કસાબને કારણે મોનો રેલવેનો માર્ગ બદલાયો
આર્થર રોડની જેલમાં વસવાટ કરનારા અજમલ કસાબને કારણે મોનો રેલવેનો માર્ગ બદલવામાં આવ્યો છે, જેને કારણે મોનો રેલવેના ખર્ચમાં રૂ.૮૦ કરોડનો વધારો થયો છે.મોનો રેલવેનો માર્ગ ચેમ્બુરથી સાત રસ્તા સુધીનો છે.
હાલમાં એનું કામ પણ ચાલી રહ્યું છે. આ માર્ગ જેલની સદંતર નજીકથી જતો હોઈને કસાબના જીવને જોખમ ઊભું થઈ શકે છે, એવો સંકેત પોલીસે આપ્યો છે. કસાબના જીવને જોખમ ઊભું થતું ટાળવા એમએમઆરડીએ દ્વારા રેલવેનો માર્ગ બદલવાનો ઉપાય સ્વીકારવામાં આવ્યો હતો.
જોકે સંબંધિત અધિકારીઓ કહે છે કે જમીનની નીચેનાં કેબલો અને પાઈપોની જાળને ઘ્યાન પર લેતા માર્ગ બદલવાનો જ વિકલ્પ હતો પણ આ કામ જે કંપનીને સોંપવામાં આવ્યું છે તેના અધિકારીએ જણાવ્યું હતું કે કસાબની સલામતી જ માર્ગ બદલવા માટેનું એકમાત્ર કારણ છે.
આ કારણે અંદાજે ૭૫૦ મીટરનું બાંધકામ વધશે. તેનો ખર્ચ રૂ. ૮૦ કરોડ જેટલો થશે. મોનો રેલવેના એક કિલોમીટર બાંધવાનો ખર્ચ અંદાજે રૂ.૧૩૦ કરોડ થાય છે. કસાબની સલામતી ખર્ચાળ બાબત બની રહી છે.
તેને અત્યાર સુધીના ૧૬ મહિના સુધી સલામતીના જડબેસલાક બંદોબસ્તમાં રાખવાનો ખર્ચ અંદાજે રૂ.૪૦ કરોડ રૂપિયાનો થયો છે. કસાબને છોડાવવા ત્રાસવાદીઓ ફરી હુમલો કરશે, એમ કહેવાય છે. ઇન્ટેલિજન્સ વિભાગને એવું લાગે છે કે કેટલાકોને બાનમાં લઈને અજમલ કસાબને છોડાવી લેવાની કોઈ યોજના ત્રાસવાદીઓ ઘડતા હોઈ શકે.
.










