તાંદલજામાં ખોરાકી ઝેરથી પક્ષીઓનાં મોત
તાંદલજાના ઘનટેકરી વિસ્તારમાં ઝેર મિશ્રિત ખોરાક આરોગવાથી ૫૦ થી વધુ પક્ષીઓનાં મોત નીપજયાં હતાં. તાંદલજાના ઘનટેકરી વિસ્તારમાં સવારે દસ વાગ્યાના સુમારે સ્થાનિક રહેવાસી મુકેશ દેસાઈને વડના વૃક્ષ પરથી બે મરેલા કાગડા મરેલા પડતા જોયા હતા. જેથી મુકેશભાઈ તેમના મિત્રો સાથે અન્ય સ્થળે તપાસ કરવા નીકળ્યા હતા.
જયાં તેમને ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં ૩૪ કાગડાઓ ટપોટપ પરથી પડીને મોતને ભેટેલા મળી આવ્યા હતા. ધનટેકરી સામેના કબ્રસ્તાનમાં આંબલીના ઝાડ પરથી પણ ૧૦ મરેલી સમડીઓ અને એક કૂતરો મળી આવ્યો હતો. બપોરે ૧૦.૩૦ થી ૩.૩૦ વાગ્યા સુધી અનેક પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતા સ્થાનિક રહીશોમાં ભારે કુતૂહલ જાગ્યું હતું. જેથી તેમણે ક્રોકોડાઈલ ગ્રૂપનો સંપર્ક સાઘ્યો હતો.
ક્રોકોડાઈલ ગ્રૂપના રાકેશ વઢવાણાએ જણાવ્યું હતું કે, પ્રાણી અને પક્ષીઓના મોત ખોરાકમાં ઝેર નાખવાથી થયા છે. ૩૪ કાગડા, ૧ બગલો, ૧૦ સમડી, ૧ ડુગ્ગો પક્ષી મરેલા મળ્યા હતા. અહીં મટનમાર્કેટ પાસે કૂતરાંનો ત્રાસ હોવાથી કોઈ એક વેપારીએ કૂતરાંઓને મારવા માટે માંસમાં ઝેર નાખ્યું હતું.
જેને કારણે આ પક્ષીઓના મોત થયા છે એવી કેટલાક રહીશોએ શંકા વ્યકત કરી હતી. શાસ્ત્રીબ્રીજ પાસેની વેટરનરી હોસ્પિટલના એનિમલ ડિઝીજ ઈન્વેસ્ટિગેશન લેબોરેટરીના હેડ ડો.ડામોરે જણાવ્યું કે, મત પક્ષીઓનું પોસ્ટ મોર્ટમ કરાયું છે. જેમાં ફુડ પોઈઝનિંગથી મૃત્યુ પામ્યા હોવાની શક્યતા છે. તમામ પક્ષીઓમાં એક સરખી જ અસર દેખાઈ રહી છે. પણ, અસર થનારા પક્ષીઓ માસાંહારી છે. ખરું કારણ રિપોર્ટ બાદ જ જાણવા મળશે. તેમના નમૂનાઓને આણંદ વેટરનરી કોલેજ ખાતે મોકલાયા છે.
કયાં પક્ષી મર્યા?
૩૪ કાગડા૧૦ સમડી૧ બગલો૧ ડુગ્ગો












