આઇપીએલ 3: જાણવા જેવી બાબતો
બેંગલોર રોયલ ચેલેન્જર્સ
યુબી ગ્રૂપના માલિક વિજય માલ્યાએ ૫૦૨.૨ કરોડ રૂપિયામાં આ ટીમ ખરીદી છે જે બીજી સૌથી મોંઘી ટીમ છે. અનિલ કુંબલેનાં નેતૃત્વ હેઠળની ટીમમાં આઇકોન ખેલાડી રાહુલ દ્રવિડ છે. ટીમના અન્ય ટોચના ખેલાડીઓમાં પ્રવીણકુમાર, કોહલી, કેવિન પીટરસન, માર્ક બાઉચર તથા વાન ડેર મર્વે છે.
રાજસ્થાન રોયલ્સ
ઇમિર્જંગ મીડિયાએ ૩૦૧.૫૦ કરોડ રૂપિયામાં આ ટીમ ખરીદી છે, ત્યારબાદ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પણ તેમાં ભાગીદાર બન્યા છે. શેન વોર્નના નેતૃત્વ હેઠળની ટીમ પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બની હતી. ટીમમાં સ્મિથ, વોટસન, યુસુફ પઠાણ જેવા સ્ટાર ખેલાડીઓ છે. જાડેજાની ખોટ પડશે.
મુંબઇ ઇન્ડિયન્સ
લીગની સૌથી મોંઘી ટીમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ ૫૦૩.૫૫ કરોડ રૂપિયામાં ખરીદી છે. માસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરના નેતૃત્વ હેઠળની ટીમમાં હરભજન, જેપી ડ્યુમિની, શ્રીલંકન ટીમનો ઓપનર સનય જયસૂર્યા, ડ્વેઈન બ્રેવો તથા મલિંગા જેવા ખેલાડીઓ છે.
કોલકાતા નાઇટ રાઇડર્સ
શાહરુખ ખાનની રેડ ચિલી એન્ટરટેઇનમેન્ટ કંપનીએ ૩૩૭.૯૫ કરોડ રૂપિયામાં આ ટીમ ખરીદી હતી. બંગાળ ટાઇગર સૌરવ ગાંગુલીના સુકાન હેઠળની ટીમમાં શેન બોન્ડ, અજિત અગરકર, અજન્તા મેન્ડિસ, ઇશાંત શર્મા છે. ગયા વર્ષે બ્રેન્ડન મેક્કુલમે ટીમનું નેતૃત્વ કર્યું હતું.
કિંગ્સ ઇલેવન પંજાબ
અભિનેત્રી પ્રીતિ ઝિંટા તથા નેસ વાડિયા ૩૪૨ કરોડ રૂપિયા ખર્ચીને ટીમના માલિક બન્યા હતા. પ્રથમ બે સિઝનમાં યુવરાજસિંઘ સુકાની હતો. શ્રીલંકાના કુમાર સંગાકરાને આ વર્ષે ટીમનું સુકાન સોંપાયું છે. બ્રેટ લી, કૈફ, શોન માર્શ, પીયૂષ ચાવલા જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ છે.
દિલ્હી ડેરડેવિલ્સ
જીએમઆર ગ્રૂપે ૩૭૮ કરોડ રૂપિયામાં આ ટીમ ખરીદી હતી. ડેરડેવિલ્સ બંને સિઝનમાં સેમિફાઇનલ સુધી પહોંચી હતી. સેહવાગે સુકાનીપદેથી રાજીનામું આપી દીધું છે. ગૌતમ ગંભીરના નેતૃત્વ હેઠળની આ ટીમમાં સેહવાગ, દિલશાન, આશિષ નહેરા તથા ડી વિલિયર્સ જેવા મેચવિનર ખેલાડીઓ છે.
ડેક્કન ચાર્જર્સ, હૈદરાબાદ
ડેક્કન ક્રોનિકલે ૪૮૧.૫૦ કરોડ રૂપિયામાં આ ટીમ ખરીદી હતી. પ્રથમ સિઝનમાં છેલ્લા સ્થાને રહેલી આ ટીમ ૨૦૦૯માં ચેમ્પિયન બની હતી. આ ટીમમાં સાઉથ આફ્રિકાના ઓપનર હર્ષેલ ગિબ્સ, સુકાની ગિલક્રિસ્ટ, રોહિત શર્મા, સાયમન્ડ્સ જેવા સ્ટાર ખેલાડીઓ છે.
ચેન્નાઇ સુપર કિંગ્સ
બીસીસીઆઇના સેક્રેટરી શ્રીનિવાસનની કંપની ઇન્ડિયા સિમેન્ટે ૪૧૩,૫૫ કરોડ રૂપિયામાં આ ટીમ ખરીદી હતી. ધોનીના નેતૃત્વ હેઠળની આ ટીમમાં મુરલીધરન, મખાયા એન્ટિની, બદ્રીનાથ, માઇકલ હસ્સી, સુરેશ રૈના જેવા મેચવિનર ખેલાડીઓ છે.
ટાઈટલ જાળવી રાખીશું : ગિલક્રિસ્ટ
અમારી ટીમ ગયા વર્ષની જેમ શાનદાર પ્રદર્શન કરીને આઈપીએલની ત્રીજી સિઝનમાં પણ ટાઈટલ જાળવી રાખવામાં સફળ રહેશે. અમારે કોલકાતા સામેની પ્રથમ મેચથી જ તાલમેલ પ્રાપ્ત કરી લેવો પડશે.
- એડમ ગિલક્રિસ્ટ, ડેક્કન ચાર્જર્સ












