ગોધરામાં ૩૯૪ દબાણકર્તાને નોટિસ
સિટી સર્વેની કામગીરીથી સ્મશાન રોડ તરફ રહેતાં પરિવારજનોમાં ચિંતા સાથે ફફડાટ કલેકટર સમક્ષ રજૂઆત સાથે ખરાબાની જગ્યામાં જમીન ફાળવવા માંગ
ભાસ્કર ન્યૂઝ. ગોધરા ગોધરા શહેરના સ્મશાન રોડ તરફના વિવિધ વિસ્તારોમાં રહેતા ૩૯૪ સહિતનાઓને દબાણ દુર કરવાની નોટિસ આપવામાં આવતા તેઓમાં ગભરાટ ફેલાયો છે. સિટી સર્વે કચેરી દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીને પગલે અહીના રહીશોએ એકત્રિત થઇ કલેકટરને આ મામલે રજુઆત કરી યોગ્ય કરવા માગ કરી હતી. ગોધરા શહેરનાં સ્મશાન રોડ પાસેનાં મારવાડીવાસ, રોહીતવાસ સહિતનાં વિસ્તારોમાં લાંબા સમયથી અનેક પરિવારજનો કાચા તેમજ પાકા મકાનોમાં વસવાટ કરે છે.
જેને અનુલક્ષીને આ પૈકીના કેટલાક નગર પાલિકામાં જરુરી વેરા ભરતા રહે છે. વળી સીટ નંબર ૩ થી ૬ના પૂર્વ વિભાગનાં સીટીસર્વે નંબર ૪૭૨ પૈકી અને ગોધરા કસ્બાના રેવન્યુ સર્વે નંબર ૨૯૧(ક) સરકારી પડતર તથા ખરાબાની જમીનમાં સરકારી ધારાધોરણ અનુસાર ૧૯૯૦થી જમીનની માંગણી કરતા આવ્યા છે. તાજેતરમાં આ વિસ્તારનાં મઘ્યમ તથા ગરીબ વર્ગના ૩૯૪ ઉપરાંત પરિવારોને તેઓ દ્વારા સ્મશાન રોડ તરફ બાંધવામાં આવેલા કાચા તેમજ પાકા મકાન દુર કરી આવી જમીન આગામી ટુંકા સમયમાં ખાલી કરી દેવા સીટી સર્વે કચેરી દ્વારા નોટીસ આપવામા આવી છે.
નોટીસની કાર્યવાહીને પગલે આ વિસ્તારના આ રહીશોમાં ગભરાહટ સાથે ચિંતા પ્રવર્તિ છે. જોકે તાજેતરમાં આ પૈકીના મોટાભાગનાએ ભેગા થઇ સફાઇ મજદુર સંઘ મારફતે કલેકટરને રજૂઆત કરતા એમ પણ જણાવ્યુ હતુ કે, ૨૫ વર્ષ જેટલા સમયગાળાથી તેઓ અહીં વસવાટ કરી રહ્યા છે. અન્ય કોઇ સ્થળે મકાન માટે પણ તેઓ પાસે જમીન ન હોવાથી વૈકલ્પીક વ્યવસ્થાના ભાગરુપ ઘરથાળની જમીન ફાળવવા માટે માંગણી કરી હતી.
જોકે સીટી સર્વે કચેરી દ્વારા આ વિસ્તારના રહીશોને અગાઉ પણ આ પ્રકારે નોટીસો આપવામાં આવી હતી. દરમિયાન કેટલાકે જરુરી સોગંદનામા સાથે તંત્રને રજુઆત કરી તેઓને અહીંથી અન્યત્ર ખસેડવામાં ન આવે તેવી માગ પણ કરી હતી. દરમિયાન હાલ પુરતુ સીટી સર્વે કચેરી દ્વારા આ રહીશોને નોટીસો આપવામાં આવતા ભારે ફફડાટ ફેલાયો છે.
મકાનના પ્રશ્ને હાલ ભારે ચિંતા
ગોધરા શહેરના મારવાડીવાસ, ભરવાડવાસ તેમજ સ્મશાન રોડ તરફનાં આ રહીશોમાં તેઓનાં મકાનના પ્રશ્ને હાલ ભારે ચિંતા વ્યાપી છે. તેમ કહેતા આ વિસ્તારનાં પાલિકા સભ્ય જયેશ ચૌહાણે ઉમેર્યુ હતુ કે, અમે ભેગા મળીને કલેક્ટર મિલિન્દ તોરવણેને તાજેતરમાં આ અંગેની રજૂઆત કરી છે. કલેકટરે અમને વ્યકિતગત પણે અરજી આપવા જણાવવા ઉપરાંત જરુરી તપાસ બાદ આ પશ્નના નિરાકરણ અંગેની ખાત્રી પણ આપી છે. આ બાબતથી વિવિધ વિસ્તારના રહિશોમાં ફફડાટ ફેલાયેલો છે ત્યારે આગામી દિવસોમાં તેનું શુ નિરાકરણ આવેછે તેની ઉપર સૌની મીટ મંડાયેલી છે.












