નહીં બચે મ.પ્ર.ના બાબુઓ
મધ્યપ્રદેશની સરકાર એક ક્રાંતિકારી જોગવાઇ લઇને આવી છે. જે અંતર્ગત રાજ્યના બાબુઓએ માહિતી અધિકારના કાયદા હેઠળ તેમની સંપતિ જાહેર કરવી પડશે. આવકવેરા વિભાગે મધ્યપ્રદેશ કેડરના આઇએએસ અધિકારીઓની આવક અંગેની માહિતી આપવી શરૂ કરી દીધી છે.
કેન્દ્રીય માહિતી પંચ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા એક ચૂકાદા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એમ જણાવવામાં આવ્યું છેકે, સરકારી અધિકારીની આવકની સંપતિ અંગે માહિતી આપવી એ તેમની અંગત જીંદગીમાં દખલ નથી. આમ, મધ્યપ્રદેશ દેશનું પ્રથમ એવું રાજ્ય બની ગયું છેકે, જ્યાં આ પ્રકારની જોગવાઇઓ લાગૂ કરવામાં આવી હોય.
આરટીઆઇ કાર્યકર્તાએ મધ્યપ્રદેશના 350 આઇએએસ અધિકારીઓના છેલ્લા પાંચ વર્ષના આવકવેરાના રિટર્નની માહિતી માગી છે. ગુજરાતમાં માહિતી અધિકારક્ષેત્રે કાર્યરત સ્વયં સંસ્થાઓએ પણ ઉપરોક્ત ચૂકાદાના આધારે ગુજરાતના આઇએએસ અધિકારીઓની સંપતિનું વિવરણ મેળવવા માટે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.












