બદનક્ષીના કેસમાં કુલપતિ કોર્ટમાં હાજર
કુલપતિ પ્રજાપતિએ એન્જિનિયરિંગનાં રિઝલ્ટ અરુણ મિસ્ત્રીને કારણે મોડાં આવ્યાં હોવાનું નિવેદન આપી તેને ગોટાળા માટે જવાબદાર ગણાવ્યા હતા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બાબુભાઈ પ્રજાપતિની સામે કોર્ટમાં થયેલી બદનક્ષીની ફરિયાદના પગલે ફસ્ર્ટકલાસ જયુડિશિયલ સેકન્ડ મેજિસ્ટ્રેટ શ્રીમતી વ્યાસે કુલપતિને સમન્સ બજાવતા શનિવારે તેમણે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થવું પડ્યું હતું. કોર્ટે કુલપતિ પ્રજાપતિને તેમની સામે થયેલી ફરિયાદના જરૂરી દસ્તાવેજો આપી તેમનો જવાબ માંગ્યો હતો અને વધુ સુનાવણી માટે ૬ઠ્ઠી માર્ચની તારીખ ફાળવી આપી હતી.
એપ્રિલ ૨૦૦૭માં એમ.એસસી.ના વિધાર્થીઓની માર્કશીટમાં ચેડાં કરી બોગસ એન્ટ્રીઓ પાડવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. તે સમયે યુનિવર્સિટીમાં ફિકસડ સેલેરી પર ફરજ બજાવતા સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર અને હાલના ફરિયાદી અરુણભાઈ મગનભાઈ મિસ્ત્રી શંકાના દાયરામાં આવી ગયા હતા. જેના કારણે તેઓએ જયુડિશિયલ કસ્ટડી ભોગવવાનો પણ વારો આવ્યો હતો.
આ ઘટના બાદ યુનિવર્સિટીની એકઝામિનેશન સિસ્ટિમની હાર્ડ ડિસ્ક ગાંધીનગર મોકલી અપાઈ હતી અને તેના પગલે રિઝલ્ટ માટેની આખી સિસ્ટિમ થોડા સમય માટે રફેદફે થઈ ગઈ હતી. આ સ્થિતિના પગલે ૨૦૦૭માં એન્જિનિયરિંગની પરીક્ષાનાં પરિણામો જાહેર કરવામાં ખૂબ વિલંબ થયો હતો અને તેમાં પણ અનેક છબરડા થયા હોવાનું કહેવાય છે. એન્જિનિયરિંગના પરિણામોમાં વિલંબના પગલે જે-તે સમયે ઇજનેરીના વિધાર્થીઓ રસ્તાઓ પર ઊતરી આવ્યાં હતાં.
જૂન ૨૦૦૮માં નિવેદન આપેલું
આ ઘટના સમયે યુનિવર્સિટીના કુલપતિ બાબુભાઈ પ્રજાપતિએ તા. ૧૩ જુન ૨૦૦૮માં એવું નિવેદન આપ્યું હતું કે આ છબરડાઓ માટે હાલના ફરિયાદી અરુણ મિસ્ત્રી જવાબદાર છે. જેના પગલે અરુણભાઈ મિસ્ત્રીએ હાલના વીસી બાબુભાઈ પ્રજાપતિ સામે બદનક્ષીની કોર્ટ ફરિયાદ કરી છે.
૧૮મી જૂન ૦૮ના રોજ કુલપતિને નોટિસ અપાઈ હતી
યુનિ.ના પૂર્વ સિસ્ટિમ એડમિનિસ્ટ્રેટર અરુણભાઈ મિસ્ત્રીએ પોતાના એડ્વોકેટ મીનેશ ધનસુખભાઈ ઝવેરી મારફતે તા. ૧૮મી જૂન-૦૮ના રોજ કુલપતિ પ્રજાપતિને નોટિસ મોકલાવી હતી અને બિનશરતી માફીની માગણી કરાઈ હતી પરંતુ તેનો જવાબ મળ્યો ન હતો.
તા. ૨-૮-૦૮ના રોજ કોર્ટમાં ફરિયાદ
આમ, કુલપતિ બાબુભાઈ પ્રજાપતિ સામે તા. ૨-૮-૦૯ના રોજ સેકન્ડ જેએમએફસી શ્રીમતી વ્યાસની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે સમન્સ કાઢ્યાં હતાં. હાલમાં આ સમન્સની બજવણી કુલપતિને થઈ જતાં તેઓ જાતે કોર્ટ સમક્ષ હાજર થયા હતા.










