સુરત શહેરનું ડિજિટલ મેપિંગ શરૂ કરાયું
- એક બ્લોકમાં સાતસોની વસ્તી પ્રમાણે વહેંચણી કરવામાં આવી
- ચાર હજાર બ્લોકની વહેંચણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી
સુરત શહેરનું આઠ હજાર બ્લોકમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તેમાં ૧૫૦ જેટલી સોસાયટીઓ અને છસોથી સાતસો જેટલી વ્યકિત હોય તેવા કિસ્સાઓમાં એક બ્લોકમાં આવરી લેવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં દેશનાં તમામ શહેરોનું થનાર ડિજિટલ મેપિંગ અને વસ્તી ગણતરી અંતર્ગત આ કામગીરી શરૂ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. સુરત શહેરના ચાર હજાર બ્લોકની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાની વિગત જાણવા મળી છે.
ડિસેમ્બર માસથી સુરત શહેરની બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી સુરત મહાપાલિકાના ૧૬૦ જેટલા સ્ટાફને સોંપવામાં આવી છે, આ કામગીરી ઇલેક્શન અને સેન્સેકસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે તમામ સોસાયટીઓ અને તેમાં રહેલાં ઘરોને નંબરો આપવામાં આવી રહ્યાં છે. એપ્રિલ માસથી શરૂ થનાર વસ્તી ગણતરીના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહી હોવાની વિગત જાણવા મળી છે. તેમાં એપ્રિલ માસમાં વસ્તી ગણતરીમાં જોતરાનાર ગણતરીદારોને બ્લોક પ્રમાણે કામગીરીની વહેંચણી કરાઇ છે.
સુરતના ડિજિટલ મેપિંગને પણ ઘ્યાનમાં રાખીને કામગીરી શરૂ કરવામાં આવી : શહેરનું બ્લોકમાં વર્ગીકરણ કરવાની શરૂ થયેલી કામગીરીમાં ડિજિટલ મેપિંગને પણ ઘ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા કાર્યરત કરવામાં આવેલા સરવેયરોને સોસાયટી અને જે તે વિસ્તારોના મહોલ્લા, ગલીઓ, સોસાયટીઓના લોકેશન સ્કેલમાં લેવામાં આવી રહ્યાં છે. આવતા દિવસોમાં દેશનાં તમામ સ્થળો પર થનારા ડિજિટલ મેપિંગને પણ ઘ્યાનમાં લેવામાં આવી રહ્યાં છે. મહાપાલિકા દ્વારા આ બાબતને ઘ્યાનમાં રાખીને તમામ કામગીરી કરાઇ રહી છે.
નિષ્ક્રિયતા દાખવનાર સોળ સરવેયરોને નોટિસ ફટકારાઇ : સુરત મહાપાલિકા દ્વાર શરૂ કરવામાં આવેલી બ્લોક ગણતરીની કામગીરીમાં નિષ્ક્રિયતા દાખવનારા ૧૬ જેટલા ટેક્નિકલ આસિસ્ટન્ટ અને જુનિયર ઇજનેરોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આસિસ્ટન્ટ કમિશનર સી.વાય. ભટ્ટના આ આક્રમક વલણને કારણે સરવેયરોમાં સોપો પડી ગયો છે.
સુરતમાં સૌથી ઝડપી બ્લોક વર્ગીકરણ કરાશે
આ મામલે સમગ્ર ગુજરાતમાં સુરત મહાપાલિકા દ્વારા સૌથી ઝડપથી બ્લોક વર્ગીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ફેબ્રુઆરી માસમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. - ડી.એલ. શાહ, ઇલેક્શન એન્ડ સેન્સેક્સ વિભાગના વડા, પાલિકા











