બેન્કની ચૂંટણીમાં જ્ઞાતિવાદનો ઓછાયો
સાબરકાંઠા બેન્કની કેટલીક બેઠકો બિનહરીફ થતાં ચૂંટણી ટળી મતદારોને મનાવવા જ્ઞાતિવાદનાં સમીકરણો પર રખાતો મદાર
જિલ્લાનું સહકારી રાજકારણ અત્યારે ખુબજ તેજ ગતિએ આગળ ધપી રહ્યું છે ત્યારે સાબરડેરીની ચૂંટણીના પરિણામે અનેક નવા સમીકરણો રચવા માટે સહકારી અગ્રણીઓને મજબુર કરી દીધા છે. ડેરીની ચૂંટણીમાં જે અગ્રણીઓ એકજ કૂંડાળામાં રહીને ચૂંટણી લડતા હતા તે અત્યારે અન્ય ઉમેદવારોની આંગળી પકડી ચાલી રહ્યા છે. સહકારી અગ્રણીઓની આગાહી મુજબ સાબરકાંઠા બેન્કની ચૂંટણીની હારજીત પર જ્ઞાતિવાદના ઓછાયા પડી ગયા છે. જેથી જે બેઠકોની ચૂંટણી થનાર છે ત્યાંના પરિણામ કેવા આવશે તે જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
સાબરકાંઠા બેન્કની ચૂંટણીમાં અગાઉથીજ પ્રાંતિજ, ખેડબ્રહ્મા, માલપુર, ધનસુરા બેન્ક વિભાગ અને ઇતર મંડળી વિભાગમાં સહકારી ક્ષેત્રના અગ્રણી ગણાતા અમીચંદભાઇ પટેલ, જશુભાઇ પટેલ, જશુભાઇ શીવાભાઇ પટેલ, ચીનુભાઇ અમીન, રાજેન્દ્રસિંહ ચાવડા, મણીભાઇ પટેલ બિનહરીફ થયા છે.
જેના કારણે ૧૨ બેઠકો માટે ૩૫ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં પક્ષ કે પ્રતિકથી પર રહી જ્ઞાતિવાદના આધારે અત્યાર સુધી ચૂંટણીઓ લડાઇ છે ત્યારે તેમાં વિવિધ જ્ઞાતિઓમાં ઉમેદવારો પોતાના મતદારોને મનાવવા માટે જ્ઞાતિવાદનો મુદ્દો આગળ ધરીને વિવિધ પ્રલોભન આપ્યા હોવાનું ભૂતકાળ બોલે છે.
સાબરકાંઠા બેન્કની ચૂંટણી ૧૪મી ફેબ્રુઆરીએ યોજાનાર હોવાથી ૧૧૬ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. પણ તેમને અનેક કારણોસર ચૂંટણી જંગમાંથી ખસી જતાં આખરે ૩૫ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. દરમિયાન સાબરડેરીની ચૂંટણીના પરિણામ બાદ પેનલના બદલે ઉમેદવારો પોતાની વ્યુહ રચના ગોઠવીને પ્રચાર કરવા ગામડાના પ્રવાસે પહોંચી ગયા છે ત્યારે તેમાં ડેરીના પરિણામનો મુદ્દો આગળ ધરી મતદારોને મનાવી રહ્યા છે. પણ હુકમનું પત્તુ ગણાતા મતદારો હજુ ઉમેદવારોને પોતાનું મન કળવા દેતા નથી તે મતદારોની ખુબી રહી છે.
આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બેન્કની ચૂંટણી સંદર્ભે એક ઉમેદવારે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પરંતુ તેનો ચુકાદો મંગળવારે આવે તેવી શક્યતા હોવાનું સહકારી આલમમાંથી જાણવા મળ્યું છે. જો આ ચુકાદો ઉમેદવારી તરફેણમાં આવે તો બાકીના લોકસંપર્ક દરમિયાન પોતાના ઉમેદવારોને પ્રચારમાં નવો મુદ્દો ઉમેરવાની ફરજ પડશે.











