ઓસ્ટ્રેલિયાની સંસદમાં ગુંજ્યો ભારતીયોનો મુદો
ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પરના હુમલાઓનો મુદ્દો ઓસ્ટ્રેલિયાની સંસદમાં પણ ગુંજ્યો હતો. જ્યાં ઓસ્ટ્રેલિયાના વિદેશપ્રધાન સ્ટિફન સ્મિથે સ્વીકાર્યું હતુંકે, કેટલાક ભારતીયો પર થયેલા હુમલા વંશીય દ્વેષભાવનાથી પ્રેરિત હતા. જેના કારણે ઓસ્ટ્રેલિયાની છાપને નુકશાન થયું છે.
વિદેશપ્રધાન સ્ટિફને, ઓસ્ટ્રેલિયામાં થયેલા હુમલાઓમાં માર્યા ગયેલા તથા ઇજા પામેલા ભારતીયોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી. તેમના કહેવા પ્રમાણે, દેશની ખરડાયેલી પ્રતિષ્ઠાને દુરસ્ત કરવી એ તેમની પ્રાથમિકતા છે. તેના કારણે ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધોમાં તણાવ ઊભો થઇ શકે છે તેવો સ્વીકાર પણ સ્ટિફને કર્યો હતો.
સ્ટિફનના કહેવા પ્રમાણે તાજેતરમાં ભારતીયો પર થયેલા હુમલાઓમાં કેટલા હુમલા વંશીય હોવાનું પહેલી નજરે જણાય છે, ત્યારે આવા કોઇ કિસ્સામાં દોષિતોને છોડવામાં નહીં આવે.
ઓસ્ટ્રેલિયામાં વિરોધપક્ષના નેતા ટેડ બેઇલિયુએ વિક્ટોરિયા સરકારની ઝાટકણી કાઢી છે. તેમણે આક્ષેપ મુક્યો હતોકે, વિક્ટોરિયાના પ્રિમિયર જ્હોન બ્રમ્બી ભારતીયો પર થઇ રહેલા હુમલાઓને અટકાવી તેમનામાં સલામતિની લાગણી ઊભી કરવામમાં નિષ્ફળ રહ્યાં છે.તેમણે આક્ષેપ મુક્યો છેકે, વિક્ટોરિયા સરકાર વંશીય હુમલાઓને લૂંટના બનાવોમાં ખપાવીને ઢાંકપીછાડો કરી રહ્યાં છે.
બીજી બાજુ વિક્ટોરિયાના પ્રિમિયર જ્હોન બ્રમ્બી સાથે ત્યાંના ભારતીય રાજદુત સુજાતાસિંઘે મુલાકાત કરી હતી. જેમાં પ્રિમિયર જ્હોને વિક્ટોરિયાની સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ અંગે સિંઘને માહિતી આપી હતી અને આ અંગે ઘટતું કરવાની ખાતરી આપી હતી. તેમના કહેવા પ્રમાણે, વિક્ટોરિયા સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે.
આ બેઠકમાં વિક્ટોરિયાના પોલીસ વડા સાઇમન ઓવરલેન્ડ પણ હાજર રહ્યાં હતા. જેમણે, પોલીસ પેટ્રોલિંગ સહિતની બાબતો અંગે લેવામાં આવેલા પગલાઓની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છેકે, તેમની ઉપર 'ગરીબ દેખાવ'ની કથિત ટિપ્પણી બદલ માછલાં ધોવાયા હતા.










