ભારતે સાચું કહેતાં પાકને મરચાં લાગ્યાં
ત્રાસવાદ માટે ચિદમ્બરમે પાકની પૂંછડી દબાવતાં રાજદૂતે બલૂચિસ્તાનનું બાલિશ બહાનું આગળ ધર્યું
ભારત સહિત વિશ્વના અનેક ઇલાકાઓમાં જેહાદી ત્રાસવાદ બેફામ રીતે ફેલાવી રહેલા પાકિસ્તાનનો ચહેરો વધુ ને વધુ ઉઘાડો પડતો જઈ રહ્યો છે. તેની આઈએસઆઈસંસ્થા તેમજ લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ તેમજ બીજા આવા જાતભાતનાં નામધારી ત્રાસવાદી જૂથોને ત્યાંની હકૂમતનું કેવું અને કેટલું સમર્થન છે તેમજ આ બધાં સંગઠનો ભારતમાં કેવો કારમો કેર વર્તાવે છે એ વાત આખી દુનિયા જાણે છે.
હવે ભારતના મોંમાં આંગળાં નાખીને પાક આ વાતને ભારતના મોઢેથી ફરજિયાતપણે બોલાવી રહ્યું છે. અત્યાર લગી સરહદપારથી ત્રાસવાદ ફેલાવીને ભારતને અસલામત કરવામાં પાકે કંઈ બાકી રાખ્યું નથી અને ભારતના ગૃહમંત્રી પી. ચિદમ્બરમ આ ત્રાસવાદ માટે ચિંતા વ્યક્ત કરે ત્યારે પાકના પેટમાં ચૂંક આવે છે.
એક તરફ બંને દેશોના વિદેશ સચિવો વચ્ચે માંડ માંડ શાંતિમંત્રણા શરૂ થઈ શકી છે ત્યારે ચિદમ્બરમના ચંદ શબ્દો માટે પાકના હાઈ કમિશનર શાહિદ મલિક ચા કરતાં કિટલી ગરમ હોય એવો વેશ કાઢવા બેઠા છે. ચિદમ્બરમે વ્યક્ત કરેલી ચિંતા માટે પાકના આ રાજદૂત પોતાના આકાઓને ખુશ કરવા માટે વધારે પડતા હરખપદૂડા થઈને ઊલટો ચોર કોટવાળને દંડે એ રીતે ભારત માટે એવો આક્ષેપ કરી રહ્યા છે કે પાકના બલૂચિસ્તાનમાં ત્રાસવાદ વકરાવવામાં ભારતનો હાથ છે.
વૈશાખનંદનને પણ જાણે આધાશીશી ચઢે એવા પ્રકારની આવી વાત કરીને શાહિદ મલિક પોતાના ડિપ્લોમેટિક જ્ઞાનનું જાણે પ્રદર્શન કરવા બેઠા છે. ભારતે ૨૬/૧૧ના હુમલામાં સંડોવાયેલા હાફિઝ સઈદ જેવા લોકો માટેના પુરાવા અને તેમની સામે પગલાં લેવાની વાત કરતાં પાકના પેટમાં તેલ રેડાયું છે. જે વાત ઝરદારી અને ગિલાની નથી કરી શકતા એ શાહિદ મલિકના મોઢેથી બોલાવાઈ રહી છે. જે સ્પષ્ટ કરે છે કે ગરબડ તો પાકના પેટમાં જ છે.
ભારતની પારદર્શિતાને અને સારપને એ જરા પણ ગણકારવા માગતું નથી અને પોતાની નફટાઈને જ વળગી રહેવા માગે છે. બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાય એવું ત્રાસવાદીઓ ઇચ્છતા નથી એ વાત સર્વવિદિત છે પણ શાહિદ મલિક જેવાના ઊબાડિયાં પરથી તો એવું સમજાઈ રહ્યું છે કે ખરેખર તો અસલ નપાવટ તો પાકના હકૂમતખોરો છે. શાહિદ મલિક ચિદમ્બરમ સાથે લડી પડે એ બાબત જ પાક માટે શરમજનક છે.












