એપીપીની યાદી કટ ઓફ માકર્સ વિના તૈયાર કરવાના હુકમ સામે સ્ટે
રાજ્યની કોર્ટોમાં મદદનીશ સરકારી વકીલોની નિમણૂકનો વિવાદ
હાઈકોટર્ના હુકમ સામે સુપ્રીમ કોટર્ની રોક
રાજ્યમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ (મદદનીશ સરકારી વકીલ)ની અંતિમ પસંદગી યાદી કટ ઓફ માર્કસ વિના તૈયાર કરવા અંગેના હાઇકોટર્ના હુકમ સામે સુપ્રીમ કોર્ટે સોમવારે મનાઇહુકમ ફરમાવ્યો છે. સુપ્રીમ કોટર્ના ચીફ જસ્ટિસ કે.એસ. બાલાક્રિશ્નન, જસ્ટિસ લોઢા અને જસ્ટિસ દીપક વર્માની બેંચે જીપીએસસી અને સંબંધિત ઉમેદવારો વિનય દશરથલાલ મોઢ તથા અન્યો વિરુદ્ધ કારણદર્શક નોટિસો જારી કરી, વધુ સુનાવણી ત્રણ સપ્તાહ પછી મુકરર કરી છે.
નીચલી કોર્ટોમાં એપીપી તરીકે નિમણૂક પામનારા વિજય બારોટ સહિત ૧૦૨ વધારાના સરકારી વકીલો તરફથી સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરાઈ હતી. અરજદારો તરફથી એડ્વોકેટ શાર્વીલ પી. મજમુદારે રજૂઆત કરી હતી કે લેખિત પરીક્ષામાં ૧૦૫ માર્ક ફરજિયાત હતા. તા.૨૭-૪-૦૯થી તા.૯-૫-૦૯ દરમિયાન ઓરલ ઇન્ટરવ્યૂ લેવાના હતા પરંતુ તે પહેલાં તા.૨૪-૪-૦૯એ જીપીએસસીએ નોટિસ મારફતે ઉમેદવારોને એવી જાણ કરી હતી કે, ઓરલ ઇન્ટરવ્યૂમાં ૩૦માંથી ૧૦ માર્કસ મેળવવા ફરજિયાત છે.
બાદમાં જીપીએસસીએ કોર્ટોમાં ફોજદારી કેસો ચલાવવા માટે એપીપીની ભરતી માટે અંતિમ પંસદગી યાદી તૈયાર કરી હતી. પરંતુ કેટલાક નારાજ ઉમેદવારોએ આ યાદીને જુદી જુદી રિટ મારફતે પડકારી હતી. જો કે, જસ્ટિસ એમ.આર. શાહે આ તમામ રિટઅરજીઓ ફગાવી દીધી હતી.
સિંગલ જજના હુકમથી નારાજ વિનય દશરથલાલ મોઢ તથા અન્યોએ લેટર્સ પેટન્ટ અપીલ કરી હતી. જેમાં જસ્ટિસ ભગવતીપ્રસાદ અને જસ્ટિસ બંકિમ એન.મહેતાની ખંડપીઠે કટ ઓફ માર્કસ ઘ્યાનમાં લીધા વિના એપીપીની અંતિમ પસંદગી યાદી તૈયાર કરવા હુકમ કર્યો હતો. જેની સામે સુપ્રીમ કોટર્માં થયેલી પિટિશનમાં અરજદારો વતી એવી રજૂઆત કરાઈ હતી કે, અરજદારો પસંદગીયાદીમાં તેઓ સમાવેશ ના પામ્યા એટલે ભરતીપ્રક્રિયામાં અડચણરૂપ રિટ કરી હતી જે વાજબી બાબત ન કહી શકાય.










