‘લાવા ટ્યૂબ’ શોધાતાં ચંદ્ર પર વસવાટ શક્ય
ઇસરોના વૈજ્ઞાનિકોની ટીમે કરેલી શોધ
જાપાની વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન કરતાં ભારતને વધુ સફળતા મળી
શાહરૂખ ખાનની એક ચાહકે તેના માટે ચંદ્ર પર એક પ્લોટ બુક કરાવ્યો છે, તો ચાંદનો એક ટુકડો માયાવતીના નામે પણ થઇ ગયો હોવાના સમાચારો વારંવાર જોવા મળે છે. પરંતુ રાત-દિવસ મહેનત કરીને વૈજ્ઞાનિક સંશોધનો કરતાં વિજ્ઞાનીઓએ હવે ખરેખરમાં ચંદ્ર પર વસવાટ કરી શકવાની ઐતિહાસિક શક્યતાઓ શોધી કાઢી છે.
ભારતના પ્રથમ મૂન મિશન ચંદ્રયાન-૧ના ડેટા અને ઇમેજ પરથી થઇ રહેલા અઘ્યયન અને સંશોધનો કરતાં ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના વિજ્ઞાનીઓની એક ટીમે ચંદ્ર પર ‘હ્યુમન સેટલમેન્ટ’ થઇ શકે તેવી ‘લાવા ટ્યૂબ’ શોધી કાઢી છે. આ વૈજ્ઞાનિકોનું માનવું છે કે કુદરતી રીતે બનેલી આ લાવાની ટયૂબ ચંદ્ર પર માનવીય વસવાટ માટે ‘છત’નું કામ કરી શકે છે.
જો કે હાલ આ સમગ્ર પ્રોજેક્ટ પ્રયોગના સ્તરે હાથ ધરાયો છે. પરંતુ તેના નિષ્કર્ષ સમગ્ર માનવજગત માટે અવિસ્મરણીય દેન સાબિત થઇ શકે છે. આ અગત્યની ખોજ સાથે જોડાયેલા સેકના વૈજ્ઞાનિક એ.એસ. આર્યાએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે,‘ચંદ્રયાન-૧ના ટરાઇન મેપિંગ કેમેરા (ટીએમસી) દ્વારા લેવામાં આવેલી ઉચ્ચ ગુણવત્તાવાળી થ્રી ડાઇમેન્શનલ તસવીરો પરથી આ સંશોધન શક્ય બન્યું છે.
આ તસવીરમાં એક સર્પાકાર ખુલ્લી ટનલ સ્પષ્ટ રીતે જોવા મળે છે. જો કે આ લાંબી અને ખુલ્લી ટનલની વચ્ચેનો લગભગ ૨.૫ કિમીનો એક ભાગ ઢંકાયેલો છે. જે કુદરતી વિસ્ફોટો દરમિયાન ભેગા થયેલા લાવાના લીધે ઢંકાઇ ગયો હોવાનું જણાય છે. ઉપરથી બંધ થઇ ગયેલો આ ભાગ નીચેથી ટનલ અથવા તો ટયૂબ જેવો છે, જે ચંદ્ર પર વસવાટ કરવા માટેનું એક ‘સુરક્ષિત વાતાવરણ’ પૂરું પાડે છે. કોઇ પણ પ્રકારના વિસ્ફોટો કે અન્ય હોનારત દરમિયાન આ લાવા ટ્યૂબ રક્ષણ આપી શકે છે.’
ચંદ્ર પર પાણીની ખોજની જેટલી રોમાંચિત કરનારી આ શોધ વિશે વધુમાં જણાવતાં આર્યાએ કહ્યું હતું કે,‘જાપાની વૈજ્ઞાનિકોએ પણ આ પ્રકારની લાવા ટયૂબ શોધી કાઢી છે. પરંતુ તે વર્ટિકલ ટ્યૂબ હોવાથી તેમાં રહેવું કે સ્પેસ વ્હીકલની અવર-જવર ત્યાં શક્ય ન થઇ શકે. જ્યારે આપણે શોધેલી ટયૂબ હોરિઝોન્ટલ એટલે કે આડી છે. જેથી તેમાં માણસ રહી પણ શકે અને સ્પેસ વ્હીલક સરળતાથી આવી અને જઇ શકે છે. ભવિષ્યમાં આ સ્થળે ‘સાયન્ટિસ્ટ કોમ્યુનિટી માટે સેન્ટર ઊભું કરી શકાય તેવી સંભાવનાઓ પણ દેખાય છે.’
ચંદ્રયાન -૨માં જોડાવા ૧૮ વિદેશી પ્રસ્તાવો મળ્યા
ભારત ‘ચંદ્રયાન-૨’ દ્વારા એક પરિપકવ મિશનની તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે તેની સાથે જોડાવા દુનિયા તૈયાર થઇ ગઇ છે! ઇસરોના ભૂતપૂર્વ વડા જી. માધવને જણાવ્યું હતું કે ‘ભારત ૨૦૧૩ સુધીમાં ચંદ્રયાન-૨નું સફળ લોન્ચિંગ કરવાની તૈયારીઓમાં લાગ્યું છે. જયારે તેમાં જોડાવા ૧૮ વિદેશી સંસ્થાઓના પ્રસ્તાવો આવ્યા છે, જેમાં નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી જેવી નામાંકિત સંસ્થાઓ પણ સામેલ છે. તે સિવાય ૧૨ પ્રસ્તાવો ભારતીય સંસ્થાઓ તરફથી પણ મળ્યા છે.’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,‘ચંદ્ર પર પાણીની શોધ તો ચંદ્રયાન -૧ દ્વારા કરાઇ. પરંતુ આ પાણી ધરતી પર લાવવું શકય બન્યું નથી. કેમ કે સ્પેસ ક્ષેત્રે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ખૂબ ઊંચી છે.’ ઇસરોના ભૂતપૂર્વ વડા કે. કસ્તુરીરંગને જણાવ્યું હતું કે,‘ચંદ્રની સાથે સાથે મંગળ પરના સંશોધનો કરવા ભારત ૨૦૧૫ સુધીમાં ‘માર્સ મિશન’ લોન્ચ કરશે. તે ઉપરાંત ‘પૃથ્વી જેવા ગ્રહો’ શોધવા માટે ગ્રાઉન્ડ બેઝ સંશોધનો માટે રેડિયોલોજિકલ ટેલિસ્કોપ ક્ષેત્રે વધુ કામ કરવું પડશે. અત્યારે બેથી ત્રણ ગ્રહો પૃથ્વી જેવા હોવાનું જાણવા મળે છે.’ આ સાયન્ટિફિક મિટિંગમાં ‘વોટર ઓન મુન’, ‘ન્યૂ ક્રેચર્સ ઓન મુન’, ‘ધી અધર સાઇડ ઓફ મુન’ વિગેરે પર સંશોધકો ચર્ચા કરી રહ્યા છે.
....તો ચંદ્રયાનનું નામ ‘સોમાયાન’ હોત!
ચંદ્રયાન-૧ સાથે જોડાયેલી ઘટનાઓ જણાવતાં કે. કસ્તુરીરંગને કહ્યું હતું કે,‘ભારતના પ્રથમ મુન મિશન એક સમગ્ર પ્રોજેકટ તરીકે ડો. મનમોહનસિંઘ પાસે મોકલાયું ત્યારે તેનું નામ ‘સોમાયાન’ રખાયું હતું. મનમોહનસિંઘને આ નામ જરાક ઓછું પસંદ આવ્યું. તેથી તેમણે કહ્યું કે આપણી સંસ્કૃત ભાષામાં ‘ચંદ્રયાન’ નામનો શબ્દ છે, તેનો ઉપયોગ કેમ નથી કરતા? બસ, આમ ‘સોમાયાન’ નહીં ‘ચંદ્રયાન’ પ્રથમ મુન મિશન બન્યું.’
ચંદ્રયાન-૨ દ્વારા એક રોબો ‘લાવા ટ્યૂબ’ નજીક ઉતારીશું
ઇસરોના વૈજ્ઞાનિકોની આ મહત્ત્વની શોધ આર.આર. નવલગુંડ, એ.એસ. કિરણકુમાર જેવા નામાંકિત વૈજ્ઞાનિકોના માર્ગદર્શનમાં થઇ રહી છે. અલબત્ત, હજુ વધુ તારણો મેળવવાના બાકી હોવાથી ચંદ્રયાન-૨ દ્વારા એક રોવર (રોબો) આ લાવા ટયૂબની જોડે ઉતારવાના પ્રયત્ન કરાશે.











