જામબંગલામાં હાથ મારનાર વધુ બે શખ્સો ઝડપાયા
રજવાડી જામબંગલામાં કરોડોની ચીજવસ્તુઓની ચોરીના ચકચારી પ્રકરણમાં પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી લઇ તેમની પાસેથી ચોરીનો રૂ.સાડા આઠ લાખની કિંમતનો મુદામાલ કબજે કર્યો છે.
એલસીબીની ટુકડીએ મહેસાણાના કડી નજીકથી બન્ને આરોપીઓને દબોચી લીધા હતાં. પોલીસે આ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ ૨૮ આરોપીઓને પકડી પાડી રૂ.સવા કરોડથી વધુની કિંમતનો મુદામાલ કબજે કર્યો છે.
જામનગરના રાજવી પરિવારના જામબંગલામાં થયેલી ઐતિહાસિક ચોરી પ્રકરણમાં નાસતા ફરતા મુખ્ય આરોપીઓ પૈકીનાં અજય ઉર્ફે અજલો રામુભાઇ બેવાસી (ઉ.વ.૨૦, રે. ગોદડીયાવાસ, જામનગર)
તથા વિજય ઉર્ફે અજય ચંદુભાઇ બેવાસી (ઉ.વ.૨૩, રે.ઝુંડાળા વિસ્તાર પોરબંદર) નામના દેવીપૂજક શખ્સો મહેસાણાના કડી વિસ્તારમાં હોવાની માહિતીના આધારે તપાસ માટે દોડી ગયેલી એલસીબીની ટુકડીએ કડી પાસેના બુડાસણ ગામેથી બન્નેને પકડી પાડયા હતા
અને તેમના કબજામાંથી સોનાની ૯ વીંટી, જમૈયા તથા બંદુક ઉપરના સોનાના ખોભરા, ખુરશી ઉપરના સોનાના પતરા તેમજ અન્ય એન્ટીક ચીજવસ્તુઓ એક મોબાઇલ અને રૂ.૬૧૭૦ની રોકડ રકમ મળી કુલ રૂ.૮૪૯૪૭૦નો મુદામાલ કબજે કરી બન્નેની ધરપકડ કરી જામનગર લાવવામાં આવ્યા હતાં.
પકડાયેલા બન્ને શખ્સોની વધુ પૂછપરછ માટે તેમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. પોલીસે આ ચકચારી ચોરી પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ ૨૮ જેટલા આરોપીઓની ધરપકડ કરી રૂ.સવા કરોડથી વધુ કિંમતનો ચોરાઉ મુદામાલ કબજે કર્યો છે.










