ઇરોટિકા-પોર્નોગ્રાફી વચ્ચેનો સમજવા જેવો ભેદ
પ્રેમ વિશેનું મૂળભૂત સત્ય સમજવા સેક્સની પવિત્રતા સ્વીકારવી જોઈએ
તારીખ સહિત કહી શકું કે તે દિવસે ‘ભગવાન’ રજનીશે મુંબઈ શહેરના ભારતીય વિધાલયમાં પ્રથમ વાર સાડીવાળી ગુજરાતણો અને ધોતિયાવાળા ગુજરાતીઓ સમક્ષ ઉઘાડેછોગ સેક્સની વાતો પ્રથમ વાર કરી. ૨૮-૮-૧૯૬૮ના રોજ ૧૦૦૦ શ્રોતાને રજનીશે કહ્યું કે ‘પ્રાયમલ એનર્જી ઓફ સેક્સ હેઝ ધ રિફલેક્શન ઓફ ગોડ ઈન ઈટ.’ જો તમારે પ્રેમ વિશેનું મૂળભૂત સત્ય સમજવું હોય તો તમારે સેકસની પવિત્રતાને સ્વીકારવી જોઈએ...! જાણે મોટો ‘સેક્સ બોમ્બ’ પડયો હોય તેમ મુંબઈમાં જૈન શ્રોતાઓ ભડકી ગયેલા, ગાંધીજીના ભકતો ભડકી ગયા. ગાંધીજીના બ્રહ્મચર્યના વિચારોનું રજનીશે જબ્બર ખંડન કર્યું.
ડો.વસંત જોષી જે અત્યારે દલાઈ લામા રહે છે તે હિમાચલના ધર્મશાલા ગામે ઓશો આશ્રમમાં રહે છે. તેણે રજનીશના જીવન વિશે અત્યંત સુંદર પુસ્તક ‘ધ લ્યુમિનસ રેબેલ-ધ લાઇફ સ્ટોરી ઓફ એ મિસ્ટિક’ (ઓશો રજનીશ)માં રજનીશના જીવનની સુંદર વાતો લખી છે. રજનીશ તેમાં કહે છે કે ‘જેમ તમે સેકસને ખુલ્લા મન અને હૃદયથી સ્વીકારતા થશો તેટલા જ તમે તેમાંથી મુકત થશો... જે જે ધર્મ, જીવનને અર્થહીન હીન કહે છે તે સાચો ધર્મ નથી. ધર્મ તો એક કળા છે અને જીવનને કેમ આનંદવું તેની રીત બતાવે છે. મુકિત એટલે જીવનમાંથી પલાયન થવું નહીં પણ જીવનને પૂર્ણ રીતે માણવું એ જ લિબરેશન છે.’
રજનીશે તો આવું કહીને ઉપાધિ વ્હોરી. પરદેશમાં ખ્રિસ્તી પાદરીઓ તેમને ‘સેકસગુરુ’ કહેવા લાગ્યા. એ સમયની ગુજરાત સરકારે રજનીશને ૬૦૦ એકર જમીન આશ્રમ માટે દાન આપી તે પાછી ખેંચી. જૈનો ભાગવા માંડેલા પણ રજનીશે સેકસના વિષયનો છોછ છોડયો નહીં. એ પછી જયારે ગુજરાતી ડોક્ટરો સ્પેશિયલ સબ્જેકટ તરીકે સેકસોલોજીનો વિષય લઈને ગ્રેજયુએટ કે માસ્ટર થયા ત્યારે સેકસ શબ્દની શરમ છૂટી. જૈન કુટુંબમાં જ જન્મેલા પાલનપુરી ડો.પ્રકાશ કોઠારીએ સેકસોલોજીમાં ડબલ ગ્રેજયુએટ નિષ્ણાત થઈ લગભગ ૪૦ વર્ષ પહેલાં સેકસોલોજિસ્ટ તરીકે પ્રેકિટસ શરૂ કરી અને સેકસનો આભડછેટ ઝડપથી છૂટવા લાગ્યો. આજે સેંકડો સેકસોલોજિસ્ટો છે. પણ ૪૦ વર્ષ પહેલાં સેકસોલોજિસ્ટ થવું એટલું સહેલું નહોતું.
તાજેતરમાં તેમણે ૨૦૪ પાનાંનો અતિ મૂલ્યવાન સચિત્ર ગ્રંથ ‘ઇરોટિકા-ધ આર્ટ ઓફ લવિંગ’ પ્રગટ કર્યોછે. તેની કિંમત અધધધ રૂ.૩૪૦૦ છે. ૧૯૬૯માં પ્રકાશભાઈ પાસે દવાખાનું ખોલવાના રૂ.૩૪૦ શું રૂ.૧૫૦ પણ નહોતા. એટલે એક દવાખાનામાં રૂ.૧૫૦ની લગભગ કંપાઉન્ડર જેવી નોકરી સ્વીકારવી પડેલી. ટાયર કંપનીમાં મેડિકલ ઓફિસર બન્યા. પણ પછી મિત્રની મદદથી અમેરિકા જઈને સેક્સોલોજીમાં પ્રવીણ થયા ત્યારે ઉદ્ધાર થયો. સેકસ ઉદ્ધારક નીવડયું!
કેઈએમ હોસ્પિટલમાં તેઓ સેકસ કન્સલ્ટંટ બન્યા ત્યારે ઝૂંપડપટ્ટીમાં કે ગરીબ ઘરમાં રહેતાં સ્ત્રી-પુરુષો પણ સ્વપ્નદોષ, શીઘ્ર વીર્યપતન, હસ્તમૈથુન અને નપુંસકતા કે ફ્રિજિડિટી (સેક્સમાંથી રસ ઊડવો) વગેરે સમસ્યા લઈ આવતાં. હસ્તમૈથુનના દર્દીની સમસ્યા તેઓ પંદર જ મિનિટમાં ઉકેલતા. એ પછી તમારે રજનીશને સેક્સગુરુ કહેવા હોય કે કંઈ પણ તેણે તો સેકસની વાતને એકદમ સ્વીકાર્ય બનાવી દીધી.
સમાજમાં પણ દીકરી મોટી થાય પછી માતા વારંવાર ટોકે કે ‘સાડીનો છેડો સરખો કર.’ એ વાત ભૂતકાળની બની ગઈ. અમિતાભ જેવો સસરો ત્રણ ચતુર્થાંશથી વધુ નગ્ન અંગવાળી ઐશ્વર્યાને પુત્રવધૂ રીતે સ્વીકારતો થયો. તેની સાથે નાચતો થયો. સાડી જ નહીં રહી ત્યાં છેડો કયાં સરખો કરવાનો? આજે પુરુષો કામક્રીડામાં વધુ આનંદ ભોગવી શકતા નથી. એ શીઘ્રપતનની સમસ્યા ઉપર સંશોધન કરી ડો.પ્રકાશે પીએચ. ડી. મેળવી છે.
હવે તો સેકસના વિષયના પુસ્તકો ધડાધડ પ્રગટ થાય છે. ડો.આલ્ફ્રેડ કિન્સે, ડો. ડીએચ લોરેન્સ, ડો. આલ્ફેડ કિન્સી અને છેલ્લે ‘ધ જોય ઓફ સેક્સ’ પુસ્તકે તો રેકોર્ડ તોડી નાખ્યા. ડો.એલક્સ કમ્ફર્ટના સેક્સના પુસ્તકે તો ન્યૂ યોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલર લિસ્ટમાં છ છ વર્ષ સુધી પ્રથમ નંબર લીધો. તેમાં છેલ્લી નવી ‘જોય ઓફ સેક્સ’ની આવૃત્તિમાં એઇડ્ઝ, વાયગ્રા, ઇન્ટરનેટ પોર્નોગ્રાફી વગેરે તમામ વિષયો છે. તે નવા વિષયો બ્રિટનની મહિલા સેકસોલોજિસ્ટ મેડમ ડો. સુસાન કિવલિયમે ઉમેર્યા છે. આજે કોઈ કબૂલ કરતું નથી પણ દરેક બીજા કે ત્રીજા ગુજરાતી ઘરમાં કોઈ ને કોઈ પુત્રી,પુત્ર,વહુ, સાસુ કે સસરાના સેક્સના પ્રોબ્લેમ હોય છે.
રજનીશે મુક્ત સેક્સનો સમાજ હજી રચ્યો નહોતો ત્યાં નિંદાઈ ગયા, પણ ‘ધ જોય ઓફ સેક્સ’ના લેખક ૨૦૦૦માં મરતાં પહેલાં કેલિફોર્નિયામાં તેણે મુકત સેકસનો સમાજ રચેલો અને વખણાઈ ગયા. ત્યાં લગ્ન કર્યા વગર મુક્તપણે આજે સૌ સેકસ ભોગવે છે.યુરોપ-અમેરિકામાં તો વહેલાસર છોકરીઓ સેક્સની ટેક્નિક જાણી લે છે. સ્વમૈથુનથી સુખ ભોગવે છે. આપણી યુવતીઓ ૨૭ વર્ષ પહેલાં પણ બહુ નિર્દોષ નહોતી. મુંબઈના પરાની એક સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણતી વિધાર્થિનીના દફતરમાંથી ફૂટપાથ પરથી ખરીદેલું પોર્નોગ્રાફી-સેકસનું પુસ્તક મળેલું.
ડો.કોઠારીએ તેના પુસ્તકનું નામ ‘ઇરોટિકા આર્ટ ઓફ લવિંગ’ રાખ્યું છે. લોકોએ પોર્નોગ્રાફી (બીભત્સતા ઉશ્કેરતાં સાહિત્ય) અને ઇરોટિકા વચ્ચેનો ભેદ સમજવો જોઈએ. ઇરોટિકા શબ્દ ગ્રીક ભાષાના ઇરોઝ એટલે કે ઇચ્છા ઉપરથી આવ્યો છે. તેમાં કયુરીઓઝા શબ્દ ઉમેરાય એટલે ઇરછાસુખને દર્શાવતી કલા, સાહિત્ય અને ફોટોગ્રાફી કલાકતિને પેઇન્ટિંગ એવો અર્થ થાય છે.
ડિસેમ્બર-૨૦૦૭માં પેરિસના બીબીલીઓથેક નેશનલ મ્યુઝિયમમાં જગતનું સૌથી મોટું ઇરોટિકાની કલા અને પોર્નોગ્રાફી બન્નેનું પ્રદર્શન યોજાયેલું. ત્યારે ડીએચ લોરેન્સની નવલકથા ‘લેડી ચેર્ટલીઝ લવર’ ખૂબ વેચાયેલી. તેને કેનેડિયન કોર્ટે બીભત્સ ઠરાવેલી, પણ આજે ૨૧મી સદીમાં લેડી ચેર્ટલીઝ લવરના પુસ્તકને ઘણી અમેરિકન સ્કૂલોમાં સ્ટાન્ડર્ડ સ્કૂલ ટેકસ્ટબુક તરીકે ચલાવાય છે. ઇરોટિકાના પુસ્તકમાં ડો.કોઠારીએ નગ્ન ચિત્રો કે મૈથુન કરનારાં દ્દશ્યો દર્શાવતી કલાકતિઓ બતાવી છે પણ તે માત્ર માત્ર કલાની દ્દષ્ટિએ છે.
સિગ્મન્ડ ફ્રોઇડ જેણે સેક્સ વિશે ઊડું જ્ઞાન આપ્યું છે તે કહે છે કે સેકસનો વિશાળ અર્થ લેવાનો છે. અનેક પ્રકારે સેક્સસુખ મળે છે. પ્રિય પાત્રને જોવાથી-સ્પર્શવાથી ચુંબનથી એમ આંતરિક બાહ્ય સસ્પર્શથી સુખ મળે છે. ઇરોટિકા અને પોર્નોગ્રાફીનો ભેદ ફ્રાંસમાં ૨૦૦૭માં સ્પષ્ટ થયા પછી ૧૭૦ વર્ષ પછી બીબીલીઓથેક નેશનલમાં ૩૫૦ જેટલી કતિવાળા ઇરોટિકા-સાહિત્યનું પ્રદર્શન ૧ મહિના માટે યોજાયેલું. પુરુષ કરતાં-સ્ત્રી કરતાં એ પ્રદર્શન ટિનેજર છોકરીઓ વધુ જોવા આવી હતી! આ નગ્નકલાનું પ્રદર્શન જોવા માટે કોઈ વયની મર્યાદા નહોતી!












