ગાંધીજી પુનર્જન્મમાં માનતા હતા
હું વેદોને, ઉપનિષદોને, પુરાણોને અને જે બધા ગ્રંથો હિંદુ ધર્મશાસ્ત્રો નામે ઓળખાય છે તેને માનું છું અને તેથી અવતારોને અને પુનર્જન્મને પણ માનું છું.
આપણે ઘરના દેવસ્થાનમાં ભગવાનની સેવા કરીએ છીએ. શું ગાંધીજી કોઇ મૂર્તિની સેવા કરતા હતા? દક્ષિણ આફ્રિકાથી કાયમી વસવાટ માટે ગાંધીજી ૧૯૧૫માં ભારત આવ્યા એ જ વર્ષે હરિદ્વારમાં કુંભમેળો ભરાયો હતો. ગાંધીજી કુંભમેળામાં ગયા હતા. ત્યાં હૃષીકેશમાં ગાંધીજીને મળવા ઘણા સંન્યાસીઓ આવ્યા હતા.
તેમાંના એકે ગાંધીજી સાથે ધર્મની ચર્ચા કરી. સંન્યાસીએ ગાંધીજીના માથે શિખા અને શરીરે જનોઇ પણ ન જોઇ. એમણે કહ્યું : તમે આસ્તિક છો, છતાં જનોઇ અને શિખા ન રાખો તેથી અમારા જેવાને દુ:ખ થાય છે. આ બે હિંદુ ધર્મની બાહ્ય સંજ્ઞાઓ છે, ને તે દરેક હિંદુએ રાખવી જોઇએ.
ગાંધીજી નાના હતા ત્યારે તેમને જનોઇ પહેરાવી હતી. જનોઇ તૂટી ગઇ પછી બીજી પહેરી ન હતી. ગાંધીજીએ કહ્યું : જનોઇ તો હું ધારણ નહીં કરું. અસંખ્ય હિંદુઓ નથી પહેરતા છતાં હિંદુ ગણાય છે, તે પહેરવાની હું જરૂર નથી જોતો. અત્યારે હિંદુ સમાજ અને હિંદુસ્તાન પડેલાં છે, તેમાં જનોઇ પહેરવાનો આપણને અધિકાર જ ક્યાં છે? પણ શિખા વિશેની તમારી વાત મારે વિચારવી પડશે. તે તો હું રાખતો હતો પણ શરમને માર્યે કપાવી નાખી છે. તે ધારણ કરવી જોઇએ એમ મને લાગે છે.
ગાંધીજી અહીં નોંધે છે : જ્યાં લગી જુદા જુદા ધર્મ રહ્યા છે ત્યાં લગી પ્રત્યેક ધર્મને કંઇક ખાસ બાહ્ય સંજ્ઞાની કદાચ આવશ્યકતા હોય. પણ જ્યારે બાહ્ય સંજ્ઞા કેવળ આડંબરરૂપે થઇ પડે, પોતાના ધર્મને બીજા ધર્મથી તારવી કાઢવા સારુ વપરાય ત્યારે તે ત્યાજય થઇ પડે છે.
તા.૯-૧૦-૧૯૨૧ના ‘નવજીવન’માં ગાંધીજીનો ‘હિંદુ ધર્મ’ વિશે લેખ પ્રગટ થયો હતો. તેને આધારે થોડી છણાવટ કરીએ. ગાંધીજી પોતાને સનાતની હિંદુ તરીકે ઓળખાવે છે. તેનાં કારણો આપતાં જણાવે છે કે (૧) હું વેદોને, ઉપનિષદોને, પુરાણોને અને જે બધા ગ્રંથો હિંદુ ધર્મશાસ્ત્રો નામે ઓળખાય છે તેને માનું છું અને તેથી અવતારોને અને પુનર્જન્મને પણ માનું છું. (૨) હું વણાર્શ્રમધર્મને એના મૂળ વૈદિક અર્થમાં માનું છું. (૩) હું ગૌરક્ષાને માનું છું. (૪) મૂર્તિપૂજાને વિશે મારી અનાસ્થા નથી.
દરેક હિંદુ ઈશ્વરને માને છે, પુનર્જન્મને અને મોક્ષને માને છે પણ જે ખાસ વસ્તુ હિંદુ ધર્મને બીજા ધર્મોથી નોખો પડે છે તે તેની ગોરક્ષા અને વણાર્શ્રમધર્મ છે. ચાતુર્વણ્યે માણસને તેના વ્યવસાય નક્કી કરી આપ્યા છે પણ તેને ચડિયાતા કે ઊતરતા હકો બક્ષ્યા નથી. હિંદુ ધર્મની દ્રષ્ટિએ તો બધા ઈશ્વરની સૃષ્ટિની સેવા કરવા જન્મેલા છે, બ્રાહ્મણ પોતાના જ્ઞાનથી, ક્ષત્રિય પોતાની રક્ષણશક્તિથી, વૈશ્ય તેના વાણિજયબળથી અને શૂદ્ર તેના શરીરયજ્ઞથી.
ગાય વિશે ગાંધીજી જણાવે છે : ગાય એ દયાધર્મની મૂર્તિમંત કવિતા છે. લાખો કરોડો હિંદીઓને ઉછેરનારી એ માતા છે. ગૌરક્ષા એ હિંદુ ધર્મે દુનિયાને આપેલી બક્ષિસ છે અને હિંદુ ધર્મ પણ જ્યાં સુધી ગાયની રક્ષા કરનારા હિંદુઓ છે ત્યાં સુધી જ રહેશે.
(ક્રમશ:)










