રિંગણ તો ઠીક, કોબીજ અને ભીંડાનું શું ?
ભારત સરકારના પર્યાવરપ્રધાન જયરામ રમેશે લાંબી કવાયતના અંતે જાહેર કર્યું છેકે, ભારતમાં બીટી રિંગણને હાલ તૂરંત મંજૂરી આપવામાં નહીં આવે અને આ માટે પૂરતા પરિક્ષણો હાથ ધરવામાં આવશે.
આ સાથે જયરામ રમેશે સ્પષ્ટતા કરી હતીકે, સરકારે બીટી રિંગણના વ્યવસાયિક વાવેતરને મંજૂરી નથી આપી. પરંતુ આ પ્રતિબંધ જનીની રૂપાંતરિત ભીંડા કે કોબીજને લાગૂ નહીં પડે. આનો મતલબ સાફ છેકે, હવે જ્યાં સુધી બીટી રિંગણના પરીક્ષણ ચાલે કે તેના અંગે વિશેષજ્ઞોની સમિતિ તેનો ચૂકાદો આપે તે પહેલા આપણે બીટી ભીંડી અને રિંગણનો વિરોધ કરવો પડશે. બહુરાષ્ટ્રીય કંપનીઓને ભારતની ખેતીમાં વિશેષ રસ છે. તેમને પેટન્ટ જેવી જોગવાઇઓના કારણે ઇજારા જેવું બજાર મળે છે. જો, એકવખત તેને મંજૂરી મળી જાય તો કંપનીઓનો પગપેસારો થઇ જાય. આથી જ્યાં સુધી રિંગણ પર કામ ચાલશે તે દરમિયાન ભીંડા અને કોબીજ માટે તજવીજ હાથ ધરાશે.
તા. 10મીના બીટી રિંગણ પર નિર્ણય લેવાનો હતો. તે પહેલા જ તેને બનાવનારી કંપનીની પ્રતિનિધિ દિલ્હી પહોંચી ગઇ હતી. પરંતુ વ્યાપક લોક વિરોધને જોતાં બીટી રિંગણના વાવેતરની વ્યવસાયિક મંજૂરી આપવામાં આવી ન હતી. જેના કારણે તેનો ફેરો ફોગટ રહ્યો હતો. પરંતુ હવે તેમને ભારતમાં મોટું બજાર દેખાય છે.
ઉલ્લેખનીય છેકે, ભારતમાં બીટી કોટનને મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ બીટી રિંગણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણકે, તે જનીની રૂપાંતરિત ખાદ્ય પદાર્થ છે અને તેનાથી શરીરને કશું નુકશાન થશે કે કેમ તે અંગે વૈજ્ઞાનિકોમાં મતભેદ પ્રવર્તે છે આથી જ તેને મંજૂરી આપવામાં નથી આવી.












