ફરજમુક્તિના હુકમ સામે વધુ ત્રણ ફાસ્ટ ટ્રેક જજો હાઇકોર્ટમાં આવ્યા
નિમણૂકની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ એકાએક ફરજમુક્ત કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે વધુ ત્રણ ફાસ્ટ ટ્રેક જજો ગુજરાત હાઇકોર્ટમાં આવ્યા છે. ફાસ્ટ ટ્રેક જજોની આ રિટમાં ચીફ જસ્ટિસ એસ.જે.મુખોપાધ્યાય અને જસ્ટિસ અનંત એસ.દવેની ખંડપીઠે રાજ્ય સરકાર અને હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ વિરૂદ્ધ નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી તા.૫મી માર્ચના રોજ રાખી છે.
અમરેલીના ફાસ્ટ ટ્રેક જજ સ્મિતાબહેન એન.અત્રિ સહિત ત્રણ ફાસ્ટ ટ્રેક જજો તરફથી કરાયેલી અલગ-અલગ રિટ અરજીમાં એ મતલબની રજુઆત કરવામાં આવી હતી કે, અરજદારોની નોકરીમાં છેલ્લા કેટલાક વર્ષોની ફાસ્ટ ટ્રેક જજ તરીકેની સતત અને સારી કામગીરી હોવા છતાં રાજ્ય સરકાર સહિતના સત્તાવાળાઓ દ્વારા તેઓને અન્યાયી રીતે નોકરીમાંથી ફરજમુક્ત કરવામાં આવ્યા છે.
જે ઘણી આઘાતજનક બાબત કહી શકાય. નોંધનીય બાબત એ છે કે, અરજદારોના કેસોના નિકાલની કામગીરી અને નોકરીના રેકર્ડ સારા હોવાછતાં સત્તાવાળાઓએ કોઇપણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના જ તેઓને નોકરીમાંથી છુટા કરી દીધા છે.
સત્તાવાળાઓના આ પ્રકારના નિર્ણયના કારણે બંધારણીય જોગવાઇઓનો પણ ભંગ થાય છે. વળી, કોઇપણ આખરી નિર્ણય લેતા પહેલા અરજદારોને સાંભળવામાં નથી આવ્યા કે તેઓને રજુઆતની કોઇ તક પૂરી પાડવામાં નથી આવી. આમ, સત્તાવાળાઓએ કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂદ્ધ એકતરફી અને મનસ્વી નિર્ણય લઇને અરજદારોને બિલકુલ ગેરકાયદે રીતે નોકરીમાંથી ફરજમુક્ત કરી દીધા છે.
સત્તાવાળાઓનો આ નિર્ણય ગેરકાયદે અને ગેરબંધારણીય હોઇ હાઇકોટેં તેને રદબાતલ ઠરાવી ન્યાયના હિતમાં અરજદારોને નોકરીમાં પુન:સ્થાપિત કરવાનો હુકમ કરવો જોઇએ એવી પણ ફાસ્ટ ટ્રેક જજો દ્વારા રિટ અરજીઓમાં દાદ માંગવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફરજમુક્તિના નિર્ણયને પડકારના ફાસ્ટ ટ્રેક જજોની સંખ્યાનો આંક ૨૦થી વધુ થવા પામ્યો છે. આ કેસોના આખરી નિકાલ પર રાજ્યના ન્યાયતંત્ર અને ન્યાયિક પદાધિકારીઓની ખાસ નજર છે.










