Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Saturday, Mar 13th, 2010, 2:42 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarઆણંદપરમાં વીજચેકિંગ ટુકડી પર પોલીસની હાજરીમાં હુમલો

Bhaskar News, Rajkot

કોર્પોરેટ ઓફિસની ચેકિંગ કાર્યવાહી દરમિયાન હુમલાની ઘટનાથી કર્મચારીઓમાં રોષ

ટંકારા તાલુકાના આણંદપર ગામમાં શુક્રવારે સવારે વીજચોરી સંદર્ભે ચેકિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો કરીને પથ્થરમારો કરાતાં વીજ કંપનીના બે કર્મચારીઓને ઈજા સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ અને હુમલાની ફરિયાદ નોંધાવવામા આવતા પોલીસે આણંદપર ગામમાં રહેતા રજપૂત શખ્સ સામે ગુનો નોંધી તેને પકડી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

પીજીવીસીએલની કોર્પોરેટ ઓફિસ દ્વારા શુક્રવારે કુલ ૩૩ ટુકડીઓ દ્વારા અલગઅલગ ગામડાંઓમાં વીજચોરી સંદર્ભે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજી-૧ સબ ડિવિઝનના જુનિયર ઈજનેર નેહલકુમાર ગોવિંદભાઈ પટેલ અને હેલ્પર એન.કે. રાઠવા સહિતનો સ્ટાફ આણંદપર ગામમાં ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે દેવા બેચર રજપૂત નામના શખ્સે ઉપરોકત ચેકિંગ ટુકડી સાથે માથાકૂટ કર્યા બાદ તેના પર હુમલો કરી દીધો હતો અને પથ્થરોના ઘા માર્યા હતા. આ ઘટનામાં જુનિયર ઈજનેર પટેલને પગમાં ઈજા થઈ હતી. જ્યારે હેલ્પર રાઠવાને ધક્કો લાગતા તેઓ પડી ગયા હતા અને મૂંઢ ઈજાઓ થવા પામી હતી.

આ બારામાં નેહલકુમાર પટેલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જમાદાર ભગવાનજીભાઈ પટેલે દેવા બેચર રજપૂત સામે પીજીવીસીએલની ટીમની ફરજમાં રૂકાવટ અને હુમલા અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન સામા પક્ષે રણજીતભાઈ થોભણભાઈ સાકરિયા નામના ૭૦ વર્ષના વઘ્ધ પણ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તેઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, વીજ કંપનીના અધિકારીએ ચેકિંગ દરમિયાન બીલ માગતા અને બીલ આપવામાં થોડીવાર લાગતા તેઓએ ધક્કો મારી પોતાને પછાડી દીધા હતા.

ખંઢેરીની ઘટના બાદ વીજચોરોની હિંમત ખુલી

થોડા સમય પહેલાં ખંઢેરી ગામમાં ચેકિંગ ટુકડીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજદિન સુધી આ ગામમાં વીજચોરી સંદર્ભે ચેકિંગ કરવામાં આવ્યું નથી. આથી જ વીજચોરી કરતા તત્ત્વો ફાટીને ધૂમાડે ગયા છે. અને વીજકંપની કંઈ કરી નહીં લ્યે તેવી માન્યતામાં રાચતા હોય છે અને આથી જ આણંદપરમાં ખંઢેરીની ઘટનાનું પુનરાવર્તન થયું હતું. તેમ મનાઈ રહ્યું છે.

હુમલાખોરો પકડાય નહીં ત્યાં સુધી ચેકિંગનો બહિષ્કાર

આણંદપર ગામમાં પીજીવીસીએલના કર્મચારી પર હુમલાની ઘટના બાદ એ.જી.વી.કા.સ., જીબિયા સહિતના યુનિયનો આકરા પાણીએ થયા હતા અને તેઓએ પીજીવીસીએલના એમ.ડી. શૈલેષ રાવલ, ચીફ એન્જિનિયર જાડેજા, રાજકોટના અધિક્ષક ઈજનેર પારેખને આવેદનપત્ર આપી એવી રજૂઆત કરી હતી કે, જ્યાં સુધી હુમલાખોરો પકડાશે નહીં ત્યાં સુધી ચેકિંગ કાર્યવાહી કરવામાં નહીં આવે તેમજ ચેકિંગ સમયે પુરતો પોલીસ બંદોબસ્ત જ્યાં સુધી ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી ચેકિંગની આગળની કાર્યવાહી ઠપ્પ કરી દેવાશે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: