હિન્દનું માન્ચેસ્ટર અમદાવાદ
દેશના કુલ કાપડ ઉત્પાદનનું ૧૩ ટકા ઉત્પાદન થતું હતું! વર્ષ ૧૮૬૧ની ૩૦મી મે ના રોજ અમદાવાદમાં ૨૫૦૦ ત્રાગવાળી પહેલી મીલ શરૂ થઇ હતી.
એક સમયે હિન્દુસ્તાનનું માન્ચેસ્ટર કહેવાતા અમદાવાદ શહેરમાં એક સાથે સંખ્યાબંધ મિલો ચલતી હતી અને અમદાવાદ જાણે કે મીલોના શહેર જેવું લાગતું હતું વર્ષ ૧૯૩૪માં એક માત્ર અમદાવાદ શહેરમાં જ ૭૪ મીલો ધમધમતી હતી અને અમદાવાદનું કાપડ ભારતભરમાં વેચાતું હતું.
જોકે વર્ષોથી અમદાવાદ કાપડ સાથે સંકળાયેલું છે. વર્ષો પહેલા અમદાવાદ ત્રણ તાર ઉપર ઉભુ હતું અને એ ત્રણ તાર એટલે સુરત, રેશમ અને કસબ. અમદાવાદના વિવિધ પ્રકારના કાપડ જેવાકે સાટીન,મશરૂ, મખમલ અને કિનખાબે દુનિયાભરના માર્કેટમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. અમદાવાદના રેશમી અને કિનખાબ પાછળ યુપોરીયન રાજાઓ પાગલ હતા, તેઓ પોતાની રાણીઓ માટે ખાસ ભારતથી બુટ્ટા અને ક્ષ્લપત્તીની ભાતવાળું કિનખાબ મંગાવતા હતા.
હાલના દરિયાપુરના ચંદન તલાવડી નજીક ભંડેરીપોળમાં કેટલાક કુવા હતા. જેના પાણીથી રેશમ ધોવામાં આવતું આ પાણીમાં ધોવાયેલું રેશમ કુમાશ અને ચળકાટવાળું બનતું હતું. તે સમયમાં અમદાવાદમાં કિનખાબ અને મશરૂની ૧૬ જાતો બનતી હતી. બાદશાહી સમયમાં અમદાવાદમાં એક હજાર જેટલી હાથશાળો હતી. ૧૬૩૩માં બાદશાહ શાહજહાની ખીદમતમાં મખમલનું કાપડ પેશ કરાતાં બાદશાહ ખુશ થઇ ગયા હતા.
કાપડ સાથે જોડાયેલા અમદાવાદમાં સૌપ્રથમ ૧૮૬૧ની ૩૦મી મે ના રોજ સાંજે પોણા પાંચ વાગ્યે ૨૫૦૦ ત્રાગની ‘અમદાવાદ સ્પિનીંગ એન્ડ મેન્યુફેકચરીંગ મીલ શરૂ થઇ હતી. અમદાવાદમાં પહેલી મીલ શેઠ રણછોડલાલ છોટાલાલે શરૂ કરી હતી. ( જોકે ગુજરાતની પહેલી મીલ ૧૮૫૧માં ભરૂચમાં શરૂ થઇ હતી ત્યાર બદ ૧૮૫૪માં મુંબઇમાં મીલ શરૂ થઇ હતી.) જોકે વર્ષ ૧૯૫૯માં શાહપુરમાં આ મીલ માટેનું ખાતમુહુર્ત કરી પાયો ખોદવામાં આવ્યો હતો.
અમદાવાદના ઇતિહાસકારોના મતે શેઠ રણછોડલાલ છોટાલાલે ૧૮૪૭માં જ અમદાવાદમાં મીલ શરૂ કરવાનું નક્કી કરી તેમના યુરોપીયન મિત્ર મેજર ક્ષ્લ જેમ્સની મદદથી યુરોપની લાયન ડંકન કંપની ના કોટેશન પણ મંગાવ્યા હતા. તેમને વડોદરાના શેઠ શામળદાસ બેચરદાસ, રાજપીપળાના રાજવી તથા ભાવનગરના દિવાન ગૌરીશંકર ઓઝાનો સપોર્ટ પણ હતો તે સમયે દાદાભાઇ નવરોજી ઇંગ્લેડમાં રહેતા હોવાથી તેમની મદદથી મીલ માટે મશીનો મંગાવવામાં પણ આવ્યા હતા.
મીલના યંત્રો મુંબઇ બંદરે ઉતર્યા ત્યાંથી ખંભાત બંદરે લાવતાં મશીનો દરીયામાં ડુબી ગયા હતા. ફરીથી નવો ઓર્ડર આપી મશીનો મંગાવી શેઠ રણછોડલાલ છોટાલાલે ૧૮૬૧માં અમદાવામાં પ્રથમ મીલ શરૂ કરી હતી. તે સયમે મશીનરી મુંબઇ બંદરેથી ખંભાતના બંદરે અને ત્યાંથી સંખ્યાબંધ ગાડામાં તે અમદાવાદ લાવવામાં આવતા હતા.
૧૮૬૭માં બીજી મીલ રાયખડમાં શેઠ બેચરદાસ અંબાઇદાસ લશ્કરીએ ૧૫૦૦૦ ત્રાગવાળી અને ૩૦૦ મજુરોથી શરૂ કરી હતી. ત્યારબાદ ૧૮૭૭માં શેઠ રણછોડલાલે સારંગપુર દરવાજા બહાર માધુભાઇ મીલ શરૂ કરી પછી અમદાવાદમાં સતત મલોના ભુંગળા વધવા લાગ્યા અને ૧૮૮૯માં અમદાવાદમાં ૨૬ મીલો, ૧૯૧૬માં ૫૩ તથા ૧૯૩૪માં ૭૪ મીલો અમદાવાદમાં ધમધમતી થઇ ગઇ. અને તે વખતે હિન્દુસ્તાનના કાપડા ઉત્પાદનના ૧૩ ટકા ઉત્પાદન માત્ર અમદાવાદમાંજ થતું હતું.
માટે અમદાવાદને હિન્દુસ્તાનના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું. મીલોની સાથે સાથે અમદાવાદમાં વસ્તી પણ વધવા લાગી શહેરના અમરાઇવાડી, ખોખરા,ગોમતીપુર તથા સરસપુર જેવા વિસ્તારો મીલકાદારોથી ઉભરાવા લાગ્યા.
મીલોના ઉદયકાલમાં ઓછી મીલો, ઓછું ઉત્પાદન અને નફો વધુ હતો તેમાંય વળી ૧૮૬૧-૬૫ દરમિયાન અમેરીકાનું યુદ્ધ તથા ૧૮૬૪માં રેલવેનું અમદાવાદમાં આગમન થતાં માલનો ઉપાડ વઘ્યો હતો. આ ઉપરાંત ૧૯૦૫માં વિદેશ કાપડનો બહિષ્કાર કરતાં પણ કાપડ ઉધોગમાં તેજી આવી હતી.
એમ.એચ મિલ્સને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
અમદાવાદમાં હાલમાં ખુબજ ઓછી મીલો ચાલુ છે. પરંતુ આ પૈકીની માણેકલાલ હરીલાલ(એમ.એચ)મીલ્સને લીમ્કા બુક ઓફ વલ્ર્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. કેમકે અચરતલાલ હરીલાલે આ મીલ વર્ષ ૧૮૮૮માં ૪૦૦ કર્મચારીઓથી શરૂ કરી હતી. અને તે સૌથી જુની સતત અકેજ કુટુંબ દ્વારા સંચાલીત મીલ છે.
આમીલે પાંચમી સપ્ટેમ્બર ૨૦૦૫ના રોજ ૧૧૭ વર્ષ પુરા કર્યા હાલમાં તે પરિવારની પાંચમી પેઢીના બિરેન દીપકભાઇ તેનો વહીવટ સંભાળે છે. અગાઉનો ચાર પેઢીમાં અચરતલાલ હરીલાલ, રણછોડલાલ અચરતલાલ, નવનીતલાલ રણછોડલાલ તથા દીપક નવનીતલાલનો સમાવેશ થાય છે. વર્ષોપહેલા વડા પ્રધાન જવાહલાલ નહેરૂએ પણ આ મીલની મુલાકાત લીધી હતી.
કાપડ ઉધોગમાં શેઠ કસ્તુરભાઇ લાલભાઇનો પણ સિંહફાળો
માત્ર ૧૮ વર્ષની ઉમરે પિતાની છાયા ગુમાવી.૧૯૧૨માં રાયપુર મીલનો વહીવટ સંભાળ્યો અને તેના વહીવટથી રાયપુર મીલ દેશભરમાં પ્રખ્યાત બની ત્યારબાદ તેમની સાત મીલો લાલભાઇ ગૃપ ઓફ મિલ્સ તરીકે ઓળખાવા લાગી. શેઠ કસ્તુરભાઇએ મીલોની મંદિના સમયમાં હિંદ ઉધોગોની સંરક્ષણ નતી માટે ખુબ પ્રયત્નો કર્યા હતા.
તેમના પ્રયત્નોથી જાપાનથી આવતા કાપડ પર મોટી જકાત નંખાઇ અને વિદેશી કાપડ સામે ટક્કર લેવા અમદાવાદની મીલોએ સુતરના વિવિધ કપડો શરૂ કર્યા. શેઠ કસ્તુરભાઇના પૌત્ર સંજયભાઇએ તેમની અરવિંદ મીલમાં દેશન પ્રથમ ડેનીમ પ્લાન્ટ શરૂ કર્યોહતો. અને આજે વિશ્વમાં ડેનીમ પ્લાન્ટમાં ત્રીજા સ્તાને છે. વિશ્વના જીન્સ ઉત્પાદકો જેવા કે લી, લેવાઇસ, માર્ક એન્ડ સ્પેન્સર્સ, રેંગ્લર વગેરેને અરવિંદ મીલ ડેનીમ વેચે છે.










