ફેક્ટરીમાલિક પર પથ્થરમારો: બાઇક કચડી ફરાર
છોટાઉદેપુરની ચારભુજા ટ્રાન્સપોર્ટમાં ટ્રક લઇ ચોરી કરવા આવેલા તસ્કરોને ફેક્ટરીના માલિકે પડકારતાં તેઓએ પથ્થરમારો કરી ટ્રક નીચે બાઇકને કચડી ભાગવાની કોશિશ કરી હતી. દરમિયાન ટ્રક ખોટકાઇ જતાં રસ્તામાં જ મૂકી તસ્કરો ફરાર થઇ ગયા હતાં. છોટાઉદેપુરમાં ગુરુવારે સવારે ચારભુજા ટ્રાન્સપોર્ટ પાસે ટ્રક ઊભી રાખી પાંચથી છ શખ્સો બારી તોડી અંદર ઘૂસ્યા હતાં જેની જાણ નજીકમાં રહેતા ફેક્ટરી માલીક રાકેશ શાહને થતા તેમના ભાઇને લઇ દોડી આવ્યા હતાં.
બંનેએ બાઇક ટ્રકની આગળ જ મૂકી તપાસ કરવા જતાં તસ્કરો કુદીને ટ્રકની ઉપર આવી ગયા હતા અને બંને ભાઇઓ પર પથ્થરમારો કરી લોખંડની ટોમી છુટ્ટી મારી હતી. તમામ સાગરીતો ટ્રકમાં બેસી જઇ આગળ મૂકેલી બાઇકનો કચ્ચરઘાણ વાળી ભાગી છૂટ્યા હતાં. જોકે, રસ્તામાં ઢંઢોળા પાસે ટ્રક ખોટકાઇ જતાં ટોળકી ટ્રક મૂકી ફરાર થઇ હતી.












