નાગપુરમાં કપાયું નંબર વનનું નાક
નાગપુર ખાતે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો 6 રન અને એક દાવથી શરમજનક પરાજય થયો છે.
પહેલા બોલિંગમાં અને બાદમાં બેટિંગમાં ટીમ ઈન્ડિયાનો ધબડકો થતા ભારતનો કારમો પરાજય થયો હતો. પ્રથમ દાવમાં 223 રનમાં ઓલઆઉટ થઈને ફોલોઓન થયેલી ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો બીજા દાવમાં પણ નિષ્ફળ રહ્યા હતા. બીજા દાવમાં ભારતીય ટીમ 319 રનમાં તંબૂ ભેગી થઈ ગઈ હતી.
બીજા દાવમાં માસ્ટર બ્લાસ્ટ સચિન તેંડુલકરે સદી ફટકારી હતી પરંતુ સચિનની સદી પણ ભારતને એક દાવના પરાજયથી બચાવવામાં નિષ્ફળ રહી હતી. સચિને ટેસ્ટ કારકિર્દીની 46મી સદી ફટકારી હતી. બીજા દાવમાં દક્ષિણ આફ્રિકા તરફથી પોલ હેરિસ અને ડેઈલ સ્ટેઈને 3-3 વિકેટો ઝડપી હતી.
આ પહેલા પ્રથમ દાવમાં સ્ટેઈનની વેધક બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા હતા. ભારતનો પ્રથમ દાવ 233 રનમાં સમેટાયો હતો અને ભારતને ફોલોઓન થવાની ફરજ પડી હતી. પ્રથમ દાવમાં સ્ટેઈને 51 રનમાં 7 વિકેટો મેળવી હતી.
ત્રીજા દિવસે ફોલોઓન થયેલી ભારતીય ટીમના બીજા દાવની શરૂઆત પણ કંગાળ રહી હતી. ત્રીજા દિવસે બીજા દાવમાં ભારતે સેહવાગ અને ગંભીરની મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. જ્યારે ચોથા દિવસે પણ ભારતની શરૂઆત ખરાબ રહી હતી. મુરલી વિજય અને બદ્રીનાથની વિકેટો ઝડપથી પડી જતા ભારતીય ટીમ પર હારનુ સંકટ ઉભું થયું હતું.
જો કે સચિન તેંડુલકરે ભારતને મુશ્કેલીમાંથી ઉગારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ 100 રન બનાવ્યા બાદ તરત જ સચિન આઉટ થઈ જતા ભારતની હાર નક્કી થઈ ગઈ હતી.સચિનના આઉટ થયા બાદ તો ભારતીય બેટ્સમેનોનું રીતસરનું પતન થયું હતું.
આ પહેલા ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાના ૫૫૮ રનના વિશાળ સ્કોર સામે ભારતનો ધબડકો થયો હતો અને ફોલોઓન બાદ પણ તેની સ્થિતિમાં સુધીરો થયો ન હતો પરંતુ તે વધારે વણસી હતી, કેમ કે ત્રીજા દિવસની રમતને અંતે ભારતે ૬૬ રનમાં બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. દિવસાન્તે મુરલી વિજય ૨૭ અને સચિન તેંડુલકર ૧૫ રન સાથે રમતમાં હતા.
સેહવાગે ૧૩૯ બોલ રમીને ૧૫ બાઉન્ડ્રી સાથે ૧૦૯ રન ફટકાર્યા હતા તો બદ્રીનાથે કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં અડધી સદી ફટકારવાની સાથે ૧૩૯ બોલમાં ૫૬ રન ફટકાર્યા હતા. ડેલ સ્ટેઇને કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી હતી અને ૧૩મી વખત ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ ખેરવવાની સિદ્ધિ નોંધાવી હતી. ડેલ સ્ટેઈનની ઘાતક બોલિંગને કારણે ભારત માત્ર ૨૩૩ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું અને તેને ફોલોઓન થવાની ફરજ પડી હતી.











