સદાલપુત્રની વાર્તા
ભગવાન મહાવીર એક વાર વિહાર કરતા પોલાસપુરમાં આવ્યા. પોલાસપુરમાં સદાલપુત્ર રહેતો હતો. એ શ્રીમંત કુંભાર હતો. નિયતિવાદનો ઉપાસક હતો. એ માનતો કે જે થવાનું હોય તે થાય જ છે. એણે ભગવાનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. ભગવાન મહાવીર એના ઘરે ગયા. સદાલપુત્ર પોતાના સરસ મજાના ઘડાઓને કાળજીપૂર્વક તડકે ગોઠવતો હતો. તેણે ભગવાનને આવકાર આપ્યો. ભગવાન તેની નજીક સર્યા, તેને પૂછ્યું :
‘સદાલપુત્ર, આ તારા સરસ માટીના ઘડાઓને કોઇ ફોડી નાખે તો તેને દુ:ખ થાય કે ન થાય?’
સદાલપુત્રે કહ્યું : ‘અરે, કોઇની તાકાત છે કે ફોડે? હું ફોડવા દઉ જ નહીં ને?’
ભગવાને કહ્યું : ‘તો એને તું રોકી કઇ રીતે શકે?’
સદાલપુત્રે કહ્યું : ‘ભગવાન, પહેલાં તો આ કોરી માટીનાં ઢેફાં હતાં એને ગર્દભો ઉપર ચડાવીને એ માટી અહીંયા લાવવામાં આવી. એમાં ચોખ્ખું જળ રેડ્યું. પછી મારી પ્રિય પત્ની અગ્નિમિત્રાએ એના કોમળ પગોથી એને ખુંદી ચાકડે ચડાવી. કેટલી મહેનત પછી આ ઘડો તૈયાર થયો છે.’
ભગવાન હસી પડ્યા: ‘તેં કેટલી મહેનત કરી ભાઇ! પછી આ ઘડો તૈયાર થયો છે, નહીં?’
મહાવીરની વાણી સાંભળી સદાલપુત્ર ચમક્યો. નિયતિવાદમાં માનનારા સદાલપુત્રની માન્યતા હતી કે જે થવાનું હોય છે તે થાય જ છે. એમાં માનવીની મહેનત, શ્રદ્ધા કે પુરુષાર્થનું કશું જ ચાલતું નથી.
સદાલપુત્રે વાત બદલી નાખી : ‘ના, ના એવું નથી. આ તો બધું નિયતિ જ કરે છે, જે થવાનું હોય તે થાય જ છે એમાં પુરુષાર્થની આવશ્યકતા નથી.’
ભગવાને હવે વાત પકડી લીધી : ‘ઓહ એમ છે! જો એમ જ હોય અને જો નિયતિથી જ ચાલતું હોય તો કોઇ બળજબરીથી તને મારે, લૂંટે, પીટે તો તારે દુ:ખ લગાડવાની જરૂર જ કયાં રહી?’
સદાલપુત્ર ગુસ્સામાં આવી ગયો. ‘પ્રભુ એવાને તો કદી જીવતો ય ન છોડાય?’ ‘અરે, તું તારો સિદ્ધાંત કેમ ભૂલે છે? તારા નિયમ પ્રમાણે તો કોઇ વાસણ ફોડે તો તે નિયતિવાદના બળે જ થાય છે. બળ, પુરુષાર્થમાં માનવાનું જ ક્યાંથી હોય?’
અને સદાલપુત્રનાં અજ્ઞાનનાં અંધારાં દૂર થઇ ગયાં. એ સમજયો કે જે થવાનું હોય છે તે થાય જ છે એવું નથી. જગતના ક્રમની પાછળ મનુષ્યના પ્રારબ્ધની સાથોસાથ પુરુષાર્થ પણ એટલો જ ઉપયોગી છે.













