Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Tuesday, Mar 9th, 2010, 5:42 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarચોન્ટી

Iva Dev

બા, બાપા અને પરિવારની લીલા... નાના બાળકની દ્રષ્ટિએ!

2મને મારી બા પાહે રે’વું બઉ ગમે. મને એવી ---! એ, કો’ક બાયણું ખોલિયું. ઓ બા રે ! બાપા કોક માણહ હાથે ઘરમાં આયા. મને તો એવી બીક લાગી કે ઉં તો, બા...બા...બા...બા... કરતો રહોડામાં દોડિયો. મને એ માણહ મારવા જ આયો’તો. હા, એ મને મારવા જ આયો’તો.

ભૈ, મને બઉ બીક લાગતી’તી. ને મને જા’રે જા’રે બીક લાગે છ તા’રે તા’રે રડવાનું ને ભૂ ભૂ કરવાનું જ થયા કરે છ. રહોડામાં જતાંક ને બાની છાતીએ બાઝી બચ બચ ધાવવાનું મને બઉએ મન થૈ ગયું; પણ ચમ કરીને કરું? બા’ર ઓયડામાં બેઠા’તા બાપા, ને પેલો બીક લાગે એવો માણહ; ને બા પાહે, પેલું ભડકા કરતું કૈંક અતું.

મારાથી તો ભૈ ના રે’વાયું. અંગૂઠો ચહ ચહ કરતાં મેં તો ભૂ ભૂ કરી દીધું. અમણાંની તો બાય જો ઉં આમ ભૂ ભૂ કરું તો મને વઢી નાખે છ પણ આ વખતે તો ખાંડ ખાવામાં એવીઆ એવી અતી કે મને વઢવાનું ભૂલી ગઇ. બાપા આયા છ જાણી એ ડબ્બો ઝટ ઝટ બંધ કરી આટિયામાં મૂકવા દોડી.

હારું થયું કે બાપા પેલા ઓયડામાં અતા. નઇ તો માર્યા વિના ના રે’ત. બાપા મને મારવા લે છ તા’રે ભૈશાભ, એવું ભૂ ભૂ થઇ જાય છ, એવું ભૂ ભૂ થઇ જાય છ, કે ના પૂછોને વાત. એ તો એમ જ ક’યા કરે છ : ‘આવડો મોટો ઊંટ થયો તોય છાંટો અક્કલ નથી આઇ.’

જા’રે એ કે’ કે મા એવો દીકરો તે, મને બઉ બઉ ગમે. તા’રે તો કઉં છ કે મને મારી બા જોડે એવી ગમ્મત પડે, એવી ગમ્મત પડે, કે એનાથી વધારે ગમ્મત ફગત એની છાતીએ બાઝી ચહ ચહ ચૂહવામાં જ પડે. બીજા કોઇ હાથે એવી ગમ્મત ના પડે તે ના જ પડે. ઉં ને મારી વા’લી બા.

બાપા ઘરમાં ના હોય તા’રે રહોડામાં ગોળ-ખાંડના ડબ્બા ઉઘાડી જે મજા કરીએ, એવી મજા તો બઉ ઓછી વાર અમને પડે. રાતે એ મજા અવળી નીહરી જાય. બાપાને ખબર પડી જ જાય. બાને પૂછાપૂછ કરે ને બચારી બા પકડાઇ જાય. ગોળ-ખાંડ ડબ્બામાં હોય નઇ.

પછી એ જોડે ને જોડે અમને તો હપાટે, ઓ હપાટે તે અમારી મજા અવળી નીહરી જાય ને મારું ભૂ ભૂ ભો છૂટે તો છૂટે, પણ કો’ક કો’ક વાર મારું પૂછડું હોતેય છૂટી જાય; ઉં ચોકડીએ પો’ચું તે પે’લાં જ. મારી બા અમથી અમથી બૂમો મારી બઉ રડે. પણ બીજું થાયે હું? —

ઓ, ઓ, બાપાનાં પગલાંનો અવાજ! બાપા, બાપા, બા-પા, બા-પા, અંદર આયા. મા ઝટ ડઇ થઇ લોટ બાંધવા મંડી. ઉં ડાયોડમરો થઇ એની પાહે બેહી ગયો. આઇ ને એવા એ કે’ અમે બેઉ ડાયાં લાગીએ છીએ. જો અમે એવાં હારાં થઇ ને રઇએ તો થોડા દા’ડા કોકને તાં અમને લગનમાં લઇ જહે. આ... આ... હારાં થઇ ને રે’શું, કે’તી બા બોલી ઊઠી. લગન, લગન....! લગન...! એટલે હારું હારું, મીઠું મીઠું ખાવાનું. ઓ — ઓહ! બઉ બઉ ગમ્મત, મજા પડવાની!

ભફ ભફ કરતી ગાડીમાં બેહી અમે લગનને ગામ આયાં. મૂઆં એટલાં બધાં લોકોને જોઇ મને એવી બીક લાગતી’તી કે જેમ તેમ મેં ભૂ ભૂ દબાઇ રાખ્યું. અમે કો’કને ઘેર આયાં. મોટું ને હારું ઘર અતું. બે-ચાર મોટા મોટા ઓયડા, નાવાનો મોટો ઓયડો, ને એમાં રૂપાળી ચોકડી. બાએ નાના એક ઓયડાના ખૂણામાં પેટી મૂકી, ગોદડી પાથરી ઘર બનાયું. ઉં બાની જોડે લપાઇ ને બેહી ગયો. અંઇ મને બઉ જ ગમ્મત પડવા લાગી.

નગારાંવાળા તડૂમ તૂમ તડૂમ તૂમ કરે, વાજાંવાળા ભોં ભોં કરે, ને મારાં વા’લાં છોકરાંઓ નાચે, ઓ નાચે! અઇનાં છોકરાંય બઉ હારાં અતાં. મને કૈં બઉ ખીજવેય નઇ. એક પેલા બાપા જ આખો દા’ડો અમને વઢવઢ કર્યા કરે: ‘’લી વઉ તું પાંહરી રે’જે. બઉ ખઉ તને ઘેર જઇ લૈ આપીહ.

રહોડાથી દૂર રે’જે, ભૈશાભ આ છોકરાને તારી પાહે ને પાહે રાખી મૂકજે. જરાય વીલો ના મૂકીહ.’ મારી બા છે ને તે બઉ ઉશિયાર. જા’રે કોઇ આમતેમ પાહે ના હોય તા’રે રહોડામાં પેહી જાય ને ગોળનો ગાંગડો છ, ચપટી ખાંડ છ, કંઇ અલકમલકનું મીઠું ખાવાનું લૈ આવે. એ ખાતી જાય ને મને ખવડાવતી જાય. અમને બેઉને એવી ગમ્મત પડે!

એવી મજા પડે! એવું બધું જાત-ભાતનું ખાવાનું અતું! ખઇ ખઇ ને મારું તો પેટ જ જાણે ફાટ ફાટ થતું’તું. એક વાર આમ કોઇ જોતું નો’તું તા’રે ને બા રહોડામાં પેઠી. મેં એક ડોહીને આવતી જોઇ. બઉંએ ઉં ઉં કર્યું, પણ બાએ હાંભળ્યું નઇ. ઉં તો ઓયડાના ખૂણે ભરાઇ ગયો.

ડોહી તો એવી બરાડવા લાગી : ‘’લી વઉ ! ઓ’લી વઉ ! હેનાં ખાંખાંખોળાં કરછ?’ ‘કૈં નઇ કાકી, કેં નઇ કાકી. જોતી’તી કે કંઇ વાહણ ઘહવાનાં બાકી ર’યાં છે માંય?’ બબડતી બબડતી ડોહી બા’ર જતી રઇ. મને થયું કે અવે બાપા આવહે ને અમને બેઉને જોડે જોડે ડીભહે. જોડાની મને બઉ બીક લાગી, ને ભૂ ભૂ થાય એવું થવા માંડ્યું.

એ તો બા ઝટ ઝટ અંદર આઇ ને મને છાતીએ વળગાડી દીધો એટલે ભૂ ભૂ બંધ થઇ ગયું. બા આઇ ને બબડવા મંડી: ‘કેવાં માણહાં છ મૂઆં! આ ડોહલી મૂઇ પાછળ પાછળ ફરે છ. એનો જાણે કે દલ્લો ના લૂટી લેવાનાં હઇએ!’ થોડી વારમાં ફરી એ તો પરહાળમાં ગઇ. આમતેમ જોઇ આઇ.

પછી એ અંદર આઇ ને ઉઘાડી પેટીઓ ખોલીને ખાંખાંખોળાં કરવા મંડી. એક પેટીમાંથી એને બઉ હારી ચળક ચળક થતી પીળી વીંટી જડી. એ તો એને જોઇ જ રઇ. એને બઉ ગમ્મત પડી ગઇ. એને ગુંજામાં મૂકવા જતી’તી તાં લાગલી પેલી ડોહી દોડતી દોડતી મંઇ આઇ, ને બાપ, જે રાડો પાડવા મંડી, જે રાડો પાડવા મંડી કે જાણે એને વાઘે ઝાલી.

મને તો એ હાંભળીને ભૂ ભૂ થવાનું થઇ ગયું. કે’: ‘’લી વઉ! હું કરછ તાં? ઊભી રે’તું! હું લીધું છ? બતાય, બતાય, ’લી વઉ.’ બા ઊભી થતી કે’: ‘કૈં નથી લીધું. એ તો અમસ્તી જ બેઠી ’તી અંઇ.’ વીંટી મૂઠીમાં હંતાડી બેઉ આથ પછવાડે બાંધી દીધા. ઉં તો બઉ બી ગયો.

ભૂ ભૂ દબાવતો દોડતોક ને બાની પાછળ હંતઇ ગયો. બા રડતી રડતી (અમથું, હં કે!) ક’યા કરે : ‘કં જ નથી લીધું હાચુ કઉં છ.’ ડોહી બરાડતી બરાડતી કે’: ‘ના હું? આ બધી પેટીઓ અમ વેરમ્છેરમ્ છે?’ અવે બઉ માણહાં ભેગાં થઇ ગયાં. પેલાં હારાં હારાં છોકરાંય તંઇ આયાં. મને બઉ મજા પડી. મને થયું કે એ બધાં અવે મારી હાથે રમહે.

તાં બાએ મારું મોં પો’ળું કરી ગોળનો ગાંગડો મૂકે એમ પેલી વીંટી એમાં મૂકી દીધી. ઉં બધું હમજી ગયો. બાએ વીંટી હંતાડવા મને આપી છ. એમ તો બા ઘણીય વાર આવી નાનીમોટી ચીજો બાપા આવી ચડે તા’રે મારા મોઢામાં મૂકી દે છે.

જા’રેય બાપા બાની પાહે હંતાડેલા પૈહા ખોળવા આવે તા’રે બા એ મારા મોંમાં જ મૂકી દે. ઉં એ કોઇ દા’ડો ગળી જતો નથી. મેં વીંટીને એવી જીભ નીચે દબાઇ દીધી! અવે પેલી ડોહી બાના હાથ ખેંચવા મંડી. બા કે’ કે એમ આથ નઇ ખેંચવાના. તા’રે ડોહલી કે’ કે આથ હું, જીભ હોત ખેંચી કાઢીહ.

બતાય, રાંડ, બતાય, તારા આથમાં હું છે? હારું થયું કે બાપા કૈં બા’ર ફરવા ગયા’તા. નઇ તો અમને બેઉને જોડે જોડે એવાં પીટત, એવાં પીટત, કે મને ભૂ ભૂ થઇ જ જાત. અવે બધાં છોકરાં આથ ઊંચા કરી કરી હો હો કરવા મંડ્યાં. મને તો બઉ ગમ્મત પડી. મારેય હો હો હો હો કરવી’તી.

મને એવાં એ ખીજવેય નઇ. આમ મારી હાથે રમવા આયાં ને ઉં ના રમું તે ચાલે! એમને જોઇ ને ઉંય આથ પો’ળા કરી કૂદવા મંડ્યો. જાં હો હો કરવા જાઉં તાં ‘હો... ઉ... પ’ થઇ ગયું ને પેલી વીંટી ભપ દઇને બા’ર નીકળી, ને પડી પેલી ડોહલીના હાથ પર!

ઝપ્પ દઇને વીંટી લઇ એ બરાડી : ‘રાંડ, જુઠ્ઠી ને ચોન્ટી! ઓ ચોન્ટી!’ બાને એવી આ હું વઢે! બાપ, હું વઢે! આમ મને રડવું આવત ને ભૂ ભૂ ય બઉ થઇ જાત, પણ પેલાં છોકરાં એવાં હારાં અતાં કે એમની હાથે ઉંય રમવા ને નાચવા મંડ્યો. ‘એ અલા ચોન્ટી, એ અલા ચોન્ટી’ કે’તાં એવાં એ નાચતાં’તાં.

મને એ હાંભળી એવી ગમ્મત પડી, એવી ગમ્મત પડી, કે ઉંય, ‘એ અલા ચોન્ટી, એ અલા ચોન્ટી, ચોન્ટી!’ કે’તો કે’તો હો હો કરવા મંડ્યો. એમ પે’લી જ વાર ઉં એમ છોકરાં જોડે રમ્યો. હાચું કઉં છ, મને બઉ બઉ ગમ્મત પડી. છોકરાં કેવાં હારાં અતાં!

અહા! જિંદગી મેગેજીન ખરીદવા માટે વાર્ષિક લવાજમ ભરો... વાર્ષિક લવાજમ પેટે રૂ. ૩૫૦નો, DB Corp. Ltd. (Magazine Division)ના નામનો ચેક મોકલવા નીચે આપેલા ફોન નંબરનો સંપર્ક કરો:અમદાવાદ: જય કુમાવત (૯૬૦૧૬૦૨૬૮૯) અશ્વિન સુતરિયા (૯૮૯૮૪૫૦૩૨૧) મુંબઇ : રાજારામ (૯૯૨૦૨૨૨૧૩૧)અથવા નીચે આપેલા સરનામાં પર પત્રવ્યવહાર કરો:મુંખ્ય કાર્યાલય:મુંબઇ: જી-૩-એ, કામનવાલા ચેંબર્સ, ન્યૂ ઉદ્યોગ મંદિર-૨, મુગલ લેન, માહિમ(પ.) મુંબઇ-૧૬, ફોન: ૦૨૨-૩૯૮૮૮૮૪૦, ફેક્સ: ૨૪૪૪૫૪૬૯.ગુજરાત કાર્યાલય: અમદાવાદ: ૪૨-૪૩, સાકાર-૭, નેહરૂ બ્રીજ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-૬, ફોન: ૦૭૯-૨૬૫૭૯૬૭૭, ૦૭૯-૪૦૦૬૯૧૬૭.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: