કૂતરી તથા ગલૂડિયાંનો સંવાદ
અમે ગયા જન્મમાં પુણ્ય કર્યા હશે તે આ વખતે કૂતરાનો અવતાર મળ્યો છે, જો માણસનાં બચ્ચાં થયા હોત તો અત્યારે નર્સરીમાં જઇને એબીસીડી ગોખતાં હોત.
(સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદનું મેઘાણી પ્રાંગણ, તારીખ: ૨૧-૦૨-૧૦, સમય: સાંજે ચાર વાગે, મેદાનમાં ખૂણાનાં આવેલા ઝાડનાં છાયામાં એક કૂતરી આડા પડખે થઇ છે, બાજુમાં તેના બે ગલૂડિયાં ગેલ કરી રહ્યા છે. ધીમે ધીમે સાહિત્યકારો અને સાહિત્યરસિકો ઉભરાવા માંડે છે. કોઇ લાલ લાઇટવાળી ગાડીમાં, કોઇ લાઇટ વગરની ગાડીમાં, કોઇ દ્વિચક્રી કોઇ ત્રિચક્રી તો કોઇ ચક્રવિહીન અવસ્થામાં આવી ચડે છે. સ્ટેજ ઉપર અગિયાર ખુરશીઓ એવી રીતે ગોઠવવામાં આવી છે કે કોઇને પ્રવચન માટે ઊભા થવું હોય તો ખુરશી ખસેડવામાં પરિશ્રમ કરવો પડે, માતૃભાષા માટે ચિંતિત અગિયાર વિદ્વાનો સ્ટેજ ઉપર બેઠા છે, કાયમ સ્ટેજ ઉપર બેસવા ટેવાયેલા અને એ માટે જરૂરી તમામ લાયકાત ધરાવનારા અમુક વિદ્વાનોએ શ્રોતાગણની પ્રથમ હરોળમાં સ્થાન લીધું છે તથા જે લોકોએ સ્વીકારી લીધું છે કે આપણે સ્ટેજ ઉપર કે પ્રથમ પંક્તિમાં બેસવાને લાયક નથી તેમણે પોતાની લાયકાત મુજબ સ્થાન લીધું છે, હવે કૂતરી અને તેના બે ચિરંજિવી વરચે સંવાદ શરૂ થાય છે)
કૂતરી: બેટા... (થોડું મોટેથી) દીકરા, સાંભળો છો?ગલૂડિયું-૧: બા, રમવા દેને...કૂતરી: તમે બંને આખો દિવસ રમવા સિવાય કશું કરતાં નથી.ગલૂડિયું-ર: અમે પણ ગયા જન્મમાં પુણ્ય કર્યા હશે તે આ વખતે કૂતરાનો અવતાર મળ્યો છે, જો માણસનાં બચ્ચાં થયા હોત તો અત્યારે નર્સરીમાં જઇને એબીસીડી ગોખતાં હોત.
કૂતરી: આ લોકો એટલા માટે જ એકઠાં થયા છે. આ પરિષદનું ચોગાન છે એટલે અહીં લાંબા ઝભ્ભા, ખભે બગલથેલા, ઓળ્યા વગરનાં વાળ અને મદહોશ આંખોવાળા શારદાનાં સંતાનો આવે તે સ્વાભાવિક છે પરંતુ આજે આ બધા પોતાની માતૃભાષા માટે ભેગાં થયા છે.
ગલૂડિયું-૧: માણસ કરતાં આપણે કેટલા નસીબદાર છીએ કે આખી દુનિયામાં આપણી એક જ ભાષા છે, ગુજરાતી કૂતરો પંજાબી કૂતરાને મળે કે પોર્ટુગીઝ કૂતરાને મળે એમનાં વિચારોનાં આદાનપ્રદાનમાં કોઇ અડચણ આવતી નથી.
ગલૂડિયું-ર: બા, માણસ તો કપડાં, મેકઅપ અને અંગ્રેજીનો સહારો લઇને પોતાની અસલિયત છુપાવે છે જ્યારે આપણે તો વસ્ત્રોનું વળગણ નહીં, રંગભૂષાનો રિવાજ નહીં અને બીજી ભાષામાં વાત નહીં એટલે જેવા હોય તેવા દેખાઇ જઇએ.કૂતરી: દીકરાઓ થોડું ધીમે બોલો જેથી એમને ખલેલ પહોંચે નહીં.
ગલૂડિયું-૧: સાંભળ બા, એ લોકોએ ભૂંગળા ચાલુ કર્યા, આપણે એમને ખલેલ પહોંચાડીએ છીએ કે એ આપણને ખલેલ પહોંચાડે છે?ગલૂડિયું-ર: અમે બંને ભાઇ રોજ સાંજે પેલા સ્ટેજ ઉપર જઇને મસ્તી કરીએ છીએ જ્યારે આજે આ લોકો ત્યાં ટેબલ-ખુરશીઓ નાખીને જામી પડ્યા છે.
કૂતરી: તમે બન્ને એક દિવસ નદીનાં પટમાં રમી લો તો દુબળા પડી જવાના નથી, થોડાક તો કૂતરા થાવ.
ગલૂડિયું-૧: ના બા, દરરોજ માણસનું એઠું ખાઇને મારી અંદર માણસાઇનો વાઇરસ આવી ગયો છે એટલે શરમ સાવ છૂટી ગઇ છે. એ લોકોથી જે થાય તે કરી લે. હું તો ચાલુ સભાએ સ્ટેજ ઉપર જવાનો. (આમ કહી ગલૂડિયું ગુજરાતી સાહિત્યનાં ધૂરંધરોની પરવા કર્યા વગર વટથી સ્ટેજ ઉપર ગયું તથા ધીરાં ડગલાં ભરતું પસાર થઇ મેઘાણીખંડ પાસે જઇને બા તથા ભાઇ સામે જોઇને મૂંછ ઉપર હાથ એટલે આગળનો પગ દેવા લાગ્યું.)
કૂતરી: બેટાગલૂડિયું-ર: બોલ બા...
કૂતરી: આ કપાતર બિલકુલ એના બાપ ઉપર ગયો છે. એનો બાપ પણ આવો જ નશરમો હતો. તે જીવતો ત્યાં સુધી ગમે તેવા મુર્ધન્ય સાહિત્યકારની સાઇકલ પાસે જઇને પગ ઊચો કરી લેતો હતો. એ ભલે સ્ટેજ ઉપર ગયો પણ તું જતો નહીં.
ગલૂડિયું-ર: હું પણ મારા બાપુ તથા મોટાભાઇનાં પગલે પગલે ચાલીશ, કારણ કે આ લોકો ભાષણમાં બોલ્યા કે માતૃભાષા સિવાયની ભાષામાં ભણ્યા પછી સંતાનનાં આચાર-વિચાર મા-બાપ જેવા રહેતા નથી.
પરંતુ મારી અને મારા બાપની ભાષા જુદી નથી (આટલું કહીને બીજું ગલૂડિયું પણ સ્ટેજ ઉપર થઇને મોટાભાઇ પાસે પહોંચી ગયું પછી તો બંને હિંમત કરીને સાથે સ્ટેજ ઉપર આવ્યા, એક આગળથી આવ્યું અને બીજું પાછળથી આવ્યું. અંતે કૂતરીને વાલી હોવાથી ઊઠવું પડ્યું, એ શરમાતી શરમાતી સ્ટેજ ઉપર આવીને પોતાના શરારતી સંતાનોને સમજાવીને નદીનાં પટમાં લઇ ગઇ અને ઠપકો આપ્યો)
કૂતરી: ગુજરાતીઓએ પોતાની માતૃભાષા છોડી દીધી અને તમે એક દિવસ માટે તમારા રમતનાં મેદાન જેવું સ્ટેજ છોડવા તૈયાર નથી? દરેક ગુજરાતી પોતાની માતૃભાષામાં જ લખતો, વાંચતો, ભણતો અને બોલતો હોત તો આ લોકો આટલા ચિંતિત ન હોત, હવે તમે જો સ્ટેજ ઉપર ગયા તો હું તમારી જનેતા ઊઠીને શ્રાપ આપીશ કે આવતાં જન્મે તમે ગુજરાતી થશો અને તમારી માતૃભાષાને ભૂલી જશો. (છેલ્લા સમાચાર મળ્યા તે મુજબ બંને ગલૂડિયાં સ્ટેજ ઉપર તો જતાં નથી પરંતુ સ્ટેજ સામે જોવાની પણ હિંમત કરતાં નથી) 












