ચીનથી દાહોદ આવેલા તબીબ વિદ્યાર્થીનું સ્વાઇન ફ્લૂથી મોત
અત્યાર સુધી સ્વાઇન ફ્લૂથી ૨૨નાં મોત
ચીનથી દાહોદ આવેલા તબીબ શાખાના વિદ્યાર્થીનું સ્વાઇન ફ્લૂથી આજે મોત થયું હતું. વડોદરામાં અત્યાર સુધીનો સ્વાઇન ફ્લૂનો મૃત્યુ આંક ૨૨ થયો છે.
મઘ્ય પ્રદેશના પારા ગામનો વતની ૨૫ વર્ષીય પ્રદીપ દ્વિવેદી ચીનમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતો હતો. ભારત આવેલો પ્રદિપ સગાના ઘરે દાહોદ આવ્યો હતો. ૩૦ જાન્યુઆરીએ તબીયત લથડતા તેને દાહોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
૨જી ફેબ્રુઆરીના રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ છેલ્લાં ત્રણ દિવસથી તેની હાલત વધુ ગંભીર થતાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં આજે વહેલી સવારે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જ્યારે આજે શહેરમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવનો વધુ એક દર્દી નોંધાયો હતો. જે અંતર્ગત ૫૬ વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સયાજી હોસ્પિટલના મેડિકલ નર્સિંગ હોમ ખાતે દાખલ કરવામાં આવ્યો હતાં.










