એ પ્રેમ કરતી હતી કે નાટક ?
આજે પાર્થનું નામ એક સફળ બિઝનેસમેનની યાદીમાં આવે છે. પરંતુ એકાંતમાં આજે પણ પાર્થને એક પ્રશ્ન મુંઝવે છે જે વારંવાર તેના માનસપટને ઘેરી વળે છે. અને ધંધામાં લાખો કરોડોના નિર્ણયો પલકવારમાં લેતો પાર્થ આજે પણ એ નક્કી નથી કરી શકતો કે ભૂતકાળને દુ:ખદ ગણવો કે સુ:ખદ?
આ વાત છે આજથી સાત વર્ષ પહેલાની જ્યારે પાર્થ એશિયાટીક લાયન માટે પ્રખ્યાત વિસ્તાર ગીરમાંથી અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ માટે આવ્યો હતો. અને તેના એક મિત્ર સાથે રહેતો હતો. પાર્થ માટે અમદાવાદ નવું હતું અને અમદાવાદીઓ માટે પાર્થ.
આજે કોલેજમાં પાર્થનો પહેલો દીવસ હતો. પાર્થ સમયસર કોલેજે પહોંચી ગયો અને કોલેજ પરિસર અને આસપાસના લોકોને ઓળખવાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને જોઇ, પ્રોફેસરોને જોયા અને બધાને મળ્યો. કોલેજમાં પાર્થનો પહેલો દીવસ સરસ રહ્યો.
ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ આવેલો પાર્થ મોર્નિંગ કોલેજ બાદ દરરોજ લાયબ્રેરી જતો રહેતો હતો અને ત્યાં વિવિધ પ્રકારનું વાંચન કરતો હતો. આજે લાયબ્રેરીમાંથી ઘરે જતાં સમયે પાર્કિંગમાં તેણે કોલેજમાં સાથે અભ્યાસ કરતી અદીતીને જોઇ. અદીતીએ પણ પાર્થને જોયો અને બંનેએ એકબીજાના ખબર અંતર પુછ્યા. પછીતો બંનેનો આ દરરોજનો ક્રમ થઇ ગયો.
હવે અદીતી પાર્થ સાથે તેના ઘરના પ્રોબ્લેમ શેર કરતી હતી, તો ક્યારેક પાર્થ માટે ટીફીન લાવતી, તો ક્યારેક મીઠાઇ. તો વળી ક્યારેક તેના પપ્પાને રજા હોય ત્યારે કાર લઇને આવતી અને બંને લોંગ ડ્રાઇવમાં નિકળી પડતા. બંને વચ્ચે મીઠા ઝઘડાઓ પણ થતા. લાયબ્રેરીથી શરૂ થયેલો સબંધ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો અને કોલેજમાં પણ હવે બંનેના સબંધને લઇને વાતો થતી હતી.
પાર્થ જે પણ કહેતો ખુલીને કહેતો અને કોઇની શેહશરમ રાખ્યા વગર કહેતો. પાર્થની આંખોની ચમક કોઇને પણ આંજી નાખવા માટે અને અવાજની ખરજ કોઇને પણ મુગ્ધ કરવા માટે પુરતી હતી. પાર્થના વ્યકિતત્વમાં એક પ્રકારનું આકર્ષણ હતું.
તેનામાં એક સૈનિક જેવી શિસ્ત અને ચિત્તા જેવી ચપળતા હતી. આ ઉંમરે જ્યારે અન્ય વિદ્યાર્થીઓ શું કરવું અને શું નહીં તે બાબતે ગુંચવાતા હતા ત્યારે પાર્થ એકદમ ક્લિયર હતો કે તેણે અહીં રહીને બિઝનેસ કરવો છે. કોઇ જ્યારે તેને એમ પુછતું કે તો પછી અભ્યાસ શા માટે કરે છે ત્યારે તેનો એક જ જવાબ રહેતો અનુભવ માટે.
એક વખત કોલેજ નજીક આવેલી ચાની કીટલી પર મિત્રો તેમના પ્રેમપ્રસંગો અને શારીરિક સબંધોની ગૌરવપૂર્વક વર્ણવતા હતા ત્યારે એક મિત્રએ પાર્થને પણ પુછ્યું કે તું પણ તારો કોઇ અનુભવ શેર કરે. ત્યારે પાર્થે જવાબ આપ્યો હતો કે દરેક મિત્રતામાં પ્રેમનું તત્વ રહેલું હોય છે આથી તે ચર્ચા અસ્થાને છે.
હવે વાત શારીરિક સબંધોની તો મેં મારા શરીરની પવિત્રતા જાળવી રાખવાનું નક્કી કર્યું છે. લગ્નની પહેલી રાત્રે હું મારુ પવિત્ર શરીર મારી પત્નીને ભેટ આપીશ કે જેનાથી વધુ કિંમતી ભેટ કોઇ ન હોઇ શકે. પાર્થના આ જવાબે મિત્રોને પણ વિચારતા કરી દીધા હતા.
હવે પાર્થને અમદાવાદમાં આવ્યે દોઢ વર્ષ જેવો સમય વિતી ગયો હતો. અને મળતાવળો સ્વભાવ ધરાવતા પાર્થે કોલેજ અંદર અને બહાર સારુ એવું મિત્ર વતૃળ બનાવી લીધું હતું. કોલેજમાં વાણી, વર્તન અને વિવેક દ્વારા પાર્થે અન્ય વિદ્યાર્થીઓથી માંડીને પ્રોફેસરના દીલ જીતી લીધા હતા. પરંતુ છોકરીઓમાં અદીતી સિવાય પાર્થને કોઇની સાથે સબંધો નહોતા. અદીતીને પાર્થ ખાનગીમાં આત્મસખી તરીકે ઓળખાવતો હતો જે સાંભળીને તે છણકો કરતી હતી.
દોઢ વર્ષના સબંધે પાર્થને પણ હવે લાગવા માંડ્યું હતું કે જીવનસાથી તરીકે અદીતી યોગ્ય પાત્ર રહેશે. અદીતી જ્યારે કોલેજે ન આવે ત્યારે હવે પાર્થને પણ તેની ગેરહાજરી સાલતી હતી. હવે ફાઇનલ એક્ઝામ પછી છુટા પડવાની વાતે પાર્થ વ્યાકુળ થઇ જતો હતો. પાર્થને હતું કે અદીતી પહેલા પ્રપોઝ કરશે પરંતુ એવું કંઇ થયું નહીં. ફાઇનલ એક્ઝામની તૈયારી કરતા હવે પાર્થનું ધ્યાન અદીતીના વિચારોમાં વધુ રહેતું હતું.
આજે તો હવે ફાઇનલ એક્ઝામનું છેલ્લું પેપર હતું પાર્થે પેપર પુરૂ કર્યા બાદ અદીતીને કહ્યું કે મારે તારુ કામ છે આપણે કેન્ટીનમાં મળીએ. મિત્રોમાંથી છુટો પડીને પાર્થ કેન્ટીન પર પહોંચ્યો થોડીવારે અદીતી પણ ત્યાં આવી પહોંચી. બંને કેન્ટીનમાં ગયા અને પાર્થે અદીતીના હાથમાં એક કવર આપ્યું જેમાં પ્રથમ વખત તેણે તેના પ્રેમનો એકરાર કર્યો હતો.
અદીતી શાંતીથી આખો પત્ર વાંચ્યો ત્યારે પાર્થનું ધ્યાન અદીતીના ચહેરા પર હતું. પત્ર વાંચ્યા બાદ અદીતીએ કોઇ જવાબ ન આપ્યો. પરંતુ પાર્થને તેનો જવાબ મળી ગયો હતો. બિલ ચુકવી પાર્થ ત્યાંથી રવાના થયો ત્યારબાદ તેણે અદીતીને ક્યારેય જોઇ નથી.
આજે પણ પાર્થને એ વાતે અકળામણ થઇ આવે છે કે શું અદીતી મને પ્રેમ કરતી હતી કે મારી સાથે નાટક કરતી હતી ? શું કોઇ જવાબ ન આપવા પાછળ અદીતીની કોઇ મજબુરી હશે ? શું અદીતી માટે હું જીવનરૂપી શતરંજનું એક પ્યાદુ માત્ર હતો ? અદીતી અત્યારે સુખી હશે કે દુ:ખી ? શું અદીતી પણ ક્યારેય મને યાદ કરતી હશે ? શું અદીતી મને ફરી ક્યારેય જોવા મળશે ?
.










