શું સૂઝ્યું કે એણે નીરજને પૂછી લીધું :‘તમે શું લેશો, નીરજ?’
‘કંઇ નહીં સર. થેન્કયુ.’‘દો ડ્રિંક લેકર આવ.’રાહુલે વેઇટરને કહ્યું.
‘હાં તો તમે શું કહેતા હતા?’ રાહુલે નીરજને પૂછ્યું. ‘એ જ કે મારા હીરો મનોજનો એક્સિડન્ટ થાય છે. એક્સિડન્ટ પછી એની લાઇફ બદલાઇ જાય છે. એ હવે પ્રેતાત્માને જોઇ શકે છે. પહેલાં તો એ ડરી જાય છે. પણ ધીમે ધીમે એને સમજાય છે કે આ પ્રેતાત્માઓ એને કંઇ નુકસાન પહોંચાડવા નથી માગતા. ઊલટાનું એ ભૂતો તો એની મદદ ઇચ્છે છે.’
‘વેરી ગુડ. આજકાલ ભૂતોને પણ માણસોની મદદની જરૂર પડે છે. હવે આગળ વાર્તામાં શું બને છે? સ્ક્રીનપ્લે તૈયાર છે તમારો?’
‘હા સર,’ નીરજ ઉત્સાહથી બોલ્યો, ‘આખી બાઉન્ડ સ્ક્રિપ્ટ રેડી છે. તમે ઇચ્છો તો કાલથી શૂટ કરી શકો એમ છો.’
‘વેઇટ વેઇટ. મેં તમને પહેલાં જ કહ્યું કે હું આવી ફિલ્મો નથી બનાવતો.’એ જ વખતે વેઇટર ફરી આવ્યો અને બે ડ્રિંક મૂકી ગયો. એ નવાઇથી રાહુલને જોતાં જોતાં ત્યાંથી ગયો. રાહુલને ઇરિટેશન થયું.
‘સર બીલિવ મી... અભય સક્સેનાએ આ વાર્તા સાંભળી છે અને એ આ ફિલ્મ કરવા તૈયાર છે. જો તમે પ્રોડ્યુસ કરવા તૈયાર હો તો.’
રાહુલને હવે રસ પડ્યો. અભય સકસેના ઇન્ડસ્ટ્રીનું બહુ મોટું નામ હતું. અભય જેવો સ્ટાર આ ફિલ્મ કરવા તૈયાર હોય તો બીજું જોઇએ શું? એની ડેટ્સ માટે રાહુલે કેટલીય વાર ફિલ્ડિંગ કરી હતી. જોકે રાહુલને નવાઇ લાગી. અભય સક્સેનાએ આ રાઇટર સામે એવી શરત કેમ મૂકી કે રાહુલ નિર્માતા હોય તો જ એ આ ફિલ્મમાં કામ કરશે? અભયને તો પ્રોડ્યુસરોની કોઇ ખોટ નહોતી.
‘આર યુ શ્યૉર નીરજ, અભયે તમને એવું કહ્યું કે હું આ ફિલ્મ પ્રોડ્યુસ કરું?’‘અફકોર્સ સર. તમને વિશ્વાસ ન હોય તો પૂછી જુઓ એને.’‘અરે તો આ વાત તમારે મને પહેલાં કરવી જોઇએ ને?’‘સર મને તો એમ કે તમને ખબર જ હશે.’
‘મને કેવી રીતે ખબર હોય? અભય સાલો કોઇને સામેથી ફોન થોડો કરે છે?’રાહુલનો અવાજ થોડો ઊંચો થયો. નીરજને ઝંખવાણો પડી ગયેલો જોઇને રાહુલે એની માફી માગી. હવે રાહુલનું વર્તન થોડું બદલાઇ રહ્યું હતું.
‘તમારી વાર્તામાં આગળ શું બને છે?’
‘સર... એક દિવસ એ પ્રેતાત્મા મનોજને કહે છે કે એની હત્યા થયેલી અને એની લાશ એક જગ્યાએ દાટી દેવાયેલી. મનોજ જઇને એ લાશ કાઢે છે. પોલીસને જાણ કરે છે. પોલીસ મનોજની મદદથી અને મનોજ પ્રેતાત્માની મદદથી ખૂનીનો પત્તો મેળવે છે. આખરે ખૂનીને સજા થાય છે.’ નીરજ એકશ્વાસે બોલી ગયો.
‘આ તો બહુ પ્રેક્ટિકલ લાગે છે.’ રાહુલનો ઉત્સાહ થોડો મોળો પડ્યો.‘આગળ તો સાંભળો સર. પછી પ્રેતાત્મા મનોજને કહે છે કે તારી વાઇફનું કોઇ સાથે ચક્કર ચાલે છે. મનોજ પ્રેતાત્માની મદદથી એની વાઇફને રંગેહાથ પકડે છે.’
‘ઓકે ઓકે... રાહુલે નીરજને વચ્ચે અટકાવતાં કહ્યું, તમે એક કામ કરો. તમે તમારી સ્ક્રિપ્ટ મૂકી જાવ. હું વાંચી લઇશ.’આ સાંભળીને નીરજ થોડો ઉદાસ થઇ ગયો.
‘ડોન્ટ વરી નીરજ. તમારી વાર્તા હું ચોરી નહીં લઉ.’ રાહુલે હસીને કહ્યું.‘ના સર. એવી વાત નથી.’ નીરજે ખચકાતાં કહ્યું.‘તો?’
‘સર વાત એમ છે કે જો તમને વાર્તા ગમી હોય તો... જો તમારે આ ફિલ્મ કરવી હોય તો તમારે અત્યારે જ નિર્ણય કરવો પડશે.’
‘વ્હૉટ ડુ યુ મીન?’ રાહુલનો અહમ્ ઘવાયો. આમ એક જ મિટિંગમાં આ ત્રણ ટકાનો રાઇટર એને કહેતો હતો કે ફેંસલો કરો. ફિલ્મો કેવી રીતે બનતી હોય છે, કઇ રીતે પ્રોજેક્ટોની પ્રપોઝલો ઊભી થતી હોય છે એ આ સાલાઓને ખબર જ નથી હોતી. બસ, વાર્તા લખી લાવે એટલે ફિલ્મ બની જવી જોઇએ એવું જ એમને થયા કરે છે.
‘નીરજ...’ રાહુલે પોતાના અવાજમાં કડકાઇ લાવીને કહ્યું, ‘હું તમને સાફ વાત કરું. હું આવી વાહિયાત ભૂતપ્રેતની ફિલ્મો નથી બનાવતો, સિરિયસ અને સારી ફિલ્મો બનાવું છું. હા, તમે અભયની વાત કરી એટલે મને થયું કે એકાદ ફિલ્મ કમર્શિયલ બનાવી નાખવામાં વાંધો નથી. જોકે આ પ્રપોઝલ મોટી છે અને એનો ફેંસલો...’
નીરજે અચાનક એનો હાથ ઊંચો કરીને રાહુલને બોલતો અટકાવી દીધો. અચાનક નીરજના વર્તનમાં આવેલા આ ફેરફારથી રાહુલ ઝંખવાણો પડી ગયો. નીરજે સ્ટોરીનું ફોલ્ડર એની બેગમાં મૂકતાં કહ્યું : ‘રાહુલ સર. તમારે આ ફિલ્મ ન કરવી હોય તો હું જબરજસ્તી તો ન કરી શકું. જેવી તમારી ઇચ્છા. તમે તમારો સમય આપ્યો એ માટે આભાર.’
કહેતાં કહેતાં નીરજ ઊભો થઇ ગયો. અત્યાર સુધી સિચ્યુએશનનો કન્ટ્રોલ પોતાના હાથમાં હતો અને હવે આમ સામેવાળાના હાથમાં આવી ગયેલો જોઇને રાહુલનો અહમ્ ફરી ઘવાયો. જોકે એ ઢીલો પડવા સિવાય કંઇ કરી શકે એમ નહોતો. કેમ કે નીરજ મક્કમ લાગી રહ્યો હતો.
‘એક મિનિટ, એક મિનિટ નીરજસાહેબ. તમે ઇચ્છો છો શું?’‘હું એટલું જ ઇરછું છું કે તમને આ વાર્તા ગમી હોય તો મને સાઇન કરો.’
‘અરે હું ચેકબુક ખિસ્સામાં રાખીને થોડો ફરતો હોઇશ?’ રાહુલે છણકો કર્યો.‘મેં ક્યાં કહ્યું કે અત્યારે ને અત્યારે ચેક આપો. ઇનફેક્ટ, ચેક તો તમારે મારા ઘરે પહોંચાડવો પડશે. મારી વાઇફને આપવો પડશે.’
‘વાહ... તમે અભય સક્સેનાને ફિલ્મ કરવા મનાવી લીધો એટલે મારે તમારા માટે પ્યૂનગીરી પણ કરવાની એમ?’ રાહુલનો સ્વર તીખો થયો.
‘સર, ડોન્ટ ટેક મી રોંગ, નીરજ ટેબલ પર ફરી બેસી જતાં બોલ્યો, મારો પ્રોબ્લેમ એ છે કે મારે એક અગત્યના કામસર બહારગામ જવાનું છે. મારો દીકરો હોસ્પિટલમાં છે અને એના ઓપરેશન માટે મારી વાઇફને પાંચ લાખ રૂપિયાની જરૂર છે.’
રાહુલ વિચિત્ર નજરે આ માણસ સામે જોઇ રહ્યો ને પછી બોલ્યો : ‘જુઓ નીરજભાઇ... તમારા દીકરા માટે મને સિમ્પથી છે, પણ રાઇટિંગ માટે સાઇનિંગ અમાઉન્ટ પાંચ લાખ ન હોય.’
‘હું સાઇનિંગ અમાઉન્ટ નહીં, સ્ક્રિપ્ટની આખી રકમ માગું છું.’‘અરે પણ આખી રકમ તો ટુકડે ટુકડે મળે.’
‘તમારી વાત સાચી છે, પણ મારી પાસે સમય નથી. ખેર, તમને રસ ન હોય તો હું કોઇ બીજાને મારી વાર્તા સંભળાવી જોઇશ.’ નીરજ ફરી ઊભો થવા ગયો. ‘ઓકે ઓકે. ચાલો ડીલ. હું તમારા ઘરે કાલે જ પાંચ લાખનો ચેક પહોંચાડી દઇશ. જો અભય સક્સેના મને હા પાડી દેશે તો.’
‘થેન્કયુ સર.’ કહીને નીરજે રાહુલના હાથમાં સ્ક્રિપ્ટનું ફોલ્ડર આપ્યું અને પોતાની ચીજો સમેટીને રાહુલ સાથે હાથ મિલાવ્યા. ધીમે ધીમે એ ક્લબની લાઇટો પાછળ ફેલાયેલા અંધકારમાં અદ્રશ્ય થઇ ગયો. રાહુલે પોતાનું બીજું ડ્રિંક એકશ્વાસે પૂરું કરી લીધું. તેણે વેઇટરને ઇશારો કર્યો.
વેઇટર બિલ લઇને આવ્યો. રાહુલે બિલ ચૂકવવા માટે વૉલેટ કાઢ્યું. અચાનક એને વિચાર આવ્યો કે નીરજનું એડ્રેસ એણે લીધું જ નથી. એણે દૂર નજર કરી, પણ નીરજ દેખાતો નહોતો. વેઇટર હજી સુધી રાહુલ બિલ ચૂકવે એની રાહ જોતો ઊભો હતો. રાહુલે એને કહ્યું :
‘અરે ઉસ આદમી કો બુલા કે લાવ જો અભી મેરે સાથ બૈઠા થા. જલદી જાવ, વો અભી તક ક્લબ સે બાહર નહીં નિકલા હોગા.’‘કૌન સા આદમી સર? આપ તો કબ સે અકેલે બૈઠે હૈ.’
‘ક્યા? તુમ્હારા દિમાગ ખરાબ હો ગયા હૈ ક્યા? અરે મૈં વો દાઢીવાલે આદમી કે સાથ આધે ઘંટે તક યહાં બૈઠા હૂં ઔર તુમ કહેતે હો કિ...’
‘સર... તીન પેગ મેં હી આપકો ઇતની કૈસે ચડ ગઇ? આપ જબસે આયે હો, અકેલે હી બૈઠે હો. ક્યોં મેરા મઝાક ઉડા રહે હો?’
રાહુલને બહુ ગુસ્સો ચડ્યો, પણ વેઇટરનો ગંભીર ચહેરો જોઇને એ ચૂપ થઇ ગયો. એણે પોતાનો મોબાઇલ ઉઠાવ્યો. એમાં છેલ્લો મિસ્ડ કૉલ જોયો, જે નીરજે એને થોડી વાર પહેલાં કરેલો. એને ફરી નવાઇ લાગી, કેમ કે ડિસ્પ્લે પર નંબર હતો જ નહીં. એમાં રેસ્ટ્રિક્ટેડ કૉલ એવું ડિસ્પ્લે થતું હતું. રાહુલ આશ્ચર્યથી મોબાઇલ સામે જોઇ રહ્યો.
‘ક્યા હુઆ સાબ?’ વેઇટર હજુ ઊભો હતો.
‘કુછ નહીં.’ રાહુલે એને પૈસા આપ્યા અને ચેન્જ લેવાની પરવા કર્યા વિના એ સડસડાટ પૂલસાઇડ પરથી બહાર નીકળી ગયો. ક્લબના મેઇનગેટ પાસે આવી એણે નજર કરી, પણ નીરજનો ક્યાંય પત્તો નહોતો. રાહુલનું મગજ કામ નહોતું કરતું. આવું કેવી રીતે બને?
નીરજે જ્યારે એને મિસ્ડ કોલ આપ્યો ત્યારે નંબર હોય અને પછી નંબર ઊડી જાય? વળી, પોતે અડધો કલાક સુધી નીરજ સાથે બેઠો હોય અને વેઇટર એને કહે કે એની સાથે કોઇ જ નહોતું. ઇમ્પોસિબલ.’
રાહુલને ફરી કંઇક યાદ આવ્યું અને એણે અભય સક્સેનાને નંબર જોડ્યો.‘હલો... અભય, હું રાહુલ બોલું છું.’
‘હા, રાહુલ...બોલ નીરજની ફિલ્મ ક્યારે શરૂ કરવી છે?’‘બસ... તું તારીખ આપે એટલી વાર.’
‘મારા સેક્રેટરી પાસેથી લઇ લેજે.’ કહીને અભયે ફોન મૂક્યો. રાહુલને હાશકારો થયો. મતલબ, નીરજ ખરેખર અભયને મળ્યો હતો. જેમ મને મળ્યો એમ જ. એણે અભયને પણ વાર્તા સંભળાવી હશે. જેમ મને સંભળાવી એમ જ.
રાહુલે પાર્કિંગ પ્લૉટ તરફ પગ વાળ્યા. ગાડીનો દરવાજો ખોલીને એ અંદર બેઠો. ત્યાં ફરી એનો મોબાઇલ રણક્યો. આ વખતે એસએમએસ હતો. નીરજનો. એમાં એના ઘરનું સરનામું હતું. જોકે ફરી વાર ફોન નંબર ડિસ્પ્લે થયો નહોતો. રાહુલને લાગ્યું કે આ નીરજ માણસ ભેદી છે. જે હોય તે, કાલે સવારે જઇને એના ઘરે ચેક આપી આવીશ એવું એણે મનોમન નક્કી કર્યું અને ગાડી મારી મૂકી.
બીજા દિવસે સવારે રાહુલે નીરજના એક બેડરૂમના ફ્લેટની કૉલબેલ દબાવી. એની પત્નીએ દરવાજો ખોલ્યો. રાહુલે એને નમસ્તે કરીને કહ્યું : ‘હું તમને આ ચેક આપવા આવેલો.’
‘શેનો ચેક?’‘નીરજની ફિલ્મની વાર્તાનો. એને કહેજો કે અભયે ડેટ્સ આપી દીધી છે.’
‘તમે શેની વાત કરો છો મને કંઇ સમજાતું નથી.’ પેલી સ્ત્રીએ નવાઇથી પૂછ્યું.‘તમારો પતિ નીરજ રાઇટર છે ને?’ રાહુલે અકળાઇને પૂછ્યું.
‘છે નહીં, હતા. એ તો છ મહિના પહેલાં કાર એક્સિડન્ટમાં ગુજરી ગયા છે.’‘વ્હૉટ?’ રાહુલ સ્તબ્ધ થઇ ગયો. એને ચક્કર આવી ગયાં. પેલી સ્ત્રીએ એને ઘરમાં લાવીને બેસાડ્યો. પાણી આપ્યું ત્યારે રાહુલ થોડો સ્વસ્થ થયો. ‘ત... તમારા દીકરાને... હવે કેમ છે?’
‘કાલે એનું ઓપરેશન છે, પણ તમને કોણે કહ્યું કે એની તબિયત.... તમે છો કોણ? ક્યાંથી આવો છો?’ રાહુલે નીરજની વિધવાના હાથમાં પાંચ લાખનો ચેક મૂક્યો અને કહ્યું :‘તમારો પતિ બહુ સારો માણસ હતો.’ અને રાહુલ ચુપચાપ ઘરમાંથી નીકળી ગયો.
.












