પાક. વિદેશ મંત્રી કુરેશીએ ફરી ઓક્યું ઝેર

ભારત તરફથી વિદેશ સચિવ કક્ષાની મંત્રણાની પહેલ બાદ પણ પાકિસ્તાન પોતાની અવળચંડાઈ કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ 48 કલાકમાં બીજી વખત ભારત સામે કાદવ ઉછાળ્યો છે.
કાશ્મીર મુદ્દાને વાગોળતા જણાવ્યું કે ‘ ગઈ કાલે જે લોકો યુદ્ધ કરવાની વાત કરતા હતા તે આજે મંત્રણાની વાત કરી રહ્યા છે.’
પાકિસ્તાનના વિદેશમંત્રીએ મુલ્તાનમાં આયોજિત એક કાર્યક્રમાં જણાવ્યું કે ‘26/11 ના હુમલા બાદ ભારત પાકિસ્તાનને યુદ્ધની ચેતવણી આપી રહ્યા હતાં, પરંતુ પાકિસ્તાને આજે તેને નમવા પર મજબૂર કરી દીધો છે. અને તેના કારણે જ ભારત પાકિસ્તાનને સામેથી શાંતિ મંત્રણા માટે આમંત્રણ આપી રહ્યું છે. ‘ સાથે સાથે તેમણે જણાવ્યું કે ‘આ પાકિસ્તાનની મજબૂતી અને સક્ષમતાનું ઉદાહરણ છે. આપણે પાકિસ્તાનના વિકાસ માટે આ જ જુસ્સાથી આગળ વધવું પડશે.’’
કુરેશીએ ભારત પર નિશાનો સાધતા જણાવ્યું કે ‘ આપણે ભારતની ઘુંટણીયે ક્યારેય નહી પડીએ અને પાકિસ્તાન સરકાર રાષ્ટ્રહિત માટે કોઈ સમજૂતી નહી કરે. ‘
ઉલ્લેખનીય છે કે આ પહેલા કુરેશીએ એક જનસભામાં ભારત તરફથી મળેલ શાંતિ પ્રસ્તાવને પાકિસ્તાનની જીત ગણાવી હતી. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે પાકિસ્તાને ભારતને ઘૂંટણીએ પાડી દીધું છે.
ભારતે પાકિસ્તાનને વિદેશ કક્ષાની મંત્રણા માટેનો પ્રસ્તાવ મોકલાવ્યો છે. જેનો પાકિસ્તાન દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમજ ભારતે વાતચીત માટે પાકિસ્તાનને 18 અથવા 25 ફેબ્રુઆરીના રોજ ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. ભારત સરકાર અનુસાર આ મંત્રણામાં આતંકવાદ અને સરહદ પારથી આવી રહેલ આતંકવાદી ઘુષણખોરી પર ચર્ચા કરવામાં આવશે.












