સુકાની તરીકે પોન્ટિંગના આઠ હજાર રન
પોન્ટિંગે ઓસ્ટ્રેલિયન સુકાની તરીકે રમેલી ૨૧૧ વન-ડેમાં ૨૧ સદી વડે કુલ ૮,૦૪૫ રન બનાવ્યા છે .ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગે ન્યૂઝીલેન્ડ સામે હેમિલ્ટન ખાતે રમાયેલી ત્રીજી વન-ડે દરમિયાન ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. પોન્ટિંગે આ મેચમાં ૬૯ રનની ઇનિંગ્સ દરમિયાન ૨૪મો રન પૂરો કરવાની સાથે વન-ડેમાં સુકાની તરીકે આઠ હજાર રન પૂરા કરનાર વિશ્વક્રિકેટનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાતી ચેપલ-હેડલી વન-ડે શ્રેણીની ત્રીજી મેચ પહેલાં સુકાની તરીકે પોન્ટિંગના નામે ૨૧૧ વન-ડેની ૨૦૨ ઇનિંગ્સમાં ૭,૯૭૬ રન હતા અને મંગળવારે રમાયેલી મેચમાં ઇનિંગ્સની ૨૨મી ઓવરના ચોથા બોલે ૨૪મો રન બનાવીને તેણે આ સિદ્ધિ મેળવી હતી. સુકાની તરીકેની ભૂમિકામાં પોન્ટિંગ અત્યાર સુધીમાં હવે ૮,૦૪૫ રન બનાવી ચૂકયો છે જેમાં ૨૧ સદી અને ૪૯ અડધી સદી નોંધાઈ છે.
પોન્ટિંગના પૂરી વન-ડે કારકિર્દી પર નજર નાખીએ તો તેણે ૩૪૩ મેચમાં ૪૩.૨૪ની સરેરાશથી કુલ ૧૨,૮૪૫ રન બનાવ્યા છે જેમાં ૨૯ સદી અને ૭૭ અડધી સદીનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા તરફથી વન-ડે તથા ટેસ્ટમાં સર્વાધિક રન નોંધાવનાર પોન્ટિંગ પ્રથમ ખેલાડી છે. વન-ડે ક્રિકેટમાં સર્વાધિક સદી નોંધાવનાર ખેલાડીની યાદીમાં પોન્ટિંગ સચિન તેંડુલકર (૪૭) બાદ બીજા ક્રમે છે. ‘પંટર’ના નામે જાણીતા બનેલા પોન્ટિંગે ૧૯૯૫માં સાઉથ આફ્રિકા સામે પ્રથમ વન-ડે રમી હતી અને તેના પ્રદર્શનને ઘ્યાનમાં રાખીને તેને ૨૦૦૨માં વન-ડે ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું.
ત્યારબાદ ૨૦૦૪માં તેને ટેસ્ટનો પણ કાયમી સુકાની બનાવવામાં આવ્યો હતો. પોન્ટિંગના નેતૃત્વ હેઠળ ઓસ્ટ્રેલિયન ટીમ ૨૦૦૩ તથા ૨૦૦૭માં આઇસીસી વર્લ્ડ કપ તથા ૨૦૦૬ તથા ૨૦૦૯માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. સ્ટિવ વોના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ટીમે ૧૯૯૯માં વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે પોન્ટિંગ વિજેતા ટીમનો સભ્ય હતો.












