કેટલી સચ્ચાઈ?કેટલી લુચ્ચાઈ?
રાખી કા સ્વયંવર શોના હોસ્ટ રામ કપૂરે સમાપન ટિપ્પણીમાં દર્શકોને વચન આપ્યું કે રાખી અને ઇલેશ પરુજનવાલા લગ્ન કરશે ત્યારે અમારી ચેનલ એનું સૌથી પહેલું પ્રસારણ કરશે. આ શો દર્શકોના ગાલ પર એક જોરદાર તમાચો હતો. શોના અંતે ઘણા પ્રતિસ્પર્ધીઓએ સ્વીકાર પણ કર્યો કે પોતે રાખી સાથે ખરેખર લગ્ન કરવા નહીં, પરંતુ પ્રસિદ્ધિ મેળવવા આવ્યા હતા. સાચું પૂછો તો આ રિયાલિટી શોમાં કદાચ કોઇ વાસ્તવિકતા હતી જ નહીં અને બધું જ પહેલેથી નક્કી હતું, પરંતુ એનડીટીવી ઇમેજિનનું ટીઆરપી રેટિંગ ઠીક ઠીક વધી ગયું હતું.
ગાયક અને અભિનેતા હિમેશ રેશમિયા મ્યુઝિકલ રિયાલિટી શો ‘મ્યુઝિક કા મહામુકાબલા’માં દેખાયા એ માટે એમને આઠ કરોડ રૂપિયા મળ્યા છે. હિમેશે આટલી મોટી રકમ એમ જ નથી લીધી. આ શોમાં હિમેશ નથી જજ કે નથી એના હોસ્ટ. હકીકતમાં આ રિયાલિટી શોમાં સ્થાપિત કલાકારો વચ્ચે પ્રતિભાઓનાં નેતૃત્વ અંગે એક જંગ થઇ રહ્યો છે, જેમાં હિમેશની સાથે ગાયક શાન, શ્રેયા ઘોષાલ, શંકર મહાદેવન, મોહિત ચૌહાણ અને મિકા જેવાં જાણીતાં નામો મેદાનમાં ઊતર્યા છે.
હિમેશે ચેનલને સ્પષ્ટ જણાવી દીધું હતું કે આથી ઓછી રકમમાં પોતે સંમત નહીં થાય. ચેનલે સંમતિ દર્શાવી, કેમકે ચેનલ પણ જાણે છે કે આ શો સાથે હિમેશના જોડાવાથી જ કેટલાંય અઠવાડિયાં સુધી શોની ટીઆરપી આપમેળે જ ઉપર પહોંચી જશે.
શક્ય છે કે હવે પછી એવા સમાચાર આવે કે હિમેશ આ શો જીતવા પોતાની ટીમને દિવસના ૨૪ કલાક રિયાઝ કરાવે છે. શક્ય છે કે એ ટીમનો રિયાઝ એમને વિજેતા બનાવે, પણ હકીકત એ પણ હોઇ શકે છે કે તેઓ સ્ટાર ચેનલ પાસેથી આટલી તગડી રકમ એટલા માટે માગી રહ્યા છે કે એમનું હારી જવાનું પહેલેથી જ નક્કી થઇ ગયું હોય, જેના બદલામાં એમણે આ તોતિંગ રકમ માગી હોય. રિયાલિટીનો દાવો કરતા રિયાલિટી શોની રિયાલિટી કંઇપણ હોઇ શકે છે.
યાદ કરો એનડીટીવી ઇમેજિન પરનો રાખીનો સ્વયંવર. એ શોની જાહેરાત થઇ ત્યારે રાખીના વર બનવાની ઇચ્છા જાહેર કરતી અરજી ૧૫,૦૦૦ જણે કરેલી. એમાંથી ૧૬ને પસંદ કરવામાં આવ્યા, જેથી રાખી માટે મિસ્ટર પરફેક્ટને શોધી શકાય. શો શરૂ થવા પહેલાં રાખીએ પણ દાવા કર્યા કે એને મોટું દિલ અને મોટાં ખિસ્સાવાળો પતિ જોઇએ.
જોકે એણે પણ સ્વીકારેલું કે ‘અરજદાર’ કેટલું કમાય છે એ એક માત્ર માપદંડ નહીં હોય. રાખીએ ત્યાં સુધી કહ્યું કે ટેલિવિઝને મને જિંદગીમાં દરેક ચીજ આપી છે — નામ, પૈસા અને પ્રતિષ્ઠા, તો પછી મને અહીંથી જીવનસાથી પણ મળી શકે છે. એકંદરે આ રિયાલિટી શો એક પ્રભાવશાળી ફોર્મેટ અને આશાજનક સંભાવનાઓ સાથે શરૂ થયો.
રાખીએ ૧૫ પુરુષોમાંથી એકને પોતાનો વરરાજા પસંદ કરવાનો હતો. જેમ જેમ સિરિયલ આગળ વધી તેમ તેમ ડ્રામા પણ આગળ વધવા લાગ્યો. સ્વયંવરમાં સામેલ થનારા દરેક ‘વર’નું કુટુંબ પણ શોમાં આમંત્રિત હતું અને રાખી એમની સાથે ભાવિ સાસરિયાં જેવો વ્યવહાર કરતી હતી. ઢગલાબંધ ભેટ-સોગાદોનું આદાન-પ્રદાન થતું હતું. સફળ લગ્નજીવન માટે સલાહો અપાતી-લેવાતી હતી. ઘરેણાં, વસ્ત્રો, મેકઅપ જેવા કેટલાય મુદ્દે લંબાણપૂર્વક ચર્ચાઓ થતી હતી.
શોમાં રાખીએ ફરાહ અલી ખાને ડિઝાઇન કરેલો ૩૦ લાખ રૂપિયાનો હાર પહેરેલો અને સેલિબ્રિટી ડિઝાઇનર નીતા લુલ્લાએ રાખી માટે લહેંગા-ચોલી ડિઝાઇન કરેલાં. એ સિવાય સંગીત અને મહેંદીના રિવાજ માટે પણ ડિઝાઇનર વસ્ત્રો-દાગીનાની ભરમાર હતી. લગ્ન સાથે જોડાયેલી દરેકેદરેક ચીજનું પ્રદર્શન એ રીતે કરાતું હતું, જાણે કે એ એક ખરેખરાં લગ્ન હોય.
પરંતુ આટલી જબ્બર તૈયારી છતાં શોનો અંત નિરાશા સાથે આવ્યો. લગ્નને બદલે માત્ર સગાઇ થઇ. રાખીએ જેને વરરાજા તરીકે પસંદ કરેલો એણે જાહેરાત કરી કે સાચકલા લગ્ન માટે એને થોડો સમય જોઇએ છે, કેમકે એણે રાખીને માત્ર મેકઅપમાં જ જોઇ છે, ‘કુદરતી’ દેખાવમાં નહીં. બીજી તરફ રાખીએ પણ કહ્યું કે ઇલેશ(વરરાજા) પહેલા પોતાના પગ પર ઊભો થઇ જાય એવું પોતે ઇચ્છે છે, ઉપરાંત બન્નેને એકમેકને પૂરાં ઓળખવા-સમજવા થોડા વધુ સમયની જરૂર છે એમ પણ કહેવાયું.
શોના હોસ્ટ રામ કપૂરે સમાપન ટિપ્પણીમાં દર્શકોને વચન આપ્યું કે રાખી અને ઇલેશ પરુજનવાલા લગ્ન કરશે ત્યારે અમારી ચેનલ એનું સૌથી પહેલું પ્રસારણ કરશે. આ શો દર્શકોના ગાલ પર એક જોરદાર તમાચો હતો. શોના અંતે ઘણા પ્રતિસ્પર્ધીઓએ સ્વીકાર પણ કર્યો કે પોતે રાખી સાથે ખરેખર લગ્ન કરવા નહીં, પરંતુ પ્રસિદ્ધિ મેળવવા આવ્યા હતા.
સાચું પૂછો તો આ રિયાલિટી શોમાં કદાચ કોઇ વાસ્તવિકતા હતી જ નહીં અને બધું જ પહેલેથી નક્કી હતું, પરંતુ એનડીટીવી ઇમેજિનનું ટીઆરપી રેટિંગ ઠીક ઠીક વધી ગયું હતું. આમ છતાં, એનડીટીવી ઇમેજિન પર રાહુલ મહાજનને લઇને આ રિયાલિટી શોની બીજી સિઝન ‘રાહુલ દુલ્હનિયાં લે જાયેંગે’ની તૈયારી જોરશોરથી શરૂ થઇ ગઇ.
‘દુલ્હન’ માટે મોટી માત્રામાં કન્યાઓએ અરજી કરી. એક મહિનાથીય ઓછા સમયમાં બ્રોડકાસ્ટરની ફોનલાઇન જામ થઇ ગઇ અને ઇ-મેઇલ બોક્સ છલકાઇ-ભરાઇ ગયું. એટલું જ નહીં, એનડીટીવીએ અખબારજોગું નિવેદન કરવું પડ્યું કે હવે વધુ અરજી ન કરશો! બહુ જ ઓછા સમયમાં એનડીટીવી ઇમેજિનને ૧૬,૭૫૫ જેટલી કન્યાઓની અરજી મળી.
આ સંભવિત દુલ્હનોમાં ડોક્ટર, એન્જિનિયર, શિક્ષિકા, વિદ્યાર્થિની, કળાકાર-બધાં જ છે. બીજી તરફ રાહુલ એવો દાવો કરતા દેખાય છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં એના જીવનમાં ઘણું બધું બની ગયું છે; હવે આ શોના સહારે તે જીવનનો નવો અઘ્યાય શરૂ કરવાનો અવસર શોધી રહ્યો છે. રાહુલ તો ત્યાં સુધી કહે છે કે હું ખરેખર જ મારે માટે જીવનસંગિની શોધી રહ્યો છું, જેની સાથે હું પૂરી જિંદગી વિતાવી શકું.
આ પ્રકારના શો બનાવવાવાળા, એમાં ભાગ લેનારા અને એને હોંશેહોંશે જોનારા — આ ત્રણે સાથે મળીને ‘રિયાલિટી, રિયાલિટી’ રમી રહ્યા છે. હકીકત એ છે કે એ ‘રચવામાં આવેલું’ સત્ય છે, જેની બજાર રોજેરોજ વધી રહી છે. એમાં ટેલિવિઝન અને ફિલ્મી સિતારા, ખેલાડી, સેલિબ્રિટી તથા નેતાઓ માંડીને આમઆદમી સુધીના બધા સામેલ થઇ ચૂક્યા છે.
સત્ય પ્રત્યે માણસની જિજ્ઞાસા સદીઓથી છે. આપણે હંમેશાં સાચું શું છે એ જાણી લેવા ઝંખતા રહીએ છીએ — પછી એ કુટુંબ અંગે, મિત્રો અંગે કે કોઇ ત્રાહિત વ્યક્તિનું સત્ય કેમ ન હોય. આ સત્ય કોઇ સેલિબ્રિટીના જીવન અંગેનું હોય તો મામલો ઓર ઇન્ટરેસ્ટિંગ બની જાય છે. સચ્ચાઇ માટેની જિજ્ઞાસા જિંદગીને રોમાંચક બનાવે છે અને કેટલાય પ્રકારે લાભ આપે છે એ વાત સાથે હવે વિજ્ઞાન પણ સહમત છે.
અપ્લાઇડ સોશિયલ સાઇકોલોજીના અમેરિકન અઘ્યાપક મેક એન્ડ્રુના જણાવ્યા પ્રમાણે સેલિબ્રિટી ગોસિપ અથવા મશહૂર હસ્તીઓ વિષે જાણવું કે બીજાઓ વિષે જાણવું આપણા વિકાસવાદી ભૂતકાળની આડપેદાશ હોઇ શકે છે. માણસ બીજાઓ માટે જિજ્ઞાસુ ન હોય તો એને એનાં માઠાં પરિણામો ભોગવવાં પડી શકે છે.
જોકે સામાન્ય માણસ આ થિયરીથી પરિચિત નથી અને એ આવા રિયાલિટી શોમાં અસલી ચહેરા, અસલી લાગણીઓની શોધમાં એકથી બીજી ચેનલ પર ભટકતો રહે છે. રિયાલિટી ટેલિવિઝન હવે એક એવો આનંદ છે, જે ફાસ્ટ ફૂડ, વિડિયો ગેમ અને ઇન્ટરનેટની બરાબરીમાં ઊભો છે. અહીં ગુણવત્તા અને સમજદારીની કિંમત નથી.
આ શોઝ માણસની તાણ દૂર કરીને રોમાંચની દુનિયામાં પ્રવેશ કરવા દે છે. શો કે ચહેરો કોઇપણ હોય, પરંતુ રોમાંચ પ્રાપ્તિની ઇચ્છા સૌથી વધુ ઉપર હોય છે. દર્શકો સ્પર્ધકોને પોતાના સંબંધોને નષ્ટ કરતાં, પોતાના નજીકના લોકોને નુકસાન પહોંચાડતા, પોતાના દોસ્તોને ઘાયલ-જખમી કરતાં જોવા ઇચ્છે છે. લોકો કઇ હદ સુધી જઇ શકે એ દર્શકોને જોવું હોય છે.
શા માટે દર્શક એક વ્યક્તિ કહેવાતા સત્યને ઊઘડવાની પ્રક્રિયામાં સામેલ થાય છે? છેવટે તમારાં રહસ્યોને જાહેર કરતાં, તમને ક્ષોભનો અનુભવ કરાવતા અને તમારા નિકટના લોકોને માનસિક આઘાત પહોંચાડી સંબંધોને જોખમમાં નાખતાં શોમાં કોઇ શા માટે ભાગ લેવા ઇચ્છે છે? ‘ધ મોમેન્ટ ઓફ ટ્રુથ’ના ભારતીય રૂપ ‘સચ કા સામના’ના કેટલાય એપિસોડ એની સાબિતી જેવા હતા.
રિયાલિટીનો બિઝનેસ પ્રોફિટેબલ શા માટે છે?
અમેરિકન શો ‘ધ મોમેન્ટ ઓફ ટ્રુથ’ના એક એપિસોડમાં એક આકર્ષક યુવાન હોટ સીટ પર હતો. એની એટલી જ સુંદર જાપાની પત્ની પણ સ્ટુડિયોમાં મોજૂદ હતી અને બન્ને વચ્ચે અતૂટ પ્રેમ છે એવું દેખાતું હતું. એન્કર દ્વારા પુછાતા જતા સવાલોના જવાબ એ યુવાન સહજતાથી આપતો જતો હતો અને પત્ની પણ સંમતિ વ્યક્ત કરતી જતી હતી.
થોડા સમય માટે તો બધું એકદમ સરસ-ઠીકઠાક લાગ્યું, પછી યુવાનને સવાલ પુછાયો કે એ પોતાનાં સાસરિયાઓની તેઓ ઝીણી આંખવાળા એશિયન છે તે વાતની મજાક ઉડાવે છે? આ એકદમ જ અણધાર્યો સવાલ હતો. એણે ડરતા-અચકાતા જવાબ આપ્યો: ‘હા’. પત્નીએ પણ વિવેકથી પુષ્ટિ કરી.
જોકે એ વાતનો અંદાજ માંડી શકાતો હતો કે ભલે તેઓ સાથે રહે પણ એમનું સહભોજન એટલું મધુર નહીં રહે. એ પછી ખરેખર જ ચોંકાવી દેતો સવાલ પુછાયો. પતિને પૂછવામાં આવ્યું કે શું તમને લાગે છે કે કેટલીય વાર તમારી પત્ની અત્યંત કંટાળાજનક બની જાય છે? એ યુવાનના મોંમાથી ઉત્તર નીકળ્યો, ‘હા’. લાઇ ડિટેક્ટરે જવાબ આપ્યો કે આ જવાબ સાચો છે.
પત્નીનો ચહેરા પરનો ભાવ ઠરી ગયો. જોકે, એક સેકંડ પછી એણે મોં પર ફિક્કું સ્મિત ઓઢી લીધું, જે બાકીના શો દરમિયાન એના મોં પર ચોંટી રહ્યું. પછીના સવાલોમાં એ યુવાન શોમાંથી બહાર ફેંકાઇ ગયો, પરંતુ હવે એ એને માટે મહત્વનું નહોતું, કેમકે એણે રાષ્ટ્રીય ટેલિવિઝન પર પોતાની પત્નીને બોરિંગ કહી દીધી હતી, જેનાં આવનારાં પરિણામો પેલા થોડા ડોલરના ઇનામની સરખામણીમાં ઘણાં ભારી પડવાનાં હતાં.
મહત્વનો સવાલ એ જ છે કે છેવટે લોકો આવા શોમાં ભાગ લે છે શા માટે? એના જવાબમાં કેટલાક લોકો સાચું બોલી હળવાફૂલ થઇ જવાનો દાવો કરે છે. વાસ્તવમાં રિયાલિટી શોઝને જે રીતે ફોર્મેટ કરવામાં આવ્યા છે એ પ્રત્યક્ષ કે કેમેરાદ્વારા કેમેરાઓ સ્પર્ધકને ૨૪ કલાક જોતા રહેનારા છૂપા કેમેરાની સામે અંગત જિંદગીની સચ્ચાઇના ખુલાસાનો દાવો ભલે કરે, પરંતુ પૈસા અને પ્રસિદ્ધિ એમાં ભાગ લેવાનું સૌથી વધુ મોટું આકર્ષણ છે એ વાત વિવાદ-ચર્ચાથી પર છે.
રાહુલ મહાજનની જ વાત કરીએ તો એમની વ્યક્તિગત છબી ખાસ કંઇ ચોખ્ખી નથી. ફોજદારી અપરાધથી માંડીને પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપવાના આરોપો એમની પર લાગી ચૂક્યા છે. એમના છૂટાછેડા પણ થઇ ગયા છે. રિયાલિટી શો ‘બિગ બોસ’માં પાયલ રોહતગી અને મોનિકા બેદી સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા પણ લોકોએ એને જોઇ લીધો છે.
આમછતાં, શિક્ષિત અને વ્યવસાયી એવી હજારો યુવતીઓએ એની સાથે લગ્નની ઇચ્છા વ્યક્ત કરતી અરજી કરી છે, તો એનું શું કારણ હોઇ શકે? અરજી કરનારીમાંથી એક યુવતી કબૂલ કરે છે કે આ ગ્લેમર અને શક્તિનું કોમ્બિનેશન છે. શોમાં હોવાનો અર્થ છે રાતોરાત સ્ટારડમ મેળવવું, જે તમને કોઇને કોઇ પ્રકારની તાકત મેળવવામાં મદદ કરે છે.
આજના સમયમાં લોકપ્રિયતા અને પાવરનો આ સમન્વય કોઇપણ વ્યવસાયમાં એટલી ઝડપથી નથી મળતો, જેટલી ઝડપથી રિયાલિટી શો તમને આપે છે. એનડીટીવી ઇમેજિનના સીઇઓ સમીર નાયર કહે છે, ‘આ પ્રકારના શો કેટલાય લોકો માટે પોતાનાં સપનાં પૂરાં કરવાનો રસ્તો બને છે એ સાચું. પછી ભલે એ સપનું પોતાને માટે જીવનસાથી મેળવવાનું રાહુલ મહાજનનું હોય કે રાતોરાત પ્રસિદ્ધિ મેળવી લેવાનું અરજદાર યુવતીનું.’
‘ધ પરસ્યૂટ ઓફ હેપિનેસ’ના લેખક, મિશિગનની હોપ કોલેજમાં મનોવિજ્ઞાનના પ્રાઘ્યાપક અને સામાજિક મનોવિજ્ઞાની ડેવિડ માયર્સ કહે છે, ‘દરેક સ્થિતિમાં એક તટસ્થ વાસ્તવિકતા મોજૂદ હોય છે, પરંતુ આપણે એને આપણી માન્યતાઓ, સ્વભાવ અને મૂલ્યો થકી જોઇએ છીએ. એટલે કે એક દર્શક રિયાલિટી શોમાં રોમાંચ શોધે છે તો સેલિબ્રિટી પૈસા અને પ્રસિદ્ધિ.’
સત્યની આ બજાર પોતાનાં મૂળિયાં બરાબર જમાવી ચૂકી છે અને કેટકેટલી રીતે સત્યને વેચવામાં આવી રહ્યું છે. કેમરામાં જિંદગીને ચોવીસે કલાક કેદ કર્યા પછી હવે આગલા જન્મના સત્યને શોધવામાં આવી રહ્યું છે. એનડીટીવી ઇમેજિન ‘રાઝ પિછલે જન્મ કા’ નામનો એક રિયાલિટી શો લાવ્યું. આ શોમાં સેલિબ્રિટી પોતાના પૂર્વજન્મ સાથે જોડાયેલી ચોંકાવી દેતી હકીકતો કહે છે.
નિર્માતાઓએ આ સત્ય જાણવા બહુ મોટું રોકાણ કર્યું છે. એમાં સંમોહન વિદ્યા થકી આગલા જન્મનાં રહસ્યો એમનાં મોંએ જ ઓકાવવામાં આવે છે. હકીકતે ડાન્સ અને મ્યુઝિક સાથે જોડાયેલા રિયાલિટી શો જૂનવાણી થઇ ચૂક્યા છે અને એના નકલી ખેલને દર્શકો પણ સમજી ગયા છે, એટલે હવે નવા પ્રયોગો થઇ રહ્યા છે.
સ્ટાર પ્લસ પર ‘મહાયાત્રા’ નામે શરૂ થનારા શોનો દાખલો લો. આ શોમાં ધર્મની સાથે કૌટુંબિક મૂલ્યોની હકીકતોની પરખ ચાલશે. શોમાં આધુનિક શ્રવણકુમારને શોધવામાં આવી રહ્યો છે. શોમા ભાગ લેનારા પુત્રોએ પોતાનાં મા-બાપને ચાર ધામની યાત્રા કરાવવાની છે.
નિર્માતાઓનું કહેવું છે કે અમે આ શો દ્વારા માતા-પિતાનું માન અને એમની ઇચ્છા પૂરી કરવાની જવાબદારી જેવાં ભારતીય મૂલ્યો ફરીથી યુવાનોમાં સ્થાપવા ઇચ્છીએ છીએ. વાત ભલેને સચ્ચાઇ, સાહસ અને આત્મવિશ્વાસની હોય કે પછી મૂલ્યો અને આદર્શોની, અહીં બધું જ વેચવામાં આવે છે.
દિગ્દર્શક શેખર કપૂરના શબ્દોમાં, ‘જો કોઇ સેલિબ્રિટી રિયાલિટી શોનો હિસ્સો હોય તો એને વેચવો સરળ બને છે અને લોકોને પણ એ વધુ પસંદ પડે છે.’ એનું કારણ આપતાં અભિનેત્રી કાશ્મીરા શાહ કહે છે, ‘સેલિબ્રિટી સાથે લોકો એટલા માટે જોડાય છે કે એને તેઓ પહેલેથી ઓળખે છે અને એમને એ ગમે પણ છે.’
સાન્ટા બાર્બરા યુનિવર્સિટીનાં પોસ્ટડોક્ટરલ ફેલો અને લેખિકા શેર્લોટ બેકરના જણાવ્યા પ્રમાણે સેલિબ્રિટીનું આકર્ષણ માણસની માનસિક સંરચનામાં હાર્ડવાયર્ડ હોય છે. આપણે પરિચિત ચહેરા જોઇએ છીએ ત્યારે મગજને ખુશી આપવાવાળું ઉદ્દીપન મળે છે. મિડિયા આ આકર્ષણને પ્રોત્સાહિત કરે છે અને આપણા સમાજમાં સેલિબ્રિટીની પ્રતિષ્ઠાને મજબૂત કરે છે.
પડદા સિવાય અસલી રૂપમાં સામે આવવાનો જ્યારે તેઓ દાવો કરે છે તો લોકો એને સચ્ચાઇ માનીને એવી જ પ્રતિક્રિયા આપે છે. હકીકતમાં દર્શકોને લાગે છે કે સિલ્વર સ્ક્રીનની બહાર સેલિબ્રિટી જ્યાં પણ દેખાય છે ત્યાં તેઓ પોતાના અસલી રૂપમાં હોય છે. સેલિબ્રિટી આ હકીકત સારી રીતે જાણતા હોય છે, એટલે એમણે આ સમયે પણ એક કૃત્રિમ ચહેરો પોતાના અસલી ચહેરા પર લગાડી રાખેલો હોય છે, જેથી એમને ભરપૂર પ્રેમ પણ મળે અને એમના ગ્લેમરમાં કોઇ કમી પણ ન આવે.
લોકોને પસંદ આવે એવી સચ્ચાઇને એ લોકો વાપરતા હોય છે. વાસ્તવમાં એ દેખાડો જ હોય છે, પણ એને તેઓ ખૂબીથી વાસ્તવિક લાગે એવા રૂપે રજૂ કરતા હોય છે. મોડલમાંથી અભિનેત્રી બનેલી અને ‘સેકસીએસ્ટ વુમન અલાઇવ’ ગણાયેલી મેગન ફોક્સનો દાવો છે કે એણે પોતાનો અસલી ચહેરો વિવાદોના અનેક પડથી ઢાંકી દીધો છે. ૨૩ વર્ષની મેગન કહે છે, ‘સેલિબ્રિટી હોવાનો અર્થ એ કે દર્શક તમારી પાસેથી વધુમાં વધુની ડિમાન્ડ કરશે, પછી ભલેને તમારે અંદરથી ગમે તેટલાં છોલાવું પડે. એટલે મેં એક જૂઠું ચરિત્ર-પાત્ર અપનાવી લીધું છે. માત્ર બીજાના સંતોષ ખાતર હું મારી વાસ્તવિક સચ્ચાઇને સહજતાથી નથી પીરસી શકતી.
આ જ કારણ છે કે મેં મારા જૂઠા ચહેરાના બળે જાતને છુપાવી લીધી છે કે જેથી કોઇ વાસ્તવિક મેગન સુધી ન પહોંચી શકે.’ શિલ્પી લુઇસ નેવલ્સન કહે છે, ‘આપણે જેને સચ્ચાઇ કહીએ છીએ, એ હકીકતમાં એક સમાધાન છે, જેનો લોકો જિંદગીને વધુ રોમાંચક બનાવવા માટે સ્વીકાર કરે છે.’ આ સમજી-વિચારીને ગણતરીપૂર્વક થતો સચ્ચાઇનો સોદો છે.
રચવામાં આવેલું સત્ય
સત્યને વધુમાં વધુ વેચવાની પ્રતિસ્પર્ધામાં રિયાલિટી શો સૌથી વધુ મોટા સેલ્સમેન બનીને સામે આવ્યા છે. પછી ભલે એ ડાન્સ શો હોય કે બિગ બ્રધરનું ઘર, જયાં વાંશિક ઝઘડા અને નિંદા વિજેતા ઘોષિત કરવાની પ્રક્રિયાનો હિસ્સો હોય છે. એકંદરે બધાની રેસિપી સમાન હોય છે. ફ્લર્ટ, દગો, આંસુ, પરસ્પર આરોપ, ષડ્યંત્ર - બધું જ અહીં હાજર હોય છે, બસ એની વાસ્તવિકતાની જેમ રજૂઆત થાય છે.
મેલોડ્રામેટિક જિંદગી એનું સૂત્ર છે, જેને કારણે દર્શક સ્ક્રીન સાથે ચોંટેલા રહે છે અને પૈસા આવતા રહે છે. રિયાલિટી શોમાં હિસ્સો લઇ ચૂકેલા બાબા સહેગલ કહે છે, ‘મોટાભાગના રિયાલિટી શોઝ ઇમોશનલ ડ્રામા પર પૈસા કમાતા હોય છે, જોકે નાટકીય હિસ્સો અવાસ્તવિક હોય છે. ચેનલ અલગ અલગ ભૂમિકાના નાટકીય ચહેરા શો માટે તૈયાર કરે છે, જે સત્યની જેમ રજૂ કરવામાં આવે છે અને દર્શકને સચ્ચાઇની એ દુનિયામાં લઇ જવાય છે, જેનું કોઇ અસ્તિત્વ જ નથી હોતું.’
રિયાલિટી શો સાથે સંકળળયેલા લોકોનું કહેવું છે કે અહીં ચતુર અભિનય નથી હોતાં, બલકે ચતુરાઇભર્યું સંપાદન હોય છે. સોની ટેલિવિઝનના એક પ્રવક્તાના જણાવ્યા અનુસાર અમે કળાકારોને બાંધી નથી રાખતા. દરેક સ્પર્ધક પોતાની પ્રતિક્રિયા માટે સ્વતંત્ર હોય છે અને અમે એમના બદલાતા મિજાજના અલગ અલગ રંગોને કેમેરામાં કેદ કરી લઇએ છીએ.
એટલે જો બધી ચીજ વાસ્તવિક હોય તો પણ ચેનલ પસંદ કરેલા અંશો જ પ્રસારિત કરે છે. મુખ્ય કામ એડિટિંગ ટેબલ પર થાય છે, જે દર્શકોની માનસિકતા અનુસાર સ્ક્રિપ્ટિંગનું કામ કરે છે. અભિનેત્રી અને એન્કર પૂજા બેદીનું કહેવું છે કે, ‘દર્શકોની રુચિ બરકરાર રાખવા માટે ચેનલવાળા હંમેશાં એ જ બતાવશે જે નાટકીય હોય.’
ક્ષણ અને સંવેદનો સાચાં હોઇ શકે છે અને એને ભાગ લેનારા સ્પર્ધકો જ પ્રદર્શિત કરે છે, પણ એને સામે લાવવાની તાકાત ચેનલ પાસે હોય છે. એડિટિંગ ટેબલ પર તેઓ વાસ્તવિકતામાંથી ડ્રામા રચી શકે છે.
મીઠો-જૂઠો રોમાંચ
૨૦મી સદીના મહાન અંગ્રેજ કવિ ટી.એસ. એલિયટના શબ્દોમાં, ‘માણસ બહુ વધારે સચ્ચાઇ કે વાસ્તવિકતાને નથી ખમી શકતો.’ આ વાત બધા માને છે. એટલે સત્યને સત્યની જેમ જાહેર કરવામાં આવે છે ત્યારે એ કડવું લાગે છે, પરંતુ એના પર લોભામણું અસત્ય સજાવી દેવાય છે ત્યારે એનો સહજતાથી સ્વીકાર થઇ જાય છે.
એટલું જ નહીં, એ આનંદ પણ આપે છે. રિયાલિટી શો બનાવવાવાળા આ વાત બહુ સારી રીતે સમજે છે. તેઓ પોતાની સગવડ અનુસાર સચ્ચાઇમાં ફેરફાર કરી લે છે, જેથી હકીકત પેશ કરવાનો દાવો સાચો કરાવવાની સાથે સાથે તેઓ પોતાનાં ખિસ્સાં પણ ભરી શકે. ઉદાહરણ તરીકે એબીસીના રિયાલિટી શો ‘ધ ડેટિંગ એક્સપેરિમેન્ટ’ના નિર્માતાઓ માટે તકલીફ ઊભી થઇ ગયેલી.
નિર્માતા એક પ્રતિસ્પધa યુવતી પાસે અમુકતમુક બાબતો કરાવવા માગતા હતા, પણ યુવતીનું દિલ એ કરવાની ના પાડતું હતું. એને પોતાના પ્રેમીઓમાંથી એક નહોતો ગમતો, પરંતુ નિર્માતાઓના મતે જો એ યુવતી પેલા નાપસંદ યુવાનને પણ પસંદ કરી લે તો પ્લોટ સરસ જામે. એટલે એમણે પેલી યુવતીની મુલાકાત લીધી. એને પૂછવામાં આવ્યું કે એની પસંદગીનો સેલિબ્રિટી કોણ છે?
યુવતીએ કહ્યું કે મને એડમ સેન્ડલર ખૂબ ગમે છે. પછીથી એડિટિંગ રૂમમાં એમણે સેન્ડલરનું નામ હટાવી પેલા નાપસંદ યુવાનનું નામ જોડી દીધું, જેના નામથી તેઓ કાર્યક્રમમાં રોમાંચ લાવવા ઇચ્છતા હતા. આ રિયાલિટી શૈલીનો પ્રેમ છે. નિર્માતાઓએ ભારે દબાણ હેઠળ એક એવી સાફસૂથરી વાર્તા તૈયાર કરવાની હોય છે, જે વાસ્તવિકતા કરતાંય વધુ વાસ્તવિક લાગે.
પોતાના પસંદગીના રિયાલિટી શોનું કાસ્ટિંગ, સંચાલન અને એડિટિંગ એને નાટકીય બનાવવા માટે કરવામાં આવે છે એવું જાણતા-સમજતા સમજદાર દર્શકોને પણ એ ખબર નથી હોતી કે આ બધું કેટલું નકલી હોઇ શકે છે! સ્ટેટમેન્ટ્સ અને ક્રિયા-પ્રતિક્રિયાઓ અગાઉથી નક્કી કરી લેવામાં આવે છે, શૂટિંગ શરૂ કરતાં પહેલા એપિસોડના મલ્ટીએક્ટ સ્ટોરી બોર્ડ તૈયાર કરાય છે, ફૂટેજ શોટ્સમાં સીન્સ એકસાથે જોડી દેવાય છે.
ત્યાં સુધી કે સ્પર્ધકોનાં વાણી-વર્તન-રજૂઆતને પ્રોફેશનલ મદદથી તૈયાર કરાય છે. કહેવાતી સચ્ચાઇમાં ચપટી નાટયાત્મકતા ભભરાવી દેવાય તો મોટા ભાગના લોકો એને સહજતાથી સ્વીકારી શકશે એમ કવિ-નાટ્યકાર એસ્ટ્રિડ એલ્યૂડા કહે છે. જે લોકો આ એક ચપટીની ફોર્મ્યુલાને સમજી જાય છે તેઓ સહજતાથી આ જૂઠી સચ્ચાઇને જીવી લે છે અને બાકી રહેલા લોકો આ આભાસી સત્યને સત્ય માનીને એના ખરીદદાર બની જાય છે.
આ ઇમ્પોર્ટેડ સચ્ચાઇ છે- સેલેબ-રિયાલિટી: સાધારણ લોકોની સાથે સેલિબ્રિટી રિયાલિટી શો. ઉદાહરણ: ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સ, ધ સિમ્પલ લાઇફ, બિગ બ્રધર.
-ગેમ શો: રમતો પર આધારિત રિયાલિટી શો ઉદાહરણ: હૂ વોન્ટ્સ ટુ બી મિલિયોનેર, હોલિવુડ બ્લોક્સ, વિકેસ્ટ લિંક.
-ટેલન્ટ હન્ટ: ગાયકો, સંગીતકારો, ડાન્સર્સ અને અભિનેતાઓ દ્વારા ઉદાહરણ: અમેરિકન આઇડલ, અમેરિકા’ઝ ગોટ ટેલન્ટ, સ્ટાર સર્ચ.
-જોબ હન્ટ: આ શો ટીવી પર પ્રસારિત થતી મુલાકાત જેવો છે. ઉદાહરણ: ધ એપ્રેન્ટિસ(દિગ્દર્શકો માટે), પ્રોજેક્ટ રન વે (ફેશન ડિઝાઇનરો માટે) ધ રન વે (ટોમી હિલફિગર)
-મેક ઓવર્સ: રિયાલિટી શો સાથે વાર્તા બનાવાય છે. વ્યક્તિગત પરિવર્તન કે ઘરનું સ્વરૂપાંતર કરવામાં આવે છે. આ શો દર્શકોમાં બેહદ લોકપ્રિય થયો. ઉદાહરણ: મોન્સ્ટર હાઉસ, વોટ-નોટ-ટુ-વેર, વ્હાઇલ યુ વેર આઉટ.
-ડેટિંગ શો: આ શો પુરુષો અને મહિલાઓને ડેટ પર જવા માટેનું એક પ્લેટફોર્મ છે. ઉદાહરણ: ફોર લવ ઓર ફોર મની, પરફેકટ મેચ.
-સામાજિક પ્રયોગ: રિયાલિટી ટેલિવિઝનની અપેક્ષા અનુસારની નવી શૈલી છે. એમાં પરસ્પર વિરોધી લક્ષણો ધરાવતા હોય એવા લોકોને એકઠા કરવામાં આવે છે. ઉદાહરણ: ધ બ્યૂટી એન્ડ ધ ગીક, વાઇફ સ્વેપ, માય બિગ ફેટ ઓબ્નોકિશયસ ફિયાન્સ.
-સાહસ/ભય આધારિત શો: ટીવી શોની એક શૈલી, જે અજબગજબની ટાસ્ક દ્વારા સ્પર્ધક સામે પડકારો ફેંકે છે. ઉદાહરણ: ફિયર ફેકટર, હૂ ડેર્સ વિન્સ.
-કેન્ડિડ કેમેરા: એલન ફંટનો પોતાની રીતનો રિયાલિટી શો, જેનું લક્ષ્ય કિલ્પત હાસ્ય સાથે લોકોનું મનોરંજન કરવાનું છે.
-ધ અમેરિકન આઇડલ: સિમોન કોવેલ, રેન્ડી જેક્સન અને પોલા અબ્દુલ - આ ત્રણ લોકપ્રિય નિણાર્યક સાથે મળીને અમેરિકાના સર્વશ્રેષ્ઠ ગાયકોને શોધે છે. અમેરિકામાં આ પહેલો અત્યંત લોકપ્રિય શો.
-ધ સિમ્પલ લાઇફ: આ રિયાલિટી શોથી પેરિસ હિલ્ટન અને નિકોલ રિચીને નિશ્વિતપણે અઢળક લોકપ્રિયતા મળી.
-ફિયર ફેક્ટર: સ્પર્ધકો પાસે ડરી જવાય એવા ટાસ્ક કરાવવા સાથે દર્શકોને ચકિત કરી દેવા. ફિયર ફેક્ટર શો જુગુપ્સાભર્યા કામો માટે જાણીતો છે. એમાં માકડ અને અળસિયાં ખાવાનો પણ સમાવેશ થતો હતો.
-બિગ બ્રધર : ભારતીય અભિનેત્રી શિલ્પા શેટ્ટી સામે જેડ ગુડીએ રંગભેદી ટિપ્પણ કરેલી. આ વિવાદે આ શોને પહેલા કરતાંય વધુ લોકપ્રિય બનાવ્યો.
અહા! જિંદગી મેગેજીન ખરીદવા માટે વાર્ષિક લવાજમ ભરો... વાર્ષિક લવાજમ પેટે રૂ. ૩૫૦નો, DB Corp. Ltd. (Magazine Division)ના નામનો ચેક મોકલવા નીચે આપેલા ફોન નંબરનો સંપર્ક કરો:અમદાવાદ: જય કુમાવત (૯૬૦૧૬૦૨૬૮૯) અશ્વિન સુતરિયા (૯૮૯૮૪૫૦૩૨૧) મુંબઇ : રાજારામ (૯૯૨૦૨૨૨૧૩૧)અથવા નીચે આપેલા સરનામાં પર પત્રવ્યવહાર કરો:મુંખ્ય કાર્યાલય:મુંબઇ: જી-૩-એ, કામનવાલા ચેંબર્સ, ન્યૂ ઉદ્યોગ મંદિર-૨, મુગલ લેન, માહિમ(પ.) મુંબઇ-૧૬, ફોન: ૦૨૨-૩૯૮૮૮૮૪૦, ફેક્સ: ૨૪૪૪૫૪૬૯.ગુજરાત કાર્યાલય: અમદાવાદ: ૪૨-૪૩, સાકાર-૭, નેહરૂ બ્રીજ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-૬, ફોન: ૦૭૯-૨૬૫૭૯૬૭૭, ૦૭૯-૪૦૦૬૯૧૬૭.












