ભક્તિના સેન્સેક્સની વધ-ઘટ
જેમ પ્રેમિકા પ્રત્યે તેમ ઇશ્વર પ્રત્યે પણ એકસરખો ઉત્કટ પ્રેમ સતત શા માટે નથી અનુભવી શકાતો?
ગુરુ, સંપ્રદાય અને કર્મકાંડ... ભક્તિ કરવામાં આ ત્રણ કેટલાં ઉપયોગી છે એની વાત ચાલી રહી છે. આમાં કોઇ ધર્મગ્રંથ કે રેફરન્સને વચ્ચે લાવ્યા વિના ફક્ત કોમન સેન્સ - સામાન્ય બુદ્ધિથી વિચારતાં એટલું સમજાય કે ઇશ્વર સાથે એકાકાર થવા માટે આ ત્રણમાંનું કશું જ ન હોય તો પણ ચાલી શકે. શરત ફક્ત એટલી જ કે છાતીમાં પ્રેમાળ-ભીનુંભીનું હૈયું હોવું જોઇએ અને હૈયામાં ઘણીબધી શ્રદ્ધા હોવી જોઇએ.
આવી છાતી, આવું હૃદય હોય તો કોઈ ટેકાની જરૂર નથી, પણ પ્રેમ કે શ્રદ્ધા ઓછાં પડે તો ગુરુ-સંપ્રદાય-કર્મકાંડના ટેકા થોડા ઉપયોગી ખરા. એમાંના બે ટેકા -ગુરુ અને સંપ્રદાયની વાત કરી. હવે વાત કરીએ કર્મકાંડની. કર્મકાંડ એટલે કે જપ-તપ-પૂજા-અર્ચના-તીર્થયાત્રાની એક આગવી મજા, આગવું સૌંદર્ય છે. કોઇને એ બધું ગમતું હોય તો એમાં કશું ખોટું નથી, પણ એક જોખમનું ઘ્યાન રાખવું.
એ જોખમ છે ગુમાન, અહંકાર. કર્મકાંડ ઘણી વાર નમ્રતાને બદલે ઘમંડને પોષનારી બાબત બની રહે છે. જેમ કે ‘હું તો આઠ દિવસના ઉપવાસ કરી શકું’, ‘હું તો ગાયને રોટલી નિર્યા વિના જમું જ નહીં’, ‘દિવસમાં ત્રણ વાર તો સ્નાન કરું જ’... આવાં વાક્યો કહીને આમ તો એટલું જ સાબિત કરવાનું હોય છે કે ‘મારામાં બહુ શિસ્ત છે... હું બહુ સંયમી છું... હું કર્મકાંડના નીતિ-નિયમોને ચુસ્તપણે પાળું છું’... પણ આ શિસ્ત-સંયમ-ચુસ્તીના આધારે ‘હું ભારે ધાર્મિક... તમે તુચ્છ-પામર ને હું મહાન-પવિત્ર’ એવો અહમ્ જો પોષાતો હોય તો એ મહાનતાની નહીં, લઘુતાની નિશાની છે.
કર્મકાંડ પાછળનો મૂળ હેતુ ‘સ્વ’ને ‘પરમ’માં ઓગાળવાનો હોય, પણ વાસ્તવમાં જો કર્મકાંડ દ્વારા ‘સ્વ’ કૂણો-ઝીણો થવાને બદલે ફૂલીને ફાળકો થતો હોય તો એવા કર્મકાંડનો, એવા ગુમાનનો શો મતલબ? ટૂંકમાં, ખરાબી કર્મકાંડમાં નથી. દોષ તેના ઉપયોગમાં છે. બાકી, ક્યારેક ઉપવાસ કરવાથી શરીર શુદ્ધ થતું હોય, મૌન રાખવાથી ચિત્ત શુદ્ધ થતું હોય કે માળા ફેરવવાથી મન સ્થિર થતું હોય તો એ આવકાર્ય જ છે.
પણ આ બધી વાતે જરાક અમસ્તો ઘમંડ મનમાં પ્રગટે તો જાતને યાદ કરાવવું કે બોસ, આઘ્યાત્મ એ કંઇ સંયમ-સાદગી-શિસ્તની હરીફાઇ કે મેરેથોન નથી જેમાં બીજાને પાછળ રાખીને આગળ વધી જવાનું હોય...
સો વાતની એક વાત જપ-તપ-માળા-પૂજા-યાત્રા... આ બધું કરતી વખતે એ વાતનું ખાસ ઘ્યાન રાખવું કે એ બધું કયાંક ‘હું’નો હણહણાટ વધારી તો નથી રહ્યું ને! મૂળ વાત છે ‘હું’ને ‘છાનો’ રાખવાની. એ માટે ભક્તિમાર્ગે અંતર્યાત્રા ખેડવા વિશે વાત ચાલી રહી છે. ઇશ્વર સુધી પહોંચવાનો સૌથી ટૂંકો રસ્તો ભક્તિ છે. આંખ મીંચીને ઇશ્વરને તીવ્ર રીતે યાદ કરીએ તો તરત ઇશ્વરમય થઇ શકાય... અને તીવ્ર રીતે ઇશ્વરમય થવું એટલે ઇશ્વર હોવાની, ઇશ્વરત્વની અનુભૂતિ થવી.
આ દિવ્ય, અતિ સુખદ, ઝણઝણાવી મૂકે એવી અનુભૂતિ, એવી ઝાંખી એક વાર થયા પછી, એક વાર ‘હરિરસ’ ચાખ્યા પછી આમ તો અંતર્યાત્રા વધુ સરળ બનવી જોઇએ, પણ વાસ્તવમાં થાય છે ઊલટું. હરિદ્વારમાં ગંગાકાંઠે સાંજની આરતીનાં સેંકડો દીવડાં જોતાંજોતાં ‘હું’ ગાયબ થઇ જાય અને દિવ્યતાનો એક ઝાંખો અનુભવ થાય ત્યાર બાદ સંતોષ થવાને બદલે ઘણી વાર અસંતોષ વધી જાય.
એવો સવાલ કનડવા લાગે કે આવી અનુભૂતિ રોજ કેમ નથી થતી? રોજ ભગવાનનાં દર્શન કરતી વખતે, નમાજ પઢતી વખતે, પ્રેયર કરતી વખતે આંખો ભીંજાઇ કેમ નથી જતી? ઇશ્વર-અલ્લા-ગોડ સાથે તાદાત્મ્યનો વત્તોઓછો એકાદ અનુભવ થયા પછી પ્યાસ વધુ ભડકી ઊઠતી હોય છે. આ તો એવું છે કે બે દિવસથી એક માણસે પાણી પીધું જ ન હોય.
પરિણામે એની તરસ એકદમ તીવ્ર હોય. એવામાં એને એક ટીપું પાણી પીવા મળે. પછી એની તરસ ઓર તીવ્ર બનવાની... એક ટીપાથી શું વળે? મને તો આખો ગ્લાસ જોઇએ, આખો કુંજો જોઇએ... પેટ ભરીને પાણી પીવાનો વલવલાટ ઓર ધેરો બને. એમ, ક્યારેક ક્યારેક ઇશ્વરત્વની ઝાંખી થયા બાદ એ જૂનો અનુભવ યાદ કરી કરીને માણસ એ વાતે દુ:ખી થતો હોય છે કે આવું રોજ કેમ નથી થતું?
ભક્તિની તીવ્રતા એકધારી જાળવી શા માટે નથી શકાતી? જેમ પ્રેમિકા પ્રત્યે તેમ ઇશ્વર પ્રત્યે પણ એકસરખો ઉત્કટ પ્રેમ શા માટે નથી અનુભવી શકાતો? ભક્તિના સેન્સેક્સમાં વધ-ઘટ શા માટે થાય છે? આ વિશે કશું થઇ શકે? શું થઇ શકે? વિચારજો.












