બુલશીટ, ઇટ્સ અ મર્ડર!
સંતાનોની કારકિર્દી અને ભવિષ્યની ચિંતા ખોટી નથી, પણ એ ચિંતાનો ભાર અને વાણી-વર્તન બાળકો સુધી પહોંચે છે. બાળક ચારેબાજુથી ધેરાયા પછી અંતિમ પગલું ભરે છે. સિસ્ટમ, સમાજ, પરિવાર, મા-બાપની અપેક્ષાના દબાણ હેઠળ થયેલી આ હત્યા જ છે. ગંભીર વાત એ છે કે આત્મહત્યા જેવા અંતિમ પગલાં સુધી પહોંચનારા કરતાં અનેકગણી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ પ્રકારના સ્ટ્રેસમાં જ ભણે છે અને જીવે છે.
વિદ્યાર્થીઓની આત્મહત્યા? બુલશીટ, ઇટ્સ અ મર્ડર!
સંતાન ઝંખતા કોઇ યુગલને તમે મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે બે હાથ જોડીને વિનવણી કરતાં જોયા છે? સામે રહેલી ભગવાનની મૂર્તિના સાક્ષાત્કાર કરતાં તેને બાળકની ઝંખના વધારે હોય છે. એ મૂર્તિમાં તેને ભગવાન નહિ બાળક દેખાતું હોય છે. ઉપરવાળો જો ખોળો ભરી દે તો સ્વર્ગ મળે. અને અચાનક....એ સુવર્ણકાળ પર શિક્ષણ-શિક્ષારૂપી લગામ આવે છે.
ભાંખોડિયા ભરતા બાળકના માથે ભાર નાખી દેવાના વિચારો મા-બાપના મનમાં આકાર લેવા માંડે છે. એડમિશન માટે રઘવાયા થઇને નર્સરી-સ્કૂલના પગથિયા ઘસી નાખે છે. બાળપણ મૂરઝાવા માંડે છે. રમતાં રમતાં ભણવાને બદલે બાળક રડતાં રડતાં ભણે છે. ભણવું એટલે શું? વન-ટુ-થ્રી અને એબીસીડી??
બે-ચાર રાઇમ્સ અને સ્લોગન્સ બાળક કડકડાટ બોલવા માંડે અને મા-બાપને છાતી ગજગજ ફૂલવા માંડે. એ બાળક સ્કૂલમાં ભણવા બેસે પછી મા-બાપને તેમનામાં ભગવાન નથી દેખાતો. બોર્ડમાં આવે એ બાળક તો મા-બાપને અને મા-બાપ બાળકને પોતાના જાણે દુશ્મન લાગે છે.
હે માતા-પિતાઓ અને વાલીશ્રીઓ, તમે જાગો. તમે તમારા સંતાનોનું કાસળ કાઢી રહ્યા છો. સ્પર્ધા અને કહેવાતી સિસ્ટમના ભારણ હેઠળ તમે તમારા સંતાનોને કચડી રહ્યા છો. જાણે-અજાણે મા-બાપ એક રેસમાં અટવાઇ જાય છે કે તેમાંથી નીકળવું મુશ્કેલ છે.
અમદાવાદ અને મુંબઇમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવો બન્યા. સવારે અખબાર ઉઠાવીને મા-બાપ અરેરાટી વ્યકત કરે છે. (સો વાર કબૂલ, કે માઘ્યમોએ પણ વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સામાં જવાબદારી પૂર્વક વર્તવું પડશે) પણ સમાચાર વાંચ્યાની સાંજે જ મોટાભાગના મા-બાપ પોતાના સંતાનના ટકા ઓછા ન આવે એની ફિકર કરવા માંડે છે.
સંતાનોની કારકિર્દી અને ભવિષ્યની ચિંતા ખોટી નથી, પણ એ ચિંતાનો ભાર અને વાણી-વર્તન બાળકો સુધી પહોંચે છે. બાળક ચારેબાજુથી ધેરાયા પછી અંતિમ પગલું ભરે છે. સિસ્ટમ, સમાજ, પરિવાર, મા-બાપની અપેક્ષાના દબાણ હેઠળ થયેલી આ હત્યા જ છે.
ગંભીર વાત એ છે કે આત્મહત્યા જેવા અંતિમ પગલાં સુધી પહોંચનારા કરતાં અનેકગણી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ પ્રકારના સ્ટ્રેસમાં જ ભણે છે અને જીવે છે. જાન્યુઆરી મહિનો ગયો એટલે માર્ચની એકઝામ્સનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું. હવે તો તારે આટલા જ દિવસ બાકી રહ્યા છે હવે તું ગંભીર થા, હવે તો તું ટીવી જોવાનું બંધ કર, હવે તો તું રમવાનું-રખડવાનું બંધ કર..આવા સંવાદો ‘બોર્ડઘર’માં કોમન થઇ ગયા છે.
હવે મા-બાપને એ ચિંતા થાય છે કે મારું સંતાન ક્યાંક આત્મહત્યા કરી લેશે તો? પણ સવાલ એ છે કે તમે તમારા સંતાનને ઓછા માર્ક્સ કે ગ્રેડ આવશે તો સ્વીકારવા તૈયાર છો? જો તમારી તૈયારી હોય તો એ જ ક્ષણે વાત પૂરી થઇ જાય છે.
જીવન એટલે માત્ર માર્ક્સ નહિ. જીવન એટલે સફળતા અને માત્ર સફળતા નહિ. જો મા-બાપ ગાંઠ વાળી લે તો સંતાન ક્યારેય સ્ટ્રેસ નહિ અનુભવે. જરા સોચો. બોર્ડમાં કે પરીક્ષામાં નાપાસ થયા એટલે જીવન પૂરું થઇ ગયું? ના. તો પછી પ્રતિજ્ઞા કરો કે હું મારા સંતાનને આવા કોઇ પ્રકારના સ્ટ્રેસમાં નહિ નાખું.
આ ઝેરેલી જાળમાં ગૂંચવાયેલા મા-બાપ, શિક્ષકો અને શાળા અને સિસ્ટમ બદલવા ન જાણે કેટલા વિદ્યાર્થીઓનો હજી ભોગ લેવાશે? ‘૩ ઇડિયટ’ ફિલ્મમાં એક પ્રોજેકટ સબમીટ કરવા માટે એક વિદ્યાર્થીએ ૨૪ કલાકનો સમય વધુ માગ્યો, પણ પ્રિન્સિપલે સમય ન આપ્યો અને બીજે દિવસે સવારે એ વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં આપઘાત કરી લીધો.
પ્રિન્સિપલના કહેવા મુજબ એ વિદ્યાર્થી ‘સિસ્ટમને અનુકૂળ’ ન થઇ શકયો. ખરેખરા શિક્ષણ અને જ્ઞાનને મહત્વ આપવાને બદલે જડ સિસ્ટમ તેનો ભોગ લઇ લે છે. સવાલ ધરમૂળથી એ વિચારવાનો છે કે આ સિસ્ટમ એટલે વળી શું? શું એ ખરેખર આદર્શ છે? કે પછી વર્ષોથી ચાલી આવે છે એટલે આપણે પણ તેને ફોલો કરવાની?
આપણી સિસ્ટમ ખરેખર એસેમ્બ્લી લાઇન પ્રોડકશનની જેમ ડોક્ટર્સ, એન્જિનિયર્સ કે એક્સવાયઝેડ ડીગ્રીધારીઓ બહાર પાડે છે. બીબાંઢાળ પ્રોફેશનલ તૈયાર કરે છે આ સિસ્ટમ, કે જયાં ક્રિએટીવિટીને કોઇ સ્થાન નથી. ‘પરંપરા’ને તોડનારાને પોંખવાને બદલે ફેંકી દેવાય છે.
‘૩ ઇડિયટ’માં આપઘાત કરનાર વિદ્યાર્થીએ દીવાલ પર લખ્યું હતું ‘આઇ ક્વિટ’. સંકલ્પ કરો કે જિંદગીની રેસમાં તમે સંતાનને ક્વિટ કરવા મજબૂર નહિ કરો. તો અહીંથી તમારું કામ શરૂ થાય છે. એન્ડ યસ, આઇ ક્વિટ..!! 










