Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Friday, Mar 12th, 2010, 3:44 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarભેદી વાયરસથી યુવાન તબીબનું મોત

Bhaskar News, Rajkot

છ કલાકમાં મલ્ટીપલ ઓર્ગન ફેલ્યર થઈ ગયું: રાજકોટના ડોક્ટરના મૃત્યુથી તબીબી જગત સ્તબ્ધ

શહેરની વોકહાર્ટ હોસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટના સભ્ય ડો. ચિંતન ઓઝા (એમ.ડી. ફિઝિશિયન)નું ૩૨ વર્ષની યુવાન વયે અજાણ્યા-ભેદી વાયરલ ઈન્ફેક્શનથી માત્ર ચાર દિવસની ટૂંકી બીમારીમાં મૃત્યુ થયું હતું. રવિવારે તેમને સાદો તાવ આવ્યા બાદ સોમવારે અચાનક જ એમના મહત્ત્વના અંગો કામ કરતા બંધ થઈ ગયા હતા.

ડો.ઓઝાને અદ્યતન અને શ્રેષ્ઠત્તમ સારવાર આપવામાં આવી હતી. પરંતુ વિધાતાના લેખ સામે માનવીય અને તબીબી પુરુષાર્થનો પરાજય થયો હતો અને આજે સવારે ૧૧-૩૦ કલાકે ડો.ઓઝાએ સદા માટે આંખો મીંચી લેતા એમના પરિવાર જનો, વોકહાર્ટ હોસ્પિટલનો સ્ટાફ, રાજકોટના તબીબો તથા સદ્દગતના મિત્ર-સ્નેહીઓ ધેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. સદ્દગતની અંતિમયાત્રામાં મોટીસંખ્યામાં લોકો જોડાયા હતા અને એ આશાસ્પદ તેજસ્વી તબીબને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી. ડો. ઓઝા પોતાની પાછળ માતા-પિતા, બહેન, પત્ની તથા અઢી વર્ષના પુત્રને વિલાપ કરતાં છોડી ગયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ડો.ઓઝાને રવિવારે રાત્રે સામાન્ય તાવ આવ્યો હતો. સોમવારે ઉબકાં અને ઊલટી જેવું થતાં તેઓ વોકહાર્ટ હોસ્પિટલમાં જ ભરતી થયા હતા. એમના રક્ત પરીક્ષણ દરમિયાન બ્લડ પ્લેટલેટસમાં નોંધપાત્ર ઘટાડો જણાતા તેમને વાયરલ ઈન્ફેક્શનની સારવાર આપવામાં આવી હતી પરંતુ આશ્ચર્યજનક રીતે માત્ર ચાર કલાકમાં જ એમની કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી અને એ પછી ગણતરીના કલાકોમાં લિવર સહિતના શરીરના તમામ મહત્ત્વના અંગો ફેઈલ થઈ જતાં એમની તબિયતે ગંભીર વળાંક લીધો હતો. ડો.ઓઝાને ડાયાલિસીસ અને વેન્ટીલેટર ઉપર રાખી સારવાર આપવામાં આવી હતી. વોકહાર્ટ હોસ્પિટલના તબીબો ઉપરાંત દરેક ફેકલ્ટીના રાજકોટના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો સહિત પચાસ કરતા વધારે તબીબો એમની સારવારમાં ખડેપગે રહ્યા હતા.

એક તબક્કે એમને એર એમ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ જવાની તજવીજ કરવામાં આવી હતી પરંતુ સતત લથડતી જતી તબિયતને કારણે એ જોખમભર્યું જણાતા અંતે મુંબઈથી સીઆરઆરટી મશીન તાબડતોબ મંગાવવામાં આવ્યું હતું. એ દરમિયાનમાં વાયરસના ટોકસનને કારણે એમના પેટની દીવાલો તથા આંતરડા ફૂલી જતાં વેન્ટીલેટર પણ બિનઉપયોગી સાબિત થવા લાગ્યું હતું અને અંતિમ ઈલાજ તરીકે લેપ્રોસ્ટોપી કરી એમનું એક આંતરડું બહાર કાઢવામાં આવ્યું હતું.

ડો.ઓઝાના પિતા સુધીરભાઈ ભાવનગર એન્જિનિયરિંગ કોલેજના ડીન છે. એમના પત્ની ઝલકબેન પણ તબીબ છે. ડો. ઓઝાએ એમના જ્ઞાન, વિદ્વતા, કાબેલિયત, મિલનસાર સ્વભાવ અને દર્દીઓ પ્રત્યેના સમર્પણભાવ જેવા ગુણોને કારણે ખૂબ ટૂંકાગાળામાં અભુતપૂર્વ લોકચાહના પ્રાપ્ત કરી હતી.દર્દીઓ એમને ભગવાનની માફક પૂજતા હતા.ડો.ઓઝાએ એમની તબીબી કારકિર્દી દરમિયાન અનેક ક્રિટિકલ દર્દીઓની અમૂલ્ય જિંદગી બચાવી હતી. પરંતુ સેંકડો દર્દીઓના તારણહાર સમા એ તબીબ જ યુવાનવયે અચાનક અનંતની યાત્રાએ ચાલી નીકળતા એમના પરિચિતો, મિત્રો, શુભેચ્છકો, પરિવારજનો અને તબીબો હતપ્રભ બની ગયા હતા.

તબીબો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

ડો.ઓઝાનું રકત પરીક્ષણ કર્યા બાદ વાયરલ ઈન્ફેક્શન હોવાનુ ખૂલતાં એ માટેની પ્રસ્થાપિત પઘ્ધતિ અનુસાર એમની ઘનિષ્ઠ સારવાર શરૂ કરવામાંઆવી હતી પરંતુ એ સારવાર છતાં માત્ર ૪થી ૬ કલાકમાં જ એમની કિડની અને લિવર સહિતના તમામ મહત્ત્વના અંગો કામ કરતા બંધ થઈ જતાં તબીબો સ્તબ્ધ બની ગયા હતા.

લાચાર હૃદયે પોતાના પ્રિય સાથીદારને મોતના મુખમાં ધકેલાતા નિહાળવા સિવાય તબીબો પાસે કોઈ વિકલ્પ નહોતો બરયો. ચાર-ચાર દિવસની એકધારી કોશિશો બાદ પણ આજે ડો. ઓઝાનો જીવનદીપ હોલવાઈ જતાં વોકહાર્ટ હોસ્પિટલને વિક્ષુઘ્બીભર્યો વિષાદ ધેરી વળ્યો હતો. સાથી તબીબને ગુમાવ્યાની વેદનાથી ભાંગી પડેલાં તબીબો અને સ્ટાફના સભ્યો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. વોકહાર્ટ હોસ્પિટલના સ્ટાફે કતારબઘ્ધ ઊભા રહી અશ્રુભીની આંખે ડો.ઓઝાના પાર્થિવદેહને અંતિમ વિદાય આપી ત્યારે ભાવભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

અજાણ્યા વાયરલ ઈન્ફેક્શનનો ડેથ રેટ-૧૦૦ ટકા

ડો.ચિંતન ઓઝા જે અજાણ્યા વાયરસનો ભોગ બન્યા છે એ વાયરસ તબીબી જગત માટે ધેરી ચિંતાનો વિષય બની ગયો છે. જાણીતા ફિઝિશિયન ડો.રાજેશ તેલીના જણાવ્યા અનુસાર છેલ્લા છ મહિના દરમિયાન આ અજાણ્યા વાયરસ થકી સર્જાતા વાયરલ ઈન્ફેક્શનને કારણે આઠથી દસ દર્દીના મત્યુ થયા છે.

આ વાયરસ એટલા ઘાતક છે કે દર્દીના તબીબી પરીક્ષણનો રિપોટર્ આવે અને ઘનિષ્ઠ સારવાર શરૂ થાય એ પહેલાં જ દર્દીનું મૃત્યુ થઈ જાય છે. રાજકોટની ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીમાં ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હરિશભાઈ ધેલાણીનું આવા વાયરલ ઈન્ફેક્શનમાં જ મૃત્યુ થયું હતું. એક કરુણ યોગાનું યોગ એ હતો કે, હરિશભાઈની ટ્રીટમેન્ટ ડો. તેલી અને ડો.ચિંતન ઓઝાએ જ કરી હતી. આજે કમભાગ્યે એ જ વાયરસનો ડો.ઓઝા ભોગ બન્યા હતા.

બ્લડ સેમ્પલ પૂના મોકલાયા

ડો.ઓઝા સહિત છેલ્લા છ માસમાં આઠથી દસ વ્યક્તિનો ભોગ લેનારા આ અજાણ્યા ઘાતક વાયરસને ઓળખી લેવા આવશ્યક છે એવું તબીબો માને છે. આ વાયરસ થકી થતાં વાયરલ ઈન્ફેક્શનને નાથવાનું તબીબો માટે શકય બન્યું નથી ત્યારે આ વાયરસને જાણ્યા વગર એને કાબુમાં લેવાનું સંભવિત નહીં બને. રાજકોટના તબીબી જગતે આ વાયરસને ખૂબ ગંભીર, જોખમી અને ઘાતક ગણાવ્યા છે અને ડો.ચિંતન ઓઝાના બ્લડ સેમ્પલને પૂનાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

મૃતદેહને પ્લાસ્ટિક બેગમાં પેક રખાયો

અજાણ્યા ઘાતક વાયરસને કારણે મત્યુ થયું હોવાથી ડો. ઓઝાના મૃતદેહને સાવચેતી ખાતર પ્લાસ્ટિક બેગમાં પેક રખાયો હતો અને એ જ સ્થિતિમાં સ્મશાનગૃહે લઈ જવામાં આવ્યો હતો.

તમામ પ્રયત્નો એળે ગયા

ડો.ઓઝાના નજીકના મિત્ર ડો. રાજેશ તેલીના જણાવ્યા અનુસાર રાજકોટના ઈતિહાસમાં કદાચ કોઈને ન મળી હોય એવી ટ્રીટમેન્ટ ડો.ઓઝાને આપવામાં આવી હતી. વોકહાર્ટ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફે પોતાની તમામ શક્તિ કામે લગાડી દીધી હતી પરંતુ આવી ઘનિષ્ઠ, અધતન અને અવિરત સારવાર પણ કારગત નહોતી નિવડી અને અંતે આજે ૧૧.૩૦ કલાકે ડો.ઓઝાના શ્વાસ થંભી ગયા હતા.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: