Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Tuesday, Feb 9th, 2010, 2:41 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarમીઠાખળી પાસે ૫.૫૦ લાખની લૂંટ

Bhaskar News, Ahmedabad

પોલીસના પેટ્રોલિંગ, નાકાબંધી, વાહનચેકિંગ છતાં સોમવારે લૂંટનો સતત ત્રીજો બનાવ

એચડીએફસી બેન્કમાંથી પૈસા લઈને આવી રહેલા કર્મચારીઓનો થેલો ઝૂંટવી બાઈકર્સ ફરાર, બેન્ક પાસે વિશેષ બંદોબસ્ત ગોઠવવાનો પોલીસનો દાવો પોકળ સાબિત થયો

સોમવાર, શહેરના વેપારીઆલમ માટે ફરી બ્લેક મન્ડે સાબિત થયો છે. છેલ્લા કેટલાક સમયથી સોમવારને ટાર્ગેટ કરીને ત્રાટકતા બાઈકર્સ ગેંગના લુટારુઓએ નવરંગપુરાની એચ ડી એફ સી બેંક નજીકથી ફિલ્મીઢબે ખાનગી કંપનીના બે કર્મચારીઓ પાસેથી રૂ. ૫.૫૦ લાખ લૂંટી લીધા હતા અને સમગ્ર શહેરમાં પથરાયેલા પોલીસ નાકાબંધીના નેટવર્કને ભેદીને પલાયન થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે લુટારુઓને ઝડપી પાડવા યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધર્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અગાઉ થયેલી બે લૂંટ સોમવારે જ થઈ હતી.

મણિનગરની ઉત્તમનગર સોસાયટીમાં રહેતાં અને મીઠાખળી છ રસ્તા પરની અભિમન્યુ બિલ્ડિંગમાં આવેલી સીટીએ લોજિસ્ટિકસ કંપનીમાં કલાર્ક તરીકે કામ કરતાં ગિરીશ માણેકલાલ દવે (૫૪) અને ઓફિસનો બીજો કર્મચારી અવનેશ તિવારી રૂ. ૫.૫૦ લાખનો ચેક વટાવવા બાઈક પર મીઠાખળી પાસેની એચ ડી એફ સી બેંકમાં આવ્યા હતા.

અવનેશ અને ગિરીશભાઈએ ચેક વટાવ્યો હતો અને રોકડ રકમ કેસરી અને કાળા રંગના થેલામાં મૂકીને બેંકની બહાર આવ્યા હતા. અવનેશે બાઈક ચાલુ કર્યું હતું અને ગિરીશભાઈ, થેલાને બંને પગની વચ્ચે મૂકીને બાઈકપાછળ બેઠા હતા. હજી તેઓ માંડ મીઠાખળી છ રસ્તા સુધી પહોંચ્યા હતા ત્યાં બાઈક પર સવાર બે લુટારુઓ રોંગસાઈડ પર સામેથી કાળા રંગની યામાહા બાઈક પર ધસી આવ્યા હતા અને જમણી બાજુ વળવા માટે હાથ બતાવી રહેલા ગિરીશભાઈના ડાબા હાથમાંથી રોકડ રકમ ભરેલો થેલો ઝૂંટવીને નવરંગપુરા બસસ્ટેન્ડ તરફ હંકારી ગયા હતા.

અચાનક થયેલી લૂંટથી ડઘાઈ ગયેલા ગિરીશભાઈ અને અવનેશ તિવારીએ તુરત જ લુટારુઓનો પીછો કર્યો હતો પરંતુ પૂરપાટ બાઈક હંકારી રહેલા લુટારુઓ આંખના પલકારામાં ગાયબ થઈ ગયા હતા. ગિરીશભાઈએ આ અંગે જાણ કરતા કંપનીના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

સાથે જ બનાવની માહિતી મળતા નવરંગપુરા પોલીસમથકના પી આઈ પી. એમ. પરમાર અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવી ગયા હતા. લુટારુઓને પકડવા માટે શહેરભરમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યો હતો પરંતુ લુટારૂ પકડાયા નહોતા.

નવરંગપુરા પોલીસમથકના પી આઈ પી. એમ. પરમારે જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચની મદદથી તેઓ ફરિયાદી ગિરીશભાઈ અને અવનેશ તિવારીની પૂછપરછ કરીને બનાવ ખરેખર બન્યો છે કે નહીં તે બાબતે પણ તપાસ કરી રહ્યા છે. ઉપરાંત બેંકના સીસી ટીવી ફૂટેજ મેળવીને તેઓ બેંકની અંદર કોઈ લુટારુ ગિરીશભાઈ અને અવનેશ પર નજર રાખી રહ્યો હોય તો તેની પણ તસવીર પોલીસ ચકાસી રહી છે.

પોલીસે હેલ્મેટ ઉતરાવીને લોકોને ચેક કર્યા..!

લૂંટના બનાવ બાદ શહેરભરમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું હતું. લગભગ દરેક ચાર રસ્તે તહેનાત પોલીસના માણસો બાઈકચાલકોને હેલ્મેટ ઉતરાવીને ચેક કરતા હતા. જેના કારણે ઘણી જગ્યાએ વાહનચાલકો અને પોલીસ વરચે જીભાજોડીના દ્રશ્યો પણ સર્જાયાં હતાં.

મોઢા પર સફેદ રૂમાલ અને જીન્સ પેન્ટ લુટારુઓનો ખાસ ગેટઅપ..!

ગિરીશભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, લુટારુઓએ મોઢા પર સફેદ રૂમાલ બાંઘ્યા હતા. બાઈકચાલકે ચેક્સવાળું શર્ટ અને જીન્સનું પેન્ટ પહેર્યાં હતા. બંને લુટારુઓ ૨૮થી ૩૦ વર્ષના હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના બાઈકર્સ ગેંગના લુટારૂઓ મોઢા પર સફેદ રૂમાલ અને જીન્સનું પેન્ટ પહેરે છે.

તાજેતરમાં સોમવારે થયેલી લૂંટ

-૧૮ જાન્યુએ ઇકસમટેકસ પાસેથી સમી સાંજે આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ અને રૂ. ૨૮ લાખની લૂંટ -૧લી ફેબ્રુઆરીએ ખોખરામાં પેટ્રોલપંપની કેશિયરની ગોળી મારી હત્યા કર્યા બાદ રૂ. ૩.૫૦ લાખની લૂંટ -૧લી ફેબ્રુએ કાર, બાઈક, રોકડ લૂંટની કુલ ચાર ઘટના

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: