હકીમુલ્લાનું મોત થયું છે : તાલિબાનનો સ્વીકાર
પાકિસ્તાની તાલિબાને મંગળવારે એવી ખાતરી કરી છે કે તેનો પ્રમુખ હકીમુલ્લા મહસૂદ અમેરિકન ડ્રોન હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ મોતને ભેટી ગયો છે. આ ખાતરી બાદ ઘણા દિવસોથી હકીમુલ્લાની મોત પરની શંકાકુશંકાની ચાદર હટી ગઈ છે.
ઓરકજઈ કબાયલી વિસ્તારના તાલિબાન સૂત્રોએ ટીવી સમાચાર ચેનલોને જણાવ્યું છે કે 28 વર્ષીય મહસૂદ 14 જાન્યુઆરીએ ઉત્તરી વજીરીસ્તાનના શક્તોઈ વિસ્તારમાં અમેરિકન ડ્રોનના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો.
સૂત્રોએ જણાવ્યું કે મહસૂદને સારવાર માટે કરાચી લઈ જવાયો હતો. પરંતુ તેણે પંજાબના મુલ્તાન શહેર નજીક પોતાના છેલ્લા શ્વાસ લીધા. ત્યારબાદ તેના મૃત દેહને પાછો કબાયલી વિસ્તારમાં લવાયો હતો. અને ત્યાં તેની દફનવિધિ કરવામાં આવી હતી.










