કિવિ સામે ઓસી.એ સરસાઈ મેળવી
ત્રીજી વન-ડેમાં હેડિનની સદી, કિવિ સામે ઓસી.નો છ વિકેટે વિજય
ઓપનર બ્રેડ હેડિનની શાનદાર સદીની સહાયથી ઓસ્ટ્રેલિયાએ અહીં રમાયેલી ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં ન્યૂઝીલેન્ડને છ વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણીમાં ૨-૧ની સરસાઈ હાંસલ કરી લીધી હતી. ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ગૃહટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું અને ન્યૂઝીલેન્ડે ૪૬.૨ ઓવરમાં ઓલઆઉટ થતાં અગાઉ ૨૪૫ રનનો સ્કોર નોંધાવ્યો હતો, ઓસ્ટ્રેલિયાએ ૪૭.૨ ઓવરમાં ચાર વિકેટે ૨૪૮ રન કરીને મેચ જીતી લીધી હતી.
બ્રેડ હેડિન અને શેન વોટ્સને ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો અને પહેલી વિકેટ માટે ૨૫ રન ઉમેર્યા હતા પરંતુ એ પછી હેડિન સાથે સુકાની રિકી પોન્ટિંગ જોડાયો અને રનગતિ વધી ગઈ હતી. બંનેએ બીજી વિકેટ માટે ૧૫૧ રનની ભાગીદારી નોંધાવી હતી. પોન્ટિંગે ૭૧ બોલમાં નવ બાઉન્ડ્રી સાથે ૬૯ રન ફટકાર્યા હતા તો બ્રેડ હેડિને કારકિર્દીની બીજી સદી ફટકારતાં ૧૧૦ રન નોંધાવ્યા હતા.
બ્રેડ હેડિને ૧૨૧ બોલ રમીને સાત બાઉન્ડ્રી તથા પાંચ સિક્સર ફટકારી હતી. વન-ડે ક્રિકેટમાં આ તેનો સર્વોચ્ચ સ્કોર હતો. અગાઉ રોઝ ટેલરે ૬૨ રન નોંધાવીને ન્યૂઝીલેન્ડને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. તેને સ્કોટ સ્ટાયરિસ (૪૧) અને ગેરેથ હોપકિન્સ (૪૫)નો સહકાર સાંપડ્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે મિચેલ જ્હોન્સન અને રાયન હેરિસે ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી.












