હૈયાની વાત છપાશે પાંખડી પર
વેલન્ટાઇન્સ ડે ઉપર તમને કોઇ ફૂલો મોકલે અને તેની પાંખડી ઉપર તમારો ફોટો છપાયેલો હોય તો? તમને કદાચ આશ્ચર્ય થાય પરંતુ આ શકય છે. સુરતની જ એક કંપની ફૂલો ઉપર ફોટો, નામ અને સ્પેશિયલ મેસેજ ખાસ પ્રકારની ટેકનોલોજીની મદદથી ચિતરી આપે છે અને તે પણ માત્ર ૧૦ રૂપિયામાં!
‘અગાઉ ટોપી, ટીશર્ટ, મગ અને કેન્ડલ ઉપર નામ, ફોટો અને અન્ય મેસેજ છાપી આપવાની ટેકનોલોજી હતી પરંતુ હવે સાચાં ફૂલો ઉપર પણ આ બધું શકય છે. તમારા નખ ઉપર પણ તે કરી શકાય છે. અને આ બધુ હાલ ફકત સુરતમાં જ કરી શકાય છે,’ તેમ કંપનીના ડિરેકટર નીલેશ પટેલ કહે છે.
તેમનું કહેવું છે કે ફૂલો ઉપર પ્રિન્ટિંગ કરવા માટે ખાસ પ્રકારના પ્રિન્ટરનો ઉપયોગ કરાય છે. ફૂલને એક સ્ટેન્ડ ઉપર ફિટ કરીને પ્રિન્ટરમાં મુકાય છે અને કમ્પ્યૂટરની મદદથી ફોટો, નામ અને મેસેજ તેની ઉપર છાપવામાં આવે છે.
પટેલ કહે છે કે આ પ્રકારના પ્રિન્ટિંગ માટે માંડ થોડીક મિનિટોનો સમય જાય છે પરંતુ ફૂલો ઉપર છપાયેલી બાબતો જયાં સુધી ફૂલ હયાત રહે ત્યાં સુધી રહે છે અને સહેલાઈથી નીકળી જતી નથી. આ પ્રિન્ટિંગ કરાવવાની કિંમત પણ માત્ર રૂ. ૧૦ જેટલી જ પડે છે.‘આ પ્રકારનું કામ કોઇપણ ફૂલ ઉપર કરી શકાય છે પરંતુ ખાસ કરીને ગુલાબ અને ટયૂલિપનાં ફૂલો ઉપર જ લોકો વધુ કરાવે છે,’ તેમ પટેલ કહે છે. તેમણે કહ્યું હતું કે હાલ આ ટેકનોલોજી સુરતમાં જ ઉપલ્બ્ધ છે પરંતુ વર્ષ ૨૦૧૦ના અંત સુધીમાં આખા દેશમાં ફેલાવવા માગે છે.











