રાધનપુરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત છની ધરપકડ
રાધનપુરમાં મુખ્યમંત્રી કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ બોલશે તો રાધનપુરમાં રાધનપુરવાળી કરવાની કોંગ્રેસની ચીમકીના પગલે પોલીસ તંત્ર સોમવારે એલર્ટ રહ્યું હતું. તેમજ ગરીબ કલ્યાણ મેળાના સમયેે શહેરના હાઇવે વિસ્તારમાંથી પસાર થઇ રહેલા રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી અને એક મહિલા અગ્રણી સહિત છ વ્યક્તિની ધરપકડ કરી બાદમાં તેઓને છોડી મૂકાયા હતા.
ગરીબ મેળા શરૂ થાય તેની મિનિટો પહેલા કોંગી કાર્યકરો માજી ધારાસભ્ય લવિંગજી સોલંકી, એડ્વોકેટ સુરેશભાઇ ઠાકોર, શંકરજી મોતીજી ઠાકોર, જિલ્લા સેવાદળના પ્રમુખ સવિતાબેન શ્રીમાળી, રાધનપુર તાલુકા પ્રમુખ જગમાલભાઇ લગધીરભાઇ આહીર અને મેમદાવાદના જયંતિજી વાહાજી ઠાકોરની પોલીસે હાઇવે ચાર રસ્તા પાસેથી અટક કરી લીધા હતા. સુરેશભાઇ ઠાકોરના જણાવ્યા મુજબ, હાઇવે ચાર રસ્તાએથી પોલીસ દ્વારા તેમની અટક કરીને આડેસર સુધી લઇ જવાય હતા.
જ્યારે સવિતાબેન શ્રીમાળીના જણાવ્યા મુજબ, મહિલા પોલીસ ન હોવા છતાંય પુરુષ પોલીસ જવાનોએ હાથ પકડીને તેમને પોલીસની ગાડીમાં બેસાડી દીધા હતા અને છેક આડેસર સુધી લઇ ગયા હતા. વળતાં વારાહીથી મહિલા પોલીસને ગાડીમાં સાથે લાવ્યા હતા.
પોલીસના અધિકારીઓએ તેમને સમાજ વિરુદ્ધના શબ્દો બોલી અપમાનિત કરતાં પોલીસ સ્ટેશને તેઓ ફરિયાદ કરવા ગયેલ પરંતુ પોલીસે ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપો પણ તેમણે કર્યા હતા.રાધનપુર પીઆઇ પી.એ. પટેલે જણાવ્યું હતું કે, કલમ ૬૮ અને ૬૯ મુજબ અવસરમાં કાયદો અને વ્યવસ્થા જોખમાય નહીં એ માટે છ વ્યક્તિની અટક કરી હતી. જેમને અવસર વીતી જતાં મુકત કરાયા હતા.
સોલંકી બેસણામાંથી પરત આવતા હતા
જેતલપુરમાં કાર્યકરના ત્યાં દુ:ખદ પ્રસંગે બેસણામાંથી પરત આવતા હતા. ત્યારે તેઓની રાધનપુર હાઇવે પર ધરપકડ કરવામાં આવી હતી.- લવિંગજી સોલંકી, પૂર્વ ધારાસભ્ય










