દહેજનો દૈત્ય ધ્રાંડવાની મહિલાને ભરખી ગયો
શંકાસ્પદ મોતથી મૃતક મહિલાનું પીએમ અમદાવાદ કરાવવા તજવીજ હાથ ધરાઇ : ઘટનાથી લોકોમાં તર્ક-વિતર્ક
સાંતલપુર તાલુકાના કોરડા ગામના પુરીબેન લવિંગભાઇ ઠાકોરને પાંચેક વર્ષ અગાઉ ધ્રાંડવા ગામે કાનજીભાઇ ઠાકોરના દિકરા જેસંગ સાથે પરણાવી હતી. તેને અઢીથી ત્રણ વર્ષનો એક દિકરો પણ છે. પરંતુ મહિલાના સાસરીજનો તેના સસરા કાનજીભાઇ ધૂળાભાઇ ઠાકોર, પતિ જેસંગ ઠાકોર, દિપક રણછોડ ઠાકોર અને તેના સાસુ જબીબેને ઠાકોર દ્વારા પૂરીબેન ઠાકોર (રપ)ને અવારનવાર દહેજમાં પૈસા અને અનાજની માગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપતાં હોવાથી મહિલા તેના સાસરીયાંઓનો ત્રાસ સહન ન કરી શકતાં રવિવારે બપોરે બેથી પાંચ કલાકના અરસામાં તેના શરીરે કેરોસીન છાંટીને સળગી જઇ આપઘાત કરી લીધો હતો. તેને આપઘાત કરવા માટે તેના સાસરીયાઓએ મજબૂર કરી હોવાની મૃતક મહિલાનાભાઇ કોયડાના મનુભાઇ લવિંગભાઇ ઠાકોરે સાંતલપુર પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ ગઢવીએ તપાસ હાથ ધરી છે.
જોકે, મૃતક મહિલાની લાશનું પેનલ ડાર્કટરથી પીએમ કરવા માટે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં તેની લાશ લઇ જવાઇ હતી. પરંતુ મહિલાનું શંકાસ્પદ મોત હોવાથી નિષ્ણાંત તબીબોનો મત લેવા માટે અમદાવાદ સિવિલમાં પીએમ કરવા માટે લાશ લઇ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
સ્થળની વીડિયોગ્રાફી
મહિલાના શંકાસ્પદ મૃત્યુમાં હત્યા છે કે, આત્મહત્યા તે મેડિકલ રિપોર્ટ આધારે જ જાણી શકાશે. આ ઘટના બાદ ઘટનાસ્થળની વીડિયોગ્રાફી કરાવવામાં આવી છે અને એફએસએલની પણ મદદ લેવામાં આવી છે.- એચ.એમ.ગઢવી, પીએસઆઇ, વારાહી











