Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Wednesday, Feb 10th, 2010, 2:28 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarસરકાર અંતે ઝૂકી : બીટી રીંગણને મંજૂરી નહીં

Bhaskar Network, New Delhi

દેશભરમાંથી ખેડૂતો અને વિજ્ઞાનીઓના વિરોધને પગલે નિર્ણય, વિજ્ઞાનીઓની ટીમ વધુ અભ્યાસ કરશે : જયરામ રમેશ

બીટી રીંગણ મામલે ચારે તરફથી થઈ રહેલા ભારે વિરોધને પગલે સરકારે આખરે મંગળવારે તેની વ્યાવસાયિક ખેતીનો નિર્ણય પડતો મૂક્યો છે. પર્યાવરણ અને વન મંત્રી જયરામ રમેશે કહ્યું છે કે આ અંગે વિજ્ઞાનીઓની ટીમ વધુ અભ્યાસ કરશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવાશે.

બીટી રીંગણ અંગે સાવધાનીપૂર્વકનો અભિગમ દાખવતા પર્યાવરણ અને વન મંત્રી જયરામ રમેશે કહ્યું હતું કે બીટી રીંગણની વ્યાવસાયિક ખેતીની મંજૂરી આપવા માટે વિજ્ઞાનીઓ અને ખેડૂતોમાં ‘સ્પષ્ટ સર્વસંમતિ નથી’ જોવા મળી અને આ અંગે વધુ અભ્યાસ જરૂરી જણાય છે.

ઉતાવળે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં જયરામે કહ્યું હતું કે ‘તેને(બીટી રીંગણને) રજૂ કરવાની કોઈ એવી ઉતાવળ નથી...જ્યારે લોકોની લાગણી નકારાત્મક હોય ત્યારે સાવધાનીભર્યું, આગોતરા આયોજન સાથેનું અને સિદ્ધાંત આધારિત વલણ અપનાવવું એ મારી ફરજ છે.’ વાસ્તવમાં અંતિમ નિર્ણય આવતીકાલે ૧૦મીએ થવાનો હતો.

જિનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટીએ આ અંગે તૈયાર કરેલો રિપોર્ટ સરકારે ગુપ્ત જ રાખ્યો છે. સમિતિના અઘ્યક્ષએ કહ્યું છે કે બીટી રીંગણના બીજ વિકસિત કરીને વેચાણ કરતી અમેરિકન કંપની મોન્સેન્ટો અને તેની સહયોગી ભારતીય કંપની માયકો આ માહિતી ગુપ્ત રાખવા માગતી હતી. વિશ્વમાં માત્ર ૧૪ દેશોમાં જ જિનેટિકલી મોડિફાઈ(જીએમ) પાકની ખેતી થાય છે.

તેમણે કહ્યું કે ‘જ્યાં સુધી આ પ્રોડકટ માનવીના આરોગ્ય માટે લાંબા ગાળાની દ્રષ્ટિએ સલામત હોવાનું સ્વતંત્ર વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા પુરવાર નહીં થાય ત્યાં સુધી હું તેનો નિર્ણય થોપીશ નહીં.’ તેમણે કહ્યું કે બીટી રીંગણને મંજૂરી ન આપવાનો આ નિર્ણય મુશ્કેલ છે, પરંતુ તેમણે વિજ્ઞાન અને સમાજ અને ઉત્પાદકો અને ગ્રાહકો તમામ વચ્ચે સંતુલન સાધવું પડે તેમ હતું. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય માત્ર બીટી રીંગણ પૂરતો જ છે અને ભીંડો, કોબી કે ચોખા જેવા જિનેટિકલી મોડીફાઈડ પાકના કિસ્સામાં તે લાગુ નથી પડતો.

ઉલ્લેખનીય છે કે જયરામ રમેશે બીટી રીંગણ મુદ્દે સર્વસંમતિ સાધવા માટે સાત શહેરોમાં શ્રેણીબદ્ધ જાહેર બેઠકો અને ચર્ચા-વિચારણાનું આયોજન કર્યું હતું, જેમાં અનેક સ્થળે તેમને લોકોના અને ખાસ કરીને ખેડૂતોના રોષનો ભોગ બનવું પડયું હતું. હૈદરાબાદ જેવા કેટલાક સ્થળે તેમને ધક્કે પણ ચડાવાયા હતા. કોંગ્રેસના નેતૃત્વ હેઠળની આંધ્રપ્રદેશ સરકાર સહિત અનેક રાજય સરકારોએ પણ આ જિનેટિકલી મોડિફાઈડ રીંગણનો વિરોધ કર્યો છે. ભાજપ શાસિત તમામ રાજ્યોએ અગાઉથી જ તેમનો વિરોધ જાહેર કરી દીધો હતો.

ઉતાવળો કોઈ નિર્ણય ન લેશો : ભાજપ

ભાજપે બીટી રીંગણ જેવા સંવેદનશીલ મુદ્દે ઉતાવળે કોઈ નિર્ણય ન લેવાની અપીલ સરકારને કરી છે. ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે આ સંવેદનશીલ મુદ્દો છે, જેની લાંબા ગાળે ખેડૂતો, ગ્રાહકો, ખાધ સુરક્ષા અને લોકોના આરોગ્ય પર અસર પડી શકે છે. તે અંગેનો નિર્ણય કોઈ મિલ્ટનેશનલ કંપનીના દબાણ હેઠળ લેવાયો તેવી છાપ ન ઊભી થવી જોઈએ.

રાજનીતિ ન કરો : બિયારણ ઉદ્યોગ

બિયારણ ઉદ્યોગની સંસ્થા એનએસએઆઈના પ્રમુખ ઉદયસિંધે સરકારને બીટી રીંગણના મામલે વિજ્ઞાનના આધારે નિર્ણય લેવા અને તેમાં રાજનીતિ ન કરવાની અપીલ કરી છે.


  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: