અમે અત્યંત ખરાબ રમ્યા: ધોની
પ્રથમ ટેસ્ટમાં શરમજનક પરાજય મળ્યા બાદ ટીમ ઈન્ડિયાના નમ્ર સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ સ્વીકાર્યુ હતું કે તેની ટીમ પાસે ડેલ સ્ટેઈનની વેધક બોલિંગનો કોઈ જવાબ નહોતો અને હવે તેનું લક્ષ્ય બીજી ટેસ્ટ મેચમાં વળતો પ્રહાર કરીને શ્રેણી સરભર કરવાનું છે.
અમે રમતના તમામ પાસાઓમાં ઘણું જ ખરાબ રમ્યા હતા. પ્રથમ બે દિવસ સુધી બેટિંગ માટે વિકેટ ઘણી જ સારી હતી અને જેક કાલિસ અને હાશિમ અમલાએ શાનદાર બેટિંગ કરીને દક્ષિણ આફ્રિકા માટે જંગી સ્કોર ખડક્યો હતો. બાદમાં ડેઈલ સ્ટેઈને ઘાતક બોલિંગ નાંખીને બાકીનું કામ પૂરુ કર્યુ હતું, તેમ ધોનીએ જણાવ્યું હતું.
સ્ટેઈનની બોલિંગના વખાણ કરતા ધોનીએ જણાવ્યું હતું કે છેલ્લા જ્યાં સુધી સ્વિંગ બોલિંગનો સવાલ છે ત્યાં સુધી સ્ટેઈનની બોલિંગ બે વર્ષમાં મેં નિહાળેલી સર્વ શ્રેષ્ઠ બોલિંગ હતી, તેમ ધોનીએ ઉમેર્યુ હતું.
તેણે જણાવ્યું હતું કે ત્રીજા દિવસે ટી ટાઈમ પછી બોલ બદલવું તે મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો. ચાના વિરામ બાદ બોલ બદલવામાં આવ્યો હતો અને અમે ઝડપી વિકેટ ગુમાવી દીધી હતી. તેણે બધું જ બદલી નાખ્યું હતું. એક વાર અમે વિરેન્દ્ર સેહવાગને ગુમાવી દીધા બાદ પૂંછડીયા બેટ્સમેનો માટે ઘણું મુશ્કેલ હતું, તેમ ધોનીએ જણાવ્યું હતું.
પ્રથમ ટેસ્ટમાં ભારતનો 6 રન અને એક દાવથી પરાજય થતા બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારત 0-1થી પાછળ છે. હવે બીજી ટેસ્ટ 14મી ફેબ્રુઆરીના રોજ કોલકતા ખાતે રમાશે.










