મુંબઈ યુનિવર્સિટી હવે ફાઈવ સ્ટાર દરજ્જો ધરાવતી નથી
વેબસાઈટ પર ફાઈવ સ્ટાર હોવાનો દાવો કરે છે : છેલ્લાં ત્રણ વર્ષથી એક્રેડિશન રિન્યુ કરાવ્યું નથી, પણ અન્ય કોલેજોને એક્રેડિશન મેળવી લેવાની સૂચના કરે છે
વિશ્વભરની ટોચની ૨૦૦ યુનિવર્સિટીની યાદીમાં સ્થાન મેળવવાની આશા રાખતી મુંબઈ યુનિવર્સિટી મુદત વટાવ્યા પછી ત્રણ વર્ષે સુઘ્ધાં તેનું એક્રેડિશન (કાર્યક્ષમતા, પ્રમાણભૂતતા અને ભરોસાપાત્રતાનું પ્રમાણપત્ર) રિન્યુ કરાવવામાં નિષ્ફળ ગઈ છે.
મુંબઈના અગાઉના એક્રેડિશનની મુદત ૨૦૦૬માં પૂરી થઈ ગઈ છે. એક વર્ષનો સમય લંબાવી અપાયો હોવા છતાં યુનિવર્સિટી રિન્યુઅલ માટે અરજી કરી શકી નથી. તેમ છતાં યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોને તે નવેસરના એક્રેડિશન માટે અરજી કરવાની સૂચના આપ્યા કરે છે તે રસપ્રદ બાબત છે.
નિયમો અનુસાર દેશમાં ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલી શિક્ષણ સંસ્થાએ દર પાંચ વર્ષમાં એક વાર નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિશન કાઉન્સિલ (એનએએસી-નેક)નું સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે. નેક યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)નું સ્વાયત્ત એકમ છે. રેટિંગ્ઝની કાર્યવાહી હાથ ધરે છે.
શિક્ષણ સંસ્થાએ દર પાંચ વર્ષે રિન્યુઅલ કરાવવાની આવશ્યકતા રહે છે. મુંબઈ યુનિવર્સિટીને ૨૦૦૧માં એક્રેડિશન મળ્યું હતું અને ત્યારે તેને પાંચ સ્ટાર આપવામાં આવ્યા હતા. પાંચ વર્ષની માન્યતા ૨૦૦૬માં સમાપ્ત થઈ ગઈ હતી અને યુનિવર્સિટીએ એક વર્ષનો વધારાનો સમય મેળવ્યો હતો. ૨૦૦૭થી યુનિવર્સિટીએ નવા એક્રેડિશન માટે અરજી કરી નથી. જોકે યુનિવર્સિટી વેબસાઈટ પર ‘તેને નેક દ્વારા ફાઈવ સ્ટારનો દરજ્જો આપવામાં આવ્યો છે’ એવો દાવો કરે છે.
એક વરિષ્ઠ શિક્ષણવિદે કહ્યું હતું કે, ‘યુનિવર્સિટી છેલ્લા વર્ષથી એક્રેડિટેડ નથી એ ખરેખર શરમજનક બાબત છે. આપણે ટોચની ૨૦૦ યુનિવર્સિટીમાં સ્થાન મેળવવાની વાતો કરીએ છીએ અને આપણે પ્રાથમિક જરૂરિયાતો સુઘ્ધાં પૂર્ણ કરી શકતા નથી. મુંબઈ યુનિવર્સિટી એશિયાની પ્રથમ ૨૦૦ યુનિવર્સિટીની યાદીમાં અને વિશ્વની ૫૦૦ પ્રથમ યુનિવર્સિટીની યાદીમાં સ્થાન ભોગવે છે અને તેને દુનિયાની પ્રથમ ૨૦૦ યુનિવર્સિટીની યાદીમાં સ્થાન મેળવવાના પ્રયાસ કરવા માટે બે વર્ષ અગાઉ રૂ.૧૦ લાખનું ભંડોળ આપવામાં આવ્યું હતું.
નવાઈની વાત એવી છે કે નેક દ્વારા ૧ એપ્રિલ, ૨૦૦૭થી એસેસમેન્ટ અને એક્રેડિશન માટે નવી પદ્ધતિ અપનાવાઈ છે, જે અનુસાર હવે શિક્ષણ સંસ્થાઓને ચાર કેટેગરીમાં ગ્રેડ અપાય છે. તે મુજબ એ ગ્રેડ(અતિ ઉત્તમ), બી ગ્રેડ (ઉત્તમ), સી ગ્રેડ (સંતોષકારક), ડી (અસંતોષકારક) નો સમાવેશ થાય છે. આ બાબતે યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યે કહ્યું હતું કે, ‘ત્રીજી પેઢીનો એક્રેડિશન સુધારો આવી ગયા છે છતાં અમે હજીય પાંચ સ્ટારને પકડી બેઠા છીએ.’












