જીડીપી ૭.૨ ટકા રહેવાનો સરકારનો અંદાજ
મંદીના મારથી બચવા માટે આપવામાં આવેલાં રાહત પેકેજો પાછાં ખેંચવાં જોઇએ કે નહીં તેવી વાટાઘાટો વચ્ચે સરકારે દેશનો જીડીપી ૭.૨ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મનમોહનસિંહ અને નાણાપ્રધાન પ્રણવ મુખરજી દ્વારા દેશનો વિકાસદર ૭.૫થી ૮ ટકાનો રહેશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો હતો તેના કરતાં આ અંદાજ નીચો છે.
આરબીઆઇ દ્વારા ફુગાવાને નાથવા માટે ચાવીરૂપ નીતિઓમાં ફેરફાર કરવાની શરૂઆત કરી તે દરમિયાન સરકાર દ્વારા જીડીપીનો અંદાજ ઘટાડવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૯-૧૦નો આ અંદાજ દેશના સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા કાઢવામાં આવ્યો છે, જોકે ઓર્ગેનાઇઝેશનનો રાષ્ટ્રીય આવકનો અંદાજ ગત વર્ષના ૬.૭ ટકા કરતાં વધારે છે.
દેશના કૃષિક્ષેત્રનો વિકાસ ઘટીને ૦.૨ ટકા થવાનો અંદાજ છે જ્યારે સર્વિસક્ષેત્રમાં સાધારણ વધારો નોંધાવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મેન્યુફેકચિંરગક્ષેત્રનો વિકાસ ધરખમ એટલે કે ૮.૯ ટકાના દરે થવાની શક્યતા રહેલી છે, જેના કારણે સરકારને રાહત પેકેજો તબક્કાવાર પાછાં ખેંચવામાં સરળતા રહેશે.
આયોજનપંચના ડેપ્યુટી ચેરમેન મોન્ટેકસિંહ આહલુવાલિયાએ જણાવ્યું હતું કે આપણે એમ કહી શકીએ કે રાહત પેકેજો સફળ રહ્યાં હતાં અને હવે આપણે તેમને તબક્કાવાર પાછાં ખેંચી લેવાં જોઇએ. ઉદ્યોગજગત દ્વારા રાહત પેકેજોને ચાલુ રાખવાની તીવ્ર માગ કરવામાં આવી હોવા છતાં પણ આહલુવાલિયાએ ઉપરોક્ત વિધાન કર્યું હતું.
ફિક્કીના સેક્રેટરી જનરલે જણાવ્યું હતું કે જો નાણાકીય નીતિ ચુસ્ત બનાવવાની સાથે રાહત પેકેજો પાછાં ખેંચવામાં આવશે તો તે અર્થતંત્ર અને રોજગારી માટે ખતરનાક સાબિત થશે. આ મુદ્દા અંગેનો જવાબ આપતાં નાણાસચિવ અશોક ચાવલાએ જણાવ્યું હતું કે ભાવિ નીતિઓ કેવી રહેશે તેની ચિંતા કર્યા વિના મને એમ લાગે છે કે તમારે બજેટ સુધી રાહ જોવી જોઇએ.
કૃષિક્ષેત્રનું ઉત્પાદન ૦.૨ ટકા સુધી ઘટશે
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન દેશના કેટલાક ભાગોમાં દુષ્કાળ તેમજ પૂરની મિશ્ર પરિસ્થિતિને કારણે ખરીફ પાક નબળો થવાને કારણે કૃષિઉત્પાદન ૦.૨ ટકા જેટલું ઘટવાની શક્યતા રહેલી છે. વર્ષ ૨૦૦૯-૧૦ના જીડીપીમાં કૃષિ અને મત્સ્યઉદ્યોગક્ષેત્રનું પ્રદાન ૦.૨ ટકા જેટલું ઘટવા પામશે.
માથાદીઠ સરેરાશ આવક વધીને રૂ. ૪૩,૭૪૯
નાણાકીયવર્ષ ૨૦૦૯-૧૦ દરમિયાન ભારતીય નાગરિકની સરેરાશ આવક રૂ. ૪૩,૭૪૯ થવાની શક્યતા છે જે ગત વર્ષના સમાન સમયગાળા કરતાં ૯ ટકા જેટલી વધારે હશે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૮-૦૯ દરમિયાન ભારતીયોની માથાદીઠ આવક રૂ. ૪૦,૧૪૧ હતી જે તેની અગાઉના વર્ષની સરખામણીએ ૧૩.૩ ટકા જેટલી વધવા પામી હતી.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન દેશનો વિકાસદર ૭.૨ ટકાનો રહેશે તેવા અહેવાલથી સંતોષ માનતાં આયોજનપંચના ડેપ્યુટી ચેરમેન મોન્ટેકસિંહ આહલુવાલિયાએ જણાવ્યું હતું કે સરકારે હવે રાહત પેકેજો તબક્કાવાર પાછાં ખેંચી લેવાં જોઇએ, તેમણે જણાવ્યું હતું કે આપણે એમ માની શકીએ કે રાહત પેકેજો સફળ રહ્યાં છે.










