કરિના, હરમન સૌથી ખરાબ એકર્ટસ
હોલિવૂડની ભારતીય આવૃત્તિ ગણાતા બીજા વાર્ષિક ગોલ્ડન કેલા એવોર્ડ ખાતે કરિના કપૂરને સૌથી ખરાબ અભિનેત્રી અને હરમન બાવેજાને સૌથી ખરાબ અભિનેતા તરીકેના પારિતોષિક એનાયત કરવામાં આવ્યા છે.
ફિલ્મ ‘કમબખ્ત ઇશ્ક’માં પુરુષોને નફરત કરતી સુપરમોડેલના અને ‘વોટ્સ યોર રાશિ’માં પત્નીને શોધતા પુરુષના પાત્રમાં નકારાત્મક ભૂમિકાઓ ભજવવા બદલ અનુક્રમે કરિના કપૂર અને હરમન બાવેજા વસ્ર્ટ એકટ્રેસ અને એકટરનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ એ ફિલ્મોમાં સૌથી ખરાબ ભૂમિકાઓમાં શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવાનો પ્રયાસ છે.
શુક્રવાર રાતે યોજાયેલા આ એક અપ્રસ્તુત કાર્યક્રમનું અઘ્યક્ષ સ્થાન સાઇરસ બ્રોચાએ સંભાળ્યું હતું. આ સમારંભમાં ‘બસ કિજિયે બહુત હો ગયા’ સહિત ૨૦ કેટેગરીના પારિતોષિક હતા. તેમાં ‘બસ કિજિયે બહુત હો ગયા’ એવોર્ડ ફિલ્મમેકર મધુર ભંડારકરને ફાળે ગયો છે. જેમાં કહેવાયું છે કે ફિલ્મ બનાવવાનું બંધ કરો. ઠેકડી ઉડાડતા સમારંભમાં હોલિવૂડના સ્ટાર્સને પણ છોડવામાં આવ્યા નથી. સુપર ફલોપ ફિલ્મ ‘કમબખ્ત ઇશ્ક’માં ભૂમિકા ભજવવા બદલ સિલ્વેસ્ટર સ્ટેલોન અને ડેનિસ રિચર્ડને ‘બાવરા હો ગયા હે કયા’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
એવી જ રીતે ‘ચાંદની ચોક ટુ ચાઇના’ ફિલ્મમાં ભૂમિકા ભજવવા બદલ રણવીર શૌરી અને દીપિકા પાદુકોણેને સૌથી ખરાબ સહાયક અભિનેતા અને અભિનેત્રીનો પારિતોષિક આપવામાં આવ્યો છે. ‘કમબખ્ત ઇશ્ક’ને સૌથી ખરાબ ફિલ્મ અને ‘વોટ્સ યોર રાશિ’ ફિલ્મનું નિર્માણ કરવા બદલ આશુતોષ ગોવારિકરને વસ્ર્ટ ડિરેકટર જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જેકી ભગનાની અને શ્રુતિ હાસનને સૌથી ખરાબ નવોદિત જાહેર કરવામાં આવ્યા છે.
બન્નેએ અનુક્રમે ‘કલ કિસને દેખા’ અને ‘લક’ ફિલ્મથી બોલિવૂડમાં પર્દાપણ કર્યું છે. રાની મુખરજી અભિનીત ફિલ્મ ‘દિલ બોલે હડિપ્પા’ને હોલિવૂડની ફલિમ ‘શી ઇઝ ધ મેન’ ફિલ્મની બેઠી નકલ કરવા બદલ મોસ્ટ ઓરિજિનલ સ્ટોરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જયારે આ ફિલ્મ માટેની રાની અને શાહિદની જોડીને સૌથી ખરાબ જોડી જાહેર કરવામાં આવી છે.












