ડાયાબિટીસથી કિડની ફેલ્યોર થઇ શકે
એંસી ટકા કેસમાં કિડની કામ કરતી બંધ થવાનું કારણ ડાયાબિટીસ હોય છે. જેમ-જેમ ડાયાબિટીસનો ગાળો વધે છે તેમ તેમ કિડની બગડવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. વીસ વર્ષનાં અંતે ડાયાબિટીસના કારણે લગભગ પાંચ ટકા લોકોની કિડની કામ કરતી બંધ થઇ જાય છે. ત્રીસ વર્ષનાં અંતે આ આંકડો વધીને વીસ ટકા થઇ જાય છે.
ડાયાબિટીસ અનેક બીમારીઓનો જન્મદાતા છે. ડાયાબિટીસના લીધે શરીરના અનેક અવયવો કામ કરતા બંધ થઇ જાય છે. ડાયાબિટીસથી કિડની ઉપર માઠી અસર પડતી હોય છે. જો ડાયાબિટીસ યોગ્ય પ્રમાણમાં કાબૂમાં ન રહે તો તેના લીધે કિડનીની કાર્યશક્તિ ઘટી જાય છે તથા ક્રમશ: તે કામ કરતી બંધ થઇ જાય છે. આ અવસ્થાને ક્રોનિક રિનલ ફેઇલ્યોર કહેવામાં આવે છે.
એવું કહેવાય છે કે એકલા અમેરિકામાં ડાયાબિટીસના કારણે દરરોજના પાંત્રીસ જેટલા નવા કેસો કિડની બંધ થઇ જવાના નોંધાય છે. કિડની કામ કરતી બંધ થઇ જાય તો તેમને કાં તો કિડની બદલવી પડે છે અથવા ડાયાલિસીસ પ્રોગ્રામમાં દાખલ થવું પડે છે. આપણા દેશમાં પણ કિડની ફેલ થઇ જવાના અનેક કેસો નોંધાય છે.
એંસી ટકા કેસમાં કિડની કામ કરતી બંધ થવાનું કારણ ડાયાબિટીસ હોય છે. જેમ-જેમ ડાયાબિટીસનો ગાળો વધે છે તેમ તેમ કિડની બગડવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. વીસ વર્ષનાં અંતે ડાયાબિટીસના કારણે લગભગ પાંચ ટકા લોકોની કિડની કામ કરતી બંધ થઇ જાય છે. ત્રીસ વર્ષનાં અંતે આ આંકડો વધીને વીસ ટકા થઇ જાય છે.
કિડની કામ કરતી બંધ થવી બંને પ્રકારના ડાયાબિટીસ (ટાઇપ વન અથવા જ્યુવેનાઇલ ડાયાબિટીસ તથા ટાઇપ ટુ અથવા એડલ્ટ ડાયાબિટીસ)માં શક્ય છે. જ્યુવેનાઇલ ડાયાબિટીસમાં આ રોગ વહેલી ઉમરે શરૂ થવાના કારણે કિડની ફેલ પણ વહેલી ઉંમરે થઇ જાય છે.
કિડની ફેલ થવાની સાથે અનેક બીજી તકલીફો પણ સાથે શરૂ થઇ જાય છે. આંખો બગડવી, જ્ઞાનતંતુઓને નુકસાન થવું, હૃદયરોગની તકલીફો થવી, આમ એક તકલીફ બીજી અનેક તકલીફોને આમંત્રણ આપે છે. કિડની ફેલનો ઉપચાર યા તો કિડની ટ્રાન્સપ્લાન્ટ અથવા ડાયાલિસીસ છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ અઘરું તથા ખર્ચાળ છે.
ભારતમાં એક કિડની ટ્રાન્સપલાન્ટનો ખર્ચો આશરે પાંચથી સાત લાખ રૂપિયા હોય છે. સાથે-સાથે યોગ્ય ડોનર મળવો ક્યાં આસાન છે? તેની સામે ડાયાલિસીસ એક સારો વિકલ્પ છે, પરંતુ અતિશય ખર્ચાળ છે. અઠવાડિયામાં વ્યક્તિને બેથી ત્રણ વાર ડાયાલિસીસ કરાવવું પડે છે. એક ડાયાલિસીસ કરાવવા પાછળનો ખર્ચ આશરે રૂપિયા બે હજાર જેટલો થાય છે. તદુપરાંત દવાઓ ડૉક્ટરની ફી, લેબોરેટરીનો ખર્ચોતો ખરો જ.
આશરે દર મહિને પચીસથી ચાળીસ હજાર રૂપિયાનો ખર્ચો કોને પરવડે? ઉપરાંત અઠવાડિયામાં ત્રણ વાર ચાર-પાંચ કલાક હોસ્પિટલમાં રહેવું, કાર્યશક્તિ ઘટવી. આવક ઓછી અને જાવક વધારે. એક મઘ્યમ વર્ગ માટે એક કમરતોડ સમસ્યા કહેવાય.
તદુપરાંત ડાયાબિટીક કિડની ડિસીઝ દ્વારા વ્યક્તિને હૃદય, આંખોની તકલીફની સારવાર પણ સાથે સાથે કરાવવી પડતી હોય છે. જો યોગ્ય સારવાર કરવામાં ન આવે તો આયુષ્ય પણ ટૂંકાઇ જાય છે.
કિડની બગડવાના કારણો
ડાયાબિટીસ થયા પછી આશરે ૧૫થી ૨૦ વર્ષ પછી કિડનીનું ફંકશન બગડવાની શરૂઆત થાય છે. વધારે પડતો બેકાબૂ ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર, હાઇ કોલેસ્ટેરોલ, તમાકુ તથા સિગરેટનું સેવન તથા અનુવંશિક કારણો આ રોગ માટે જવાબદાર છે.
એક પરિવારમાં ડાયાબિટીસના કારણે જો એક વ્યક્તિની કિડની બગડી હોય તો બીજા સભ્યને ડાયાબિટીસના કારણે કિડની બગડવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. ભારતીય મૂળના વ્યક્તિઓમાં ડાયાબિટીસના કારણે કિડની બગડવાની શક્યતાઓ યુરોપિયન મૂળના વ્યક્તિઓ કરતાં ત્રણથી ચાર ગણી વધારે છે.
વહેલું નિદાન, સુંદર પરિણામ
વહેલું નિદાન થાય તો કિડનીની તકલીફો થતી રોકી શકાય અથવા તેને વધતી અટકાવી શકાય છે. દરેક ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિએ દર વર્ષે પોતાની ઘનિષ્ઠ તપાસ કરાવી લેવી જોઇએ. તેમાં કિડનીની તપાસ પણ સામેલ થાય છે.
બ્લડ તપાસ જેવી કે સિરમ ક્રિએટીનીન તથા બ્લડ યુરિયા. યુરીનમાં પ્રોટીનની માત્રા તથા કિડનીની સોનોગ્રાફી જેવી તપાસ દ્વારા આ રોગની શરૂઆતમાં જ તેનું નિદાન શક્ય છે. યોગ્ય સારવાર દ્વારા આ રોગને વધતો અટકાવી શકાય છે અને મોંઘીદાટ સારવારથી પણ બચાવી શકાય છે.
- ડાયાબિટીસને શરૂઆતથી જ કાબૂમાં રાખવો.
- બ્લડપ્રેશર ૧૨૫/૮૫ સુધી જાળવી રાખવું.
- મીઠું દિવસમાં ૫થી ૮ ગ્રામ જેટલું લેવું. કિડનીની તકલીફની શરૂઆત થઇ હોય તો પ્રોટીન દિવસમાં
પ્રતિ એક કિ.ગ્રા. વજન દીઠ ૦.૮ ગ્રામ લેવું. નોન-વેજ. ખોરાક ટાળવો.
- લોહીમાં કોલેસ્ટેરોલની માત્રા કાબૂમાં રાખવી.
- તમાકુ, બીડી, સિગારેટ કિડની માટે પણ ખૂબ હાનિકારક છે તો એનો સંપૂર્ણપણે ત્યાગ કરવો.
- દર વર્ષે કિડનીની તપાસ (સિરમ ક્રિએટીનીન, સિરમ પોટેશિયમ, યુરીનમાં પ્રોટીનની માત્રા) કરાવતા રહેવું.
- જો યુરીનમાં થોડું પણ વધારે પ્રોટીન જતું હોય તો તેની તાત્કાલિક સારવાર શરૂ કરવી.
- રામીપ્રીલ, લીસિનોપ્રીલ, ટેલ્મીસારટાન, ઓલ્મીસારટાન નામની દવાઓ આ બીમારીને આગળ વધતી રોકવામાં મદદરૂપ થાય છે તો તેનો ડૉક્ટરની સલાહ લઇને ઉપયોગ કરવો.










