પર્યાવરણની પરવાનગી મળ્યા બાદ જ પાવર પ્લાન્ટનું કામ શરૂ થશે
કચ્છ પાવર પ્લાન્ટના વિરોધમાં થયેલી રિટમાં ઓ.પી.જી પાવર પ્લાન્ટ દ્વારા હાઇકોર્ટ સમક્ષ અપાયેલી ખાતરી ખાતરીના પગલે જાહેરહિતની રિટ અરજીનો નિકાલ
કચ્છ જિલ્લાના મુંદ્રા ખાતે વિદેશી કંપનીના પાવર પ્લાન્ટ સામે થયેલી જાહેરહિતની રિટની સુનાવણી દરમ્યાન ઓ.પી.જી.પાવર પ્લાન્ટ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એવી ખાતરી અપાઇ હતી કે, પર્યાવરણ સંબંધી પરવાનગી નહી મળે ત્યાં સુધી પ્લાન્ટનું કામકાજ શરૂ કરાશે નહી. પાવર પ્લાન્ટ તરફથી અપાયેલી બાંહેધરીને પગલે ચીફ જસ્ટિસ એસ.જે.મુખોપાઘ્યાય અને જસ્ટિસ અનંત એસ.દવેની ખંડપીઠે જાહેરહિતની રિટઅરજીનો નિકાલ કર્યો હતો.
હાઇકોર્ટે અરજદારોની બીજી જાહેર સુનાવણીની વિનંતી અંગે કાયદાનુસાર નિર્ણય કરવા પણ રાજય સરકારને તાકીદ કરી હતી. કચ્છ જિલ્લા માછીમાર એસો.ના પ્રમુખ માણેક હાજી સુલેમાન અલી દ્વારા કરાયેલી જાહેરહિતની રિટમાં એડવોકેટ નિમિષ એમ.કાપડિયાએ રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે, કચ્છ જિલ્લાના ભદ્રેશ્વર ગામ તથા આસપાસના ગામોના હજારો રહીશોને વિદેશી કંપનીના પાવર પ્લાન્ટના કારણે ગંભીર અસર થવાની શક્યતા છે. કારણ કે, આ પ્રોજેકટથી લાખો ગેલન પાણીનો વ્યય થશે, દરિયાનું પાણી પ્રદૂષિત થશે, લોકોનું સ્વાસ્થ્ય બગડશે, અગરીયાઓ અનેમાછીમારોની રોજગારી અનેમીઠાની ગુણવત્તા બગડશે.
વળી, પ્રોજેકટવાળી જગ્યાનો અમુક હિસ્સો કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં પડે છે અને પર્યાવરણ કાયદાની જોગવાઇઓ મુજબ, વિદેશી કંપનીએ કેન્દ્ર સરકારમાંથી પર્યાવરણ કલીયરન્સ મેળવવુ પડે તેમ છતાં કંપની દ્વારા આવુ કલીયરન્સ મેળવાયા વિના જ ૩૧૬ એકર જમીનમાં કામકાજ શરૂ કરી દેવાયુ છે, જે બિલકુલ ગેરકાયદે અને કાયદાકીય જોગવાઇઓના ઉલ્લંઘન સમાન છે.
આ પ્રોજેક્ટ અંગે જાહેરહિતમાં જનવિકાસની ભગિની સંસ્થા પર્યાવરણ મિત્ર, કત્છ જિલ્લા માછીમાર એસો, બ્રેકીઝ વોટર રિસર્ચ સેન્ટર, સ્થાનિક વર્ધમાન કલ્યાણજી જૈન ટ્રસ્ટ સહિતની સંસ્થાઓએ ભારે વિરોધ નોંધાવી સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ તેમ છતાં કંપનીની કામગીરી ગેરકાયદે રીતે શરૂ થતા અરજદારને આ રિટ કરવાની ફરજ પડી છે. હાઇકોર્ટે સ્થાનિક ગ્રામજનો અને અસરગ્રસ્તોની પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને ન્યાયિક હિતમાં યોગ્ય હુકમ કરવો જોઇએ એવી પણ રિટમાં દાદ માંગવામાં આવી હતી.










