શહેરની હજારો સોસાયટીઓને હવે પાલિકા પ્રાથમિક સુવિધા આપશે
આઇસીનાં નાણાં લેવાનાં બાકી હોય તેવી હજારો સોસાયટીઓના કિસ્સાઓમાં રૂ. ૨૦૦૦ કરોડની આવક થવાની શક્યતા
શહેરની હજારો સોસાયટી કે જે પ્રાથમિક સુવિધાથી વંચિત છે, તેવી સોસાયટીઓને મૂળભૂત સવલત આપવા અને આઇસી(ઇન્ક્રીમેન્ટલ ચાર્જ)નાં નાણાંની વસૂલાત કરવા માટે કમિશનર દ્વારા નવી નીતિ સ્થાયી સમિતિ સમક્ષ મોકલી આપવામાં આવી છે. હજારો સોસાયટીઓને હવે મહાપાલિકાની સવલત મળે તે દિવસો ઝાઝા દૂર નથી. આઇસીનાં નાણાં કેવી રીતે અને કોની પાસે વસૂલાત કરવી તે માટે કમિશનર દ્વારા ઘડવામાં આવેલી નવી નિતી પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવશે.
સુરત શહેરમાં ડેવલોપરો દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા પ્રોજેકટ્સમાં ટીપી સ્કીમ ફાયનલ થવાની બાકી હોય અને આઇસી નાં નાણાં લેવાનાં બાકી હોય તેવી હજારો સોસાયટીઓના કિસ્સાઓમાં મહાપાલિકા વસૂલાત કરેતો રૂ. ૨૦૦૦ કરોડની આવક થવાની શકયતા સ્થાયી સમિતિ ચેરમેન મુકેશ દલાલ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
આ મામલે આજે કમિશનર, મેયર, વચ્ચે સંકલનમાં ચર્ચા છેડાઈ હતી. બિલ્ડરો દ્વારા એક વખત પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યા બાદ મહાપાલિકા દ્વારા જે રીતે પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ જે સ્થળે આવ્યો હોય તેની ટીપી સ્કીમ મંજૂર થયા બાદ ડેવલપિંગ ચાર્જ તરીકે વસૂલ કરવામાં આવતો આઇસીનો ચાર્જ ડેવલપર કે તેને ખરીદનાર મૂળ મિલકતદારને બદલે આ ચાર્જ વર્ષોપછી અન્ય કોઈ મિલકતદાર પાસેથી જ વસૂલ કરવામાં આવે છે. જે બિલ્ડર પાસેથી મિલકત ખરીદનાર મૂળ માલિક સિવાય અન્ય કોઈ જ માલિક હોય છે.
પેચીદા બનેલા આઇસીનાં નાણાંની વસૂલાતના કિસ્સામાં મહાપાલિકા સત્તાધીશો વરચે સોમવારે મહત્ત્વપૂર્ણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. સુરત શહેરમાં એવી હજારો સોસાયટીઓ છે કે જેને પાણી, ગટર, માર્ગની મૂળભૂત સવલત આપવામાં આવી નથી. આવી સોસાયટીઓને પ્રાથમિક સવલત આપવા માટે અને હજારો સોસાયટીઓ પાસે આઇસીનાં નાણાં વસૂલવા માટે સોમવારે પાલિકા પરિસરમાં મળેલી મિટિંગ મહત્ત્વપૂર્ણ બની હતી.
નાણાં વસૂલાત માટે વિવિધ પાસાંની છણાવટ થઈ રહી છે
મહાપાલિકામાં ચાર વર્ષ પૂર્વે આઇસીનાં નાણાંનો મુદ્દો ઊભો કરનાર સ્થાયી સમિતિ ચેરમેન મુકેશ દલાલે જણાવ્યું કે આઇસીનાં નાણાંની વસૂલાત કરવાના મામલે તેઓ વિવિધ પાસાંઓની છણાવટ કરી રહ્યાં છે (૧) તેમાં આઇસીનાં નાણાંની વસૂલાત શહેરીજનોના વેરાબીલમાંથી જ હપતા લઇને વસૂલાત કરી લેવી (૨) બિલ્ડરો દ્વારા પ્રોજેક્ટ નિર્માણ કરવામાં આવે ત્યારે જ એડ્વાન્સમાં આઇસીના ટેક્સની વસૂલાત કરી લેવી અને જયાં સુધી ટીપી ફાયનલ થાય નહીં ત્યા સુધી ડેવલોપરની ડિપોઝિટ જમા કરાવી લેવી (૩) જેતે સોસાયટી પાસે આઇસીનાં નાણાં બાકી હોય તેવા કિસ્સાઓમાં તેના પ્રમુખ પાસેથી બાંયધરીપત્રક લઈ લેવા જેવાં પાસાંઓમાં છણાવટ કરવામાં આવી રહી છે.










