કઇ રીતે આવું બને એ વાત સમજાતી નથી...
‘પ્રિય સૌમિલને... ફ્રોમ પૂનમ.’ બેગના કપડાં નીચેથી નાનકડું ગિફ્ટબોક્સ મળ્યું અને સીમા હચમચી ઊઠી. મુંબઇને બદલે માઉન્ટ આબુની હોટલના બિલ જોઇને એના પગ નીચેથી ધરતી સરકી ગઇ. પોતાની આખી દુનિયા લૂંટાઇ ગઇ છે એનું ભાન થતાં જ એ ભાંગી પડી. સવાર સુધી ધીરજ રાખવાનું કામ કપરું હતું એ છતાં સીમાએ મક્કમતાથી નિર્ણય કર્યો. આ માણસ રાત્રે બેગમાંથી કાઢીને આ બધું ક્યાં સંતાડે છે એ જાણવા મળે તો ત્યાંથી વધુ પુરાવાઓ મળી શકે. કશું જ ના બન્યું હોય એમ સીમાએ થાળી પીરસી...
કઇ રીતે આવું બને એ વાત સમજાતી નથી એ છતાં એવું બને ને વાત સમજાતી નથી
‘કાંતાબહેન નથી આવ્યા.’ સીમાના અવાજમાં ઉચાટ હતો. સૌમિલ બૂટ પહેરી રહ્યો હતો. ‘હજાર વાર કહ્યું છે કે સાહેબને ટિફિન લઇને જવાનું હોય છે એટલે સહેજ વહેલાં આવો.’
બબડાટ સાથે સીમાએ ટિફિન ઉટકીને ફટાફટ દાળ, ભાત, રોટલી, શાક અને સલાડ ભરી આપ્યાં. સૌમિલ મગજ પર બરફ રાખીને શાંતિથી બેઠો હતો. એ ક્યારેય ગુસ્સો નહોતો કરતો. બીજા કર્મચારીઓ ભાખરી-શાક લઇને આવતા પણ સૌમિલને બધું જોઇએ. ટુ વ્હીલરને બદલે એ કાર વાપરતો.
ચાર વર્ષ અગાઉ લગ્ન કરીને આવ્યા પછી સીમાએ પતિને કરકસરનાં પાઠ શીખવવાનો પ્રયત્ન કર્યો તો પણ સૌમિલ હંમેશાં પોતાનું ધાર્યું કરતો. કાર છે તો વાપરવાની. જેટલું જીવીએ એટલું વટથી જીવવાનું. એ એની ફિલોસોફી હતી. સસરાજી વ્યવસ્થિત રોકાણો કરી ગયા હતા અને નવરંગપુરામાં બંગલો હતો એટલે કોઇ આર્થિક સમસ્યા નહોતી.
સૌમિલે કાર સ્ટાર્ટ કરી એ જ વખતે કાંતાબહેન દોડતા આવ્યા. એમના બંગલાથી થોડે દૂર લીબર્ટીના છાપરાંમાં લગભગ બસો પરિવાર રહેતાં હતા. એ ગરીબ વસતીની સ્ત્રીઓ આ રીતે ઘરકામ કરવા આવતી હતી. કાંતાબહેનનું કામ વ્યવસ્થિત અને હાથના ચોખ્ખા એટલે સીમા એમને નિભાવી લેતી હતી.
એ આવ્યા એટલે કશું બોલ્યા વગર સીમા તીખી નજરે એમની સામે તાકી રહી. ‘આજે અષાઢી અમાસ એટલે દશામાનું સ્થાપન કરવામાં મોડું થઇ ગયું. દસ દિવસના આ વ્રત ચાલશે ત્યાં સુધી થોડુંક મોડું થશે.’ કાંતાબહેને આગોતરી માફી માગી લીધી.
‘દશામા? એ વળી કયા માતાજી?’
‘તમે મોટા માણસો એમાં ના માનો પણ અમારા માટે તો દશામા હાજરાહજૂર છે.’ કાંતાબહેનના અવાજમાં શ્રદ્ધાનો રણકાર હતો. ‘બીજા બધા દેવી-દેવતા તો મંદિરમાં રહે. આ તો જીવતી જોગમાયા. સાંઢણી પર બેસીને જ્યાં પોકાર પડે ત્યાં પવનવેગે પહોંચી જાય.
મીના અને અલકાનો બાપ મરી ગયો ત્યારે મારી ઉંમર પચીસ વરસની હતી. બહુ દુ:ખ વેઠીને બેઉને મોટી કરી. ગયા વર્ષે બંનેને પરણાવીને સાસરે વળાવી દીધી એ બધો પ્રતાપ દશામાનો. બહુ મુશ્કેલીઓ આવેલી. કોઇ પડખે ઊભું ના રહે એ વખતે મારો તો એક જ આશરો-ખોળો પાથરીને ખરા હૃદયથી પોકાર કરવાનો કે હે દશામા, મારી દશા સુધારો. માતાજી તરત પરચો બતાવે. અક્કર ચક્કરમાંથી કામ પતી જાય.’
બેવકૂફ... સીમા મનમાં બબડી. કોઇ શાસ્ત્રમાં કે પુરાણમાં જેનો કોઇ ઉલ્લેખ નથી એવા માતાજી ઉપર આ અભણ સ્ત્રીને જબરી શ્રદ્ધા છે! ‘સાચું કહું છું બહેન, જ્યારે તકલીફ હોય ત્યારે ખોળો પાથરું કે મા તરત હોંકારો આપે.’
સાંજે સીમાએ સૌમિલને આ વાત કહી. એ પણ સીમાની સાથે ખડખડાટ હસી પડ્યો. દિવાળીના ચાર દિવસ ગોવા ફરવા ગયા ત્યારે સીમા બહુ ખુશ હતી. એ પછી સૌમિલને ઓફિસમાં પ્રમોશન મળ્યું અને ડિપાર્ટમેન્ટ બદલાયું એ પછી રોજ સાંજે એ મોડો ઘરે આવતો હતો.
એકાદ મહિના પછી સીમાને લાગ્યું કે સૌમિલનું વર્તન લગીર બદલાયું છે. એના વ્યવહારમાં જે ઉષ્મા હતી એ અચાનક અદ્રશ્ય થઇ ગઇ હોય એવું સીમા અનુભવતી હતી. આમ પણ અગાઉ સૌમિલ ઓછું બોલતો હતો અને હવે તો એ પણ સાવ ઓછું થઇ ગયું. સ્ત્રી સહજ આવડતને લીધે સીમાને અણસાર આવી ગયો કે સૌમિલના જીવનમાં કોઇ બીજી સ્ત્રી પ્રવેશી ચૂકી છે.
મનની શંકા ધીમે ધીમે ખાતરીમાં બદલાઇ એ પછી સીમાએ તપાસ શરૂ કરી. સૌમિલ બાથરૂમમાં હોય ત્યારે એની બ્રીફકેસ અને મોબાઇલનું એણે ચેકિંગ શરૂ કર્યું. વારંવાર સૌમિલે લાંબી વાત કરી હોય એવો એક નંબર મળ્યો એ સીમાએ નોંધી લીધો. બપોરે પી.સી.ઓ. પરથી એ નંબર જોડ્યો ત્યારે સામા છેડેથી કોઇક યુવતીનો માદક અવાજ સાંભળીને એણે ફોન કાપી નાખ્યો.
આ સિવાય શંકાસ્પદ કહેવાય એવો કોઇ પુરાવો હાથમાં નહોતો આવ્યો એને લીધે સીમા અકળાતી હતી. નક્કી કંઇક છે એ જાણવા છતાં પુરાવા વગર આગળ કઇ રીતે વધવું? મોટા અવાજે ઘાંટાઘાટ કરનાર પુરુષ હોય તો એને ઉશ્કેરીને સાચી વાત કઢાવી શકાય પણ સૌમિલ મીંઢો હતો. એના સ્વભાવની ઠંડકથી સીમા ગભરાતી હતી.
અને અચાનક એક દિવસ તક મળી ગઇ. સૌમિલ ઓફિસ કામે ત્રણ દિવસ મુંબઇ ગયો હતો. એ પાછો આવ્યો અને બેગ ઘરમાં મૂકી એના અડધા કલાક પછી જ બાજુના બંગલામાં રહેતા વડીલને હાર્ટએટેક આવ્યો અને અવસાન પામ્યા એટલે સૌમિલે ત્યાં જવું પડ્યું. એ દરમિયાન સીમાને બેગ ચેક કરવાની તક મળી ગઇ.
‘પ્રિય સૌમિલને... ફ્રોમ પૂનમ.’ બેગના કપડાં નીચેથી નાનકડું ગિફ્ટબોક્સ મળ્યું અને સીમા હચમચી ઊઠી. મુંબઇને બદલે માઉન્ટ આબુની હોટલના બિલ જોઇને એના પગ નીચેથી ધરતી સરકી ગઇ. પોતાની આખી દુનિયા લૂંટાઇ ગઇ છે એનું ભાન થતાં જ એ ભાંગી પડી. સવાર સુધી ધીરજ રાખવાનું કામ કપરું હતું એ છતાં સીમાએ મક્કમતાથી નિર્ણય કર્યો.
આ માણસ રાત્રે બેગમાંથી કાઢીને આ બધું ક્યાં સંતાડે છે એ જાણવા મળે તો ત્યાંથી વધુ પુરાવાઓ મળી શકે. કશું જ ના બન્યું હોય એમ સીમાએ થાળી પીરસી. સૌમિલ શાંતિથી જમ્યો. રાત્રે બે વાગ્યે સૌમિલે ઊભા થઇને બેગ ખોલી. પેલું ગિફ્ટ બોક્સ અને હોટલના બિલ વગેરે કાગળ એણે વોર્ડરોબના સૌથી નીચેના ખાનામાં જૂના કપડાંની નીચે દબાવી દીધા. અડધી ઉઘાડી આંખે સીમા એની આ માયાજાળ નિરખી રહી.
હે પ્રભુ! હવે ઊંઘ આવે એ શક્ય નહોતું એટલે આખી રાત સીમા ઈશ્વરને કરગરતી રહી. હે ભોળનાથ! એમને સીધી લાઇન પર લાવો. મારો સંસાર બચાવી લો પ્રભુ! એમને સદ્બુદ્ધિ આપો. એ કાલાવાલા કરતી રહી.
સવારે સૌમિલ બાથરૂમમાં ગયો કે તરત સીમાએ વોર્ડરોબ ખોલ્યો. કોઇ પણ પત્ની બેભાન થઇ જાય એવો ખજાનો એમાં હતો. પૂનમ તરફથી મળેલા પરફ્યૂમથી માંડીને હાથરૂમાલ સુધીની ભેટનો ભંડાર સીમાએ ટિપોઇ પર ગોઠવ્યો. ‘આ બધું શું છે?’ સૌમિલ બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે સીમાએ ટિપોઇ તરફ હાથ લંબાવીને ધારદાર અવાજે પૂછ્યું, ‘આ પૂનમ કોણ છે?’
‘લિસન.’ સૌમિલના અવાજમાં ઠંડી ક્રૂરતા હતી. ‘હવે તારાથી છુપાવાનો કોઇ અર્થ નથી. પૂનમ મારી બાજુની ઓફિસમાં છે. કુંવારી છે અને તારાથી રૂપાળી છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. ધેટ્સ ઓલ. એને લીધે તારા સ્ટેટસમાં કોઇ ફેર નહીં પડે.’
ઊભા થઇને સૌમિલને ઝૂડી નાખવાનું સીમાને મન થયું હતું પણ એણે પોતાની જાત ઉપર કાબૂ રાખ્યો. ‘પ્લીઝ, સૌમિલ, મારાથી આ સહન નહીં થાય. એને છોડી દે.’ સીમાના ધ્રૂજતા અવાજમાં પારાવાર પીડા છલકાતી હતી.
‘તારે જે કરવું હોય એ તું કરી શકે છે.’ સૌમિલનો ચહેરો અત્યંત ક્રૂર હતો. ‘મને સમજાવવાની કોશિશ ના કર. છૂટાછેડાથી માંડીને જે કંઇ કરવું હોય એની તને છૂટ છે.’ સૌમિલ બે મિનિટમાં કપડાં પહેરીને તૈયાર થઇ ગયો અને બેગ લઇને ઘરની બહાર નીકળી ગયો.
સીમા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. આ માણસ આટલી હદે નીચતા દાખવશે એવી એને ધારણા નહોતી. આખી રાત પ્રભુને પ્રાર્થના કરેલી એ પણ સદંતર નિષ્ફળ નીવડી હતી.
સીમાએ ફોન હાથમાં લીધો. આવા માણસ સાથે આ ઘરમાં રહી ના શકાય. એણે નિર્ણય કરી લીધો. એનો આખો દેહ ધ્રૂજતો હતો અને આંગળીઓ કિપેડ પર ફરતી હતી.
‘પપ્પા!’ રડતાં રડતાં એણે આખી રામકહાણી સંભળાવી. પપ્પા નિવૃત્ત હતા અને મોટા ભાઇ-ભાભીની સાથે વડોદરા રહેતા હતા. ‘હું ઘર છોડીને તમારી પાસે આવું છું. મારાથી સહન નથી થતું.’
‘એવી મૂર્ખામી ના કરતી.’ પપ્પાએ વ્યવહારુ સલાહ આપી.
‘એક વાર ઘરમાંથી તારો પગ નીકળી જશે પછી એને ફાવતું જડશે. પ્લીઝ, હિંમત રાખીને પરિસ્થિતિનો સામનો કર.’
‘મારામાં એટલી હિંમત નથી. એ હલકટની સાથે ઝઘડવા કરતાં અલગ રહેવું વધારે સારું.’
‘મારી વાત સાંભળ.’ લાચાર બાપના અવાજમાં ભીનાશ ભળી. ‘તને દુ:ખ થાય એટલા માટે આજ સુધી કંઇ કહ્યું નથી પણ આજે કહેવું પડશે. તારી ભાભીનો સ્વભાવ કૂતરી જેવો છે. મારી પાસે જે હતું એ બધુંય મૂર્ખામી કરીને એમને આપીને બેઠો છું એટલે બીજો કોઇ આશરો નથી.
સાવ પરવશ અને લાચાર થઇને કૂતરાં-બિલાડાની જેમ હડધૂત થઇને દીકરા-વહુની સાથે રહું છું. મારા રોટલાં જ એમને ભારે પડતાં હોય ત્યાં એ તને કઇ રીતે રાખશે?એટલે પ્લીઝ, સૌમિલકુમારને સમજાવવાનો પ્રયત્ન ચાલુ રાખીને સુખે-દુ:ખે દિવસો પસાર કર’કહી વૃદ્ધ બાપ રડી પડ્યો.
ફોન બાજુ પર મૂકીને સીમા ફસડાઇ પડી. સૌમિલને સગા કાકા કે મામા નહોતા. દૂરના એક મામા હતા. એમનો નંબર જોડતી વખતે સીમા રીતસર રડતી હતી. ‘મામા, મારો સંસાર બચાવી લો.’ આખી કથા એમને સંભળાવીને એ કરગરી.
‘જો બેટા, તારા પ્રત્યે સો ટકા સહાનુભૂતિ છે પણ સૌમિલ જડભરત છે. એ એના સગ્ગા બાપનું કહ્યું પણ નહોતો માનતો, તો પછી મારા જેવા ડોસાને તો ક્યાંથી ગણકારે? મારી વાત સમજ. દુ:ખનું ઓસડ દહાડા. કાલે ઊઠીને પેલી નખરાળી એને છોડી દેશે એટલે કાકા કહીને તારી પાસે પાછો આવશે.’
વિફળતા અને નિરાશાથી સીમાએ પોતાના માથામાં મુક્કા માર્યા. ભીની આંખે ડાયરીમાંથી સુજાતાનો નંબર શોઘ્યો. કોલેજમાં સાથે હતી. બધી વાતે ચબરાક અને ક્યાંય પાછી ના પડે. ત્રણેક વર્ષથી સંપર્ક નહોતો થયો છતાં સીમાને વિશ્વાસ હતો કે સુજાતા કંઇક રસ્તો સૂઝાડશે.
એણે સુજાતાને આખી વાત કહી. ‘સીમા, દરેકે પોતપોતાનો ક્રોસ ઊચકીને જીવવાનું હોય છે.’ સુજાતાના અવાજમાં સાચી લાગણી હતી. ‘તને ખબર નથી. ગયા વર્ષે મારા ડાઇવોર્સ થઇ ગયા પછી હું મમ્મી-પપ્પાની સાથે રહું છું. એ નાલાયકે મને ભરણપોષણની રકમ પણ નથી આપી એટલે એનો કોર્ટમાં કેસ ચાલુ છે.’
હવે સીમાની ધીરજ ખૂટી. સૌમિલના મોબાઇલ પરથી શોધેલો પૂનમનો નંબર એની પાસે હતો. ફોન જોડીને સતત સાત મિનિટ સુધી એ આક્રોશથી બોલતી રહી. મનમાં જે હતું એ બધું ઠાલવી દીધા પછી એણે કહ્યું. ‘એક સ્ત્રી થઇને મારો હક ઝૂંટવતા શરમ નથી આવતી? પ્લીઝ, સૌમિલને છોડી દે. તું કુંવારી છે એટલે બીજું કોઇ સારું પાત્ર મળી જશે. મારી દશા તો વિચાર. પ્લીઝ... ભગવાનને ખાતર.’
‘સોરી બકા. વાત સાંભળીને દયા આવે છે પણ આઇ એમ હેલ્પલેસ. સૌમિલને કાબૂમાં રાખવાનું તારું કામ નથી. પ્લીઝ, વહેલી તકે ડાઇવોર્સ આપી દે એટલે અમે અમારી રીતે સુખી અને તું તારી રીતે સુખી.’
ધગધગતા તેજાબની જેમ એનાં શબ્દો સીમાના કાનમાં રેડાતા હતા. ધડ દઇને એણે મોબાઇલનો ઘા કર્યો અને સોફા પર ઊંધી પડીને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. ભયાનક વિફળતા અને લાચારીને લીધે એ ભાંગી પડી હતી.
હવે શું કરવું એ સવાલ હથોડાની જેમ મગજમાં વિંઝાતો હતો. આખું શરીર પરેસેવે રેબઝેબ થઇ ગયું હતું. લમણાંની નસો ફૂલી ગઇ હતી. એ જ વખતે ડોરબેલ રણકી. ભાંગેલા પગે ઊભા થઇને એણે બારણું ખોલ્યું. સામે ઊભેલા કાંતાબહેનને જોઇને એની આંખ ચમકી.
સાડી વ્યવસ્થિત કરીને પાલવનો ખોળો પાથરીને એ રૂમની વચ્ચે બેસી ગઇ. ‘હે જગતજગની દશામા!’ ભીની આંખે અને ધ્રૂજતા અવાજે એ કરગરતી હતી. ‘સાંઢણી લઇને પવનવેગે આવો અને મારી દશા સુધારો. હે દશામા. તમે તો હાજરાહજૂર છો!’ એ પાગલની જેમ કરગરતી હતી. કાંતાબહેન વિસ્મયથી એની સામે તાકી રહ્યા હતા.
(શીર્ષક પંક્તિ : લેખક)
.












