Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Sunday, Feb 28th, 2010, 3:52 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarડ્રીમ વર્લ્ડની રિયાલિટી

Aha Zindagi

હું અસલી જીવનમાં તાણભર્યો નથી. હું જીવનને સહજતાથી લઉં છું, કેમકે હું મારા સમયનો ૮૦ ટકા હિસ્સો કામમાં લગાડી દઉં છું.

irfan khanઉત્તમ કક્ષાના સિરિયલ એક્ટર તરીકેની ઓળખ ધરાવતા ઇરફાન ખાન અસલ જિંદગીમાં એકદમ ઝિંદાદિલ અને મિલનસાર માણસ છે. પોતાની ફિલ્મોની અલગ અલગ ભૂમિકાઓ દ્વારા એમણે અદના માણસના અસ્તિત્વનો સબળ આભાસ કરાવ્યો છે — પાત્ર ભલેને કોઇ સનકીનું હોય કે પીડિત વ્યક્તિનું, કોઇ પોલીસ ઓફિસરનું હોય કે કોઇ ખલનાયકનું — એમણે લગભગ દર વખતે કંઇ નવું કરી બતાવ્યું છે.

પોતાની જાતને છુપાવીને પાત્રને જીવંત કરી દેનારા બેમિસાલ અભિનેતાઓમાંના એક ઇરફાન છે. ‘ધ નેમસેક’, ‘ધ વોરિયર’, ‘હાંસિલ’ અને ‘લાઇફ ઇન મેટ્રો’નાં પાત્રો ખુદ ઇરફાનનાં પણ ફેવરિટ છે. ઇરફાન કહે છે, ‘હું હજી સુધી મારી સીમાઓની પાર નથી પહોંચ્યો, એટલે હું પ્રયોગો કરતો રહીશ.

મારી આંતરરાષ્ટ્રીય ઓળખ શી છે એ વાતથી કંઇ ફરક નથી પડતો. મારી ક્ષમતાનો હું પૂરેપૂરો વિસ્તાર ન કરી લઉં ત્યાં સુધી હું આરામથી બેસવાનો નથી. લોકો ઘણી વાર મને પૂછે છે કે કોઇ પાત્રને હું કેવી રીતે આત્મસાત્ કરું છું? જન્મથી બંગાળી ન હોવા છતાં ‘ધ નેમસેક’માં કેવી રીતે અશોક ગાંગુલીની ભૂમિકા ભજવી?

અશોક ગાંગુલીની ભૂમિકા મળી પછી થોડા દિવસ હું વિચારતો રહ્યો કે એ કેવી રીતે નિભાવવી? પછી એક દિવસ હું ‘ધ નેમસેક’ પુસ્તકનાં લેખિકા ઝુમ્પા લાહિરીના પિતાને મળ્યો. એમનું સંપૂર્ણ વ્યક્તિત્વ એટલું પારદર્શી, શાંત અને વિનમ્ર હતું કે હું એમનાથી અત્યંત પ્રભાવિત થયો અને સમજી ગયો કે મારું પાત્ર કેવું હશે. ભાષાનો સવાલ હતો ત્યાં સુધી મેં ન્યૂ જર્સીમાં રહેતાં બંગાળી કુટુંબોની મદદ લીધી.’

તમે ફિલ્મી પરિવારમાં જન્મ લીધો હોત તો લાગે છે કે તમારી જિંદગી બદલાઇ જાત?

જિંદગી ચોક્કસ બદલાઇ જાત. હકીકતમાં ફિલ્મો કરવી કે ફિલ્મો મેળવવી એ જીવન નથી. જો એમ જ હોત તો મને એવું જરૂર થાત કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ પેદા કેમ ન થયો, પરંતુ જીવનમાં બીજું ઘણું બધું છે. આ ‘બીજું ઘણું બધું’ જિંદગીમાં રહેશે તો ફિલ્મો પણ રહેશે. તમારી પાસે ફિલ્મોમાં આપવા માટે કંઇક છે, તો એની મજા છે.

જો મારી પાસે ફિલ્મોમાં આપવા માટે કંઇ ન હોય અને છતાં ફિલ્મો સાથે કોઇ રીતે જોડાયેલો રહું તો મારે માટે વ્યક્તિગત રીતે એ એકદમ નિરસ બની રહે. જિંદગી કેવી રીતે જીવવાની છે એ મને સમજાય જ નહીં તો જીવનનો શો અર્થ છે? મારી સફર ક્યાંય તકલીફદાયક ન બની એટલા માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.

મને મારો ઉદ્દેશ્ય પૂરો કરવા જે કામ કરવાં પડ્યાં, જેટલો સમય લાગ્યો કે બીજું જે પણ થયું એ બધું એક મકસદ માટે હતું. એમાંથી મારે કંઇને કંઇ શીખવાનું હતું. ઉદાહરણ તરીકે, મેં ‘સલામ બોમ્બે’માં મેઇન લીડ કરવા માટે વર્કશોપ કરેલી. શૂટિંગમાં માંડ બે-ત્રણ દિવસ બાકી હતા ત્યારે મને કહેવાયું કે મારી ભૂમિકા કપાઇ રહી છે, કેમકે હું છોકરાઓ કરતાં સ્પષ્ટ રીતે મોટો દેખાઉં છું.

આ મારે માટે સૌથી મોટો આઘાત હતો. થોડા દિવસ પછી અનુભવ્યું કે જિંદગી મને કોઇ જુદા જ ઘ્યેય માટે તૈયાર કરી રહી છે. આ આવનારી સફરની તૈયારી છે. એની સાથે અનિશ્વિતતાઓ પણ જોડાયેલી હોય છે.

દરઅસલ જિંદગી તમને અમસ્તા કંઇ નથી આપતી. કોઇ ચીજને તમે પકડવાની કોશિશ કરો છો, પણ બધું તો એમ જ નથી થતું — દરેક વાતની પાછળ કોઇને કોઇ હેતુ હોય છે. જીવન કોઇને કોઇ દિશામાં તમને ધકેલી રહ્યું હોય છે. તમે વિરોધ ન કરો અને વહેણ સાથે વહેવા માંડો તો એ જ બહેતર હોય છે, એવું મને લાગે છે.

જો તમે ફિલ્મી પરિવારમાં જન્મ્યા હોત તો પણ આવી જ આકરી મહેનત કરી હોત?

હા, પણ મેં આવા કોઇ કુટુંબમાં જન્મ નથી લીધો. સચ્ચાઇ એ છે કે અહીં કામની સાથે સાથે બીજી ચીજો પણ જોવી પડે છે. પ્રતિષ્ઠા જાળવી રાખવી પડે છે. જોડતોડ કરવી પડે છે. હું પીઆર નથી રાખી શક્યો. એક વાર પીઆર રાખ્યો તોય કંઇ જામ્યું નહીં. એટલે મને લાગે છે કે મને આટલું બધું મળ્યું છે એ બદલ હું ભાગ્યશાળી છું.

તમને પહેલેથી જ ખબર હતી કે તમારે આ ક્ષેત્રમાં આવવાનું છે?

પહેલેથી ખબર નહોતી. આપણને સંકેતો મળે છે, પરંતુ એક બિંદુ પછી એ સંકેતો સમજાવા લાગે છે. પહેલા લાગતું હતું કે મને અમરીશ પુરીનો ચમચો પણ બનવા મળી જાય તો એ બહુ મોટી વાત હશે. નાટકમાં રોલ મળી જાય તો એ મોટી સિદ્ધિ હતી. બધા વખાણ કરતા હતા કે હું સારો એક્ટર છું, પણ પછી વિચારતો હતો કે તો પછી કોઇ મને બોલાવતા કેમ નથી?

પછી સમજાયું કે સમયને કંઇ બીજું જ મંજૂર હતું. એ તમને કેવી રીતે તૈયાર કરે છે એની તમને ખબર નથી હોતી. આગળ જતાં બધી વાતો સ્પષ્ટ થાય છે. હું તો એ જ વિચારતો હતો કે મન લગાડીને ફિલ્મોમાં કામ કરું અને એનો ભરપૂર આનંદ ઉઠાવું. બસ, બધું પોતાની મેળે જ ગોઠવાતું ગયું.

શું આ પ્રક્રિયામાં જિંદગીને બદલી નાખાનારા વળાંકો આવ્યા?

હા. સૌથી પહેલો વળાંક નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું એ. જોકે એ માટે હું પૂરતો કવોલીફાઇડ નહોતો. એમાં પ્રવેશ માટે ૧૦ નાટક કર્યા હોવાં જોઇએ, જ્યારે મેં ત્રણ-ચાર જ કરેલાં. હું એ સમયે એટલો ઝનૂની હતો કે જો મારે જયપુર પાછા જવું પડ્યું તો પાગલ થઇ જઇશ, એવું લાગતું હતું.

હું શીખવા માટે ખૂબ ઉત્સાહી હતો. મારી લાઇફમાં વળાંક ત્યારે આવ્યો, જ્યારે મને નાટકોમાં કામ મળવાની શરૂઆત થઇ. એને ટિર્નંગ પોઇન્ટ એટલે કહું છું કે અહીં મને અભ્યાસ-પ્રેક્ટિસની તક મળી. ત્રીજો ટિર્નંગ પોઇન્ટ આસિફ કાપડિયાએ ડિરેક્ટ કરેલી ‘ધ વોરિયર’ ફિલ્મ હતી.

સૌથી પહેલો પ્રોજેક્ટ કયો હતો?

મારો સૌથી પહેલો પ્રોજેક્ટ ગોવિંદ નિહલાનીની એક ફિલ્મ હતી. મુંબઇ જઇને એકવાર તો કામ કરવાની ઇચ્છા મારી અંદર મરી ગયેલી અને આંતરિક જશ્ન ખતમ પણ થઇ ગયેલું. મારી એનએસડીની તાલીમ અને મુંબઇ વચ્ચે ઘણો મોટો સાંસ્કૃતિક ભેદ હતો. દિલ્હીમાં હરવાફરવાનું ઘણું હતું, જ્યારે મુંબઇમાં અહીંથી બસ પકડો અને સીધા પહોંચો કામની જગા પર.

મુંબઇમાં જોવાનો માહોલ નહોતો. પેશનને જીવંત રાખવું મુશ્કેલ કામ હતું. પહેલાં મને લાગ્યું કે હું આને માટે નથી બન્યો. પછી મેં વિચાર્યું કે મેં આટલો સમય એમાં ગાળ્યો જ છે તો મારે પેશનને જીવતું રાખવું જોઇએ. મેં મારા પહેલા ચેકમાંથી વીસીઆર ખરીધું અને ફિલ્મો જોવાની શરૂ કરી.

એક્ટિંગ સિવાય બીજો કોઇ વિકલ્પ વિચારેલો?

એ વખતે દિમાગમાં બીજું કંઇ નહોતું. જયપુરમાં હતો ત્યારે દોસ્તોએ કહ્યું, આ બધું છોડ, કંઇ બીજું કામ કર. મારી મા પણ ઇચ્છતી હતી કે હું પીએચ.ડી કરું અને લેક્ચરર બની જાઉં. મને આ ગળે ઊતરતું નહોતું. હું એક્ટર જ બનવા માગતો હતો. જોકે, કોઇ મારી સાથે સહમત નહોતું.

આ માટે ઘરના લોકોને કેવી રીતે મનાવી લીધા? બીજો કોઇ વ્યવસાય અપનાવવા માટે એમણે તમારી પર કંઇ દબાણ ન કર્યું?

બાળપણથી જ મને ભણવાનું ગમતું નહોતું. મને મોટા થવાની ભારે ઉતાવળ હતી, જેથી હું મારી ઇચ્છા અને શરતો મુજબ જિંદગી જીવી શકું. હું મઘ્યમ વર્ગ પરિવારમાંથી આવતો હતો, જેની પૃષ્ઠભૂમિ સામંતવાદી હતી. તેઓ મને કોઇ ટિપિકલ અને માનમરતબાવાળી નોકરીમાં જોવા ઇચ્છતા હતા, જેવી કે ડોક્ટર, એન્જિનિયર, પ્રોફેસર... પરંતુ મેં જોયું કે માત્ર પૈસા કમાવા માટે હું કોઇ કામ ન કરી શકું.

એ દિવસોમાં સ્પોર્ટ્સનું ઝનૂન પણ મારી પર સવાર હતું. હું ક્રિકેટ રમતો હતો અને સી.કે. નાયડુ ટ્રોફી માટેની ટીમમાં મારી પસંદગી થયેલી. મારે ૫૦૦ રૂપિયાની ફી ભરવાની હતી, પણ મારા પિતાજીએ એ આપવાની ના પાડી દીધી હતી. એમને નહોતું લાગતું કે ક્રિકેટ રમીને પૈસા કમાઇ શકાય. મેં રમતગમત હંમેશાં માટે છોડી દીધી.

સંજોગવશાત્ મેં એક ફિલ્મ જોઇ અને એમાનો એક્ટર મારી અંદર વસી ગયો. એ પછી હું મારી આસપાસના લોકોની મિમિક્રી કરવા લાગ્યો. મને લાગ્યું કે અભિનેતાની જિંદગી ઉલ્લાસ અને આનંદભરી હોય છે. મેં નક્કી કર્યું કે મારે અભિનેતા જ બનવું છે. મેં મારા મિશનને એક ધૂનની જેમ લીધું. એ સમયે મારા મગજમાં બીજું કંઇ રહેતું જ નહીં.

એ સમયે મેં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિયુટ ઓફ ઇન્ડિયામાં પ્રવેશ મેળવવાની કોશિશ કરી, પરંતુ મોડું થઇ ગયેલું અને એડમિશન બંધ થઇ ગયેલું. એ પછી મેં દિલ્હીની એનએસડીમાં પ્રવેશ મેળવ્યો. કુટુંબને રાજી કરવા હું જૂઠું બોલ્યો કે એનએસડીની ડિગ્રી રાજસ્થાન યુનિવર્સિટીમાં લેક્ચરર બનવા માટે મદદ કરશે.

એનએસડીમાં અરજી કરતી વખતે પણ હું જૂઠું બોલેલો. એ લોકો ફિલ્મમાં જવા ઉત્સુક વિદ્યાર્થીઓને બિલકુલ ભાવ આપતા નથી. મેં એમને કહ્યું કે થિયેટર મારો ધર્મ છે, એ મારે માટે કમાણીનું સાધન છે, બીજું કંઇ જ મહત્વનું નહોતું. એનએસડીમાં મેં રોબર્ટ દ નીરો, અલ પચીનો, માર્લોન બ્રાન્ડો વિષે જાણ્યું અને એ પછી મારી જિંદગી બદલાઇ ગઇ.

ઓછી ઉમ્મરે થયેલી આ શરૂઆત પછી ‘સલામ બોમ્બે’થી ‘સ્લમડોગ મિલ્યનેર’ સુધીની લાંબી સફર કપાઇ. તમને એવું લાગે છે કે આ પ્રસિદ્ધિ મેળવવામાં તમને ખાસ્સો લાંબો સમય લાગ્યો?

ના. આ સાચી અને યોગ્ય પ્રક્રિયા હતી. દરેક ચીજનો પોતાનો એક સમય હોય છે અને એવું બહેતર પરિણામ માટે જ થાય છે. ઉદાહરણ તરીકે કોઇ વાસણમાં એક શાક ધીમા તાપે રાંધો અને એ જ શાક કૂકરમાં ૧૫ મિનિટ રાંધો. બન્ને શાક બરાબર ચડી તો જશે, પણ સ્વાદમાં સ્પષ્ટ તફાવત હશે. મને લાગે છે કે જેટલો પણ સમય લાગ્યો એમાં મને શીખવાની અને અલગ અલગ રીતે કામ કરવાની તક મળી, જે મારે માટે વધુ મહત્વનું હતું.

ક્યારે ખ્યાલ આવ્યો કે તમે એક સેલિબ્રિટી બની ચૂક્યા છો?

અલગ અલગ પ્રસંગે પ્રોફેશનલ સ્ટેજ પર તમે જાઓ છો ત્યારે લોકો જુદા જુદા પ્રતિભાવ આપે છે. એ સિવાય દરેક ભૂમિકા માટે અલગ અલગ પ્રતિભાવો હોય છે. આસપાસના લોકો અલગ રીતે તમારી સામે રજૂ થાય છે. એ સ્થિતિમાં સેલિબ્રિટી હોવા કરતાં મોટો અનુભવ હોય છે કોઇના હૃદયને સ્પર્શી લેવું. આ બહુ મોટી વાત છે.

મારું કામ કોઇને સ્પર્શી જાય છે. ત્યારે મને સારું લાગે છે. મારાથી કંઇક તો સારું થઇ રહ્યું છે એવી અનુભૂતિ કરાવનારો એક પ્રસંગ યાદ આવે છે. મીરા નાયરે એક પ્રદર્શન યોજેલું. એમાં મારી પણ એક તસવીર હતી. એક મહિલાને મારી તસવીર સામે ઊભા ઊભા રડતી જોઇ. તે પ્રદર્શનમાંથી બહાર આવી ત્યારે મેં એનું કારણ પૂછ્યું.

એમણે જવાબ આપ્યો, ‘એ તસવીરની ખામોશી જોઇને મને લાગ્યું કે મને કંઇક થઇ રહ્યું છે અને હું એને પાંચ મિનિટ સુધી જોતી રહી.’ આવી ઘટના જોઇને તમને લાગે છે કે તમારાથી ખરેખર કશુંક સારું કામ થઇ ગયું છે. તમે એ ઘટના માટેનું માઘ્યમ બનો છો. તમારા થકી આ વાત કોઇને એવી તો સ્પર્શી ગઇ કે એ એનો હિસ્સો બની ગઇ. આ બહુ મોટી વાત છે.

કોઇ એવું પાત્ર, જે ભજવવાની તમને તીવ્ર ખ્વાહિશ હોય?

આવાં ઘણાં પાત્રો છે, જે ભજવવાની દિલી તમન્ના છે, પરંતુ એ બધાં અસલી પાત્રો છે. વાસ્તવમાં કોઇ વ્યક્તિ કે એનું કોઇ પાસું તમને પ્રભાવિત કરે ત્યારે તમને થાય કે એમનું પાત્ર ભજવવા મળે કે એમના વ્યક્તિત્વનો થોડો હિસ્સો પણ બીજા કોઇ પાત્રમાં ભજવવાનો મળે તો મજા આવી જાય.

જિમ મોરિસનનાં સ્ટેજ પરફોર્મન્સ વિષે સાંભળું છું ત્યારે અનુભવું છું કે ગાતાં ગાતાં તે કોઇ અલગ દુનિયામાં જ પહોંચી જતો હતો. કોઇ પાત્ર થકી મને પણ આવું કરવાની તક મળી જાય તો હું પણ એ દુનિયાનો અણસાર મેળવી શકું. આવાં ઘણાં પાત્રો છે, જે ભજવવાની મારી ઇચ્છા છે.

આજકાલ અભિનેતા બધાં કામ કરે છે— અભિનય, દિગ્દર્શન, નિર્માણ, લેખન, પ્રમોશન. તમને નથી લાગતું કે અદાકારની મૂળ પ્રકૃતિ, એના મૂળ સ્વભાવ સાથે આ અડપલાં છે?

બિલકુલ નહીં. કોઇપણ અદાકાર આ કામ કરી શકે છે. કોઇએ એક્ટરનો મૂળ સ્વભાવ નક્કી નથી કર્યો. એ તો એણે પોતે શોધવાનો છે. કોઇ ભલેને અભિનય કરવા આવ્યો હોય, પણ એને લાગે કે પોતે ગીત સારાં લખી શકે છે તો એણે ગીત લખવાં જોઇએ.

કાલે મને લાગે કે મારે ગીતો લખવાં છે, મને એમાં મજા આવી રહી છે, તો મારે એ કરવું જોઇએ. આ તમારી આઝાદી છે. કદાચ તમે એ કામ બરાબર ન કરી શકતા હો, પણ તમને સારું લાગતું હોય તો તમારે એ જરૂર કરવું જોઇએ. એમાં બંધન ન હોવાં જોઇએ.

શું તમને તમારી પ્રતિભા જન્મજાત લાગે છે?

મને નથી લાગતું કે મારામાં જન્મજાત પ્રતિભા હતી. મને લાગે છે કે મેં એને વિકસાવી છે. મારી અંદર ઘણા બધા સવાલ હતા. એનએસડીમાં ગયા પછી દોઢ વરસ તો મને એમ જ થયા કરતું હતું કે અભિનેતા જન્મજાત હોય છે કે એ શીખીને પણ બની શકાય છે એ મને કોઇ પ્રોફેસર કહી દે.

મને થતું હતું કે હું જો જન્મજાત અભિનેતા ન હોઉં તો મારે શીખવું પડશે. જો હું જન્મજાત અભિનેતા ન હોઉં અને જો શીખવું પણ સંભવિત ન હોય તો શું? મને નથી લાગતું કે હું જન્મજાત અભિનેતા હતો, પણ મારી અંદર શીખવાની ઇચ્છા હતી એટલે હું આ કરી શકયો. ક્યારેક ક્યારેક ફિલ્મ જોતાં કોઇ દ્રશ્ય અને એની બારિકાઇ કે ઊંડાણ મનમાં રહી જતાં. કદાચ એ એક બીજ હતું, જેણે આ યાત્રામાં પાયાના પથ્થરનું કામ કર્યું.

વ્યક્તિગત જીવનની વાત કરીએ તો કુટુંબ, સંબંધો અને દોસ્તોનું તમારા જીવનમાં શું મહત્વ છે?

એમની જરૂર એક સમય સુધી હોય છે. એ પછી માણસ એકલો હોય છે. પરિસ્થિતિઓ અનુસાર કુટુંબ, સંબંધો અને દોસ્તોની જરૂર હોય છે. પેલી એકલતાને એ પોતે પૂરી ન શકે તો કોઇ પણ સંબંધ પણ એને ભરી નથી શકતો.

ઘણી વાર વ્યક્તિ જ્યારે સંબંધમાં આવી પૂર્તિ શોધે છે ત્યારે એ વિવાદનું કારણ બની જાય છે. પછી એ ઘણી બધી જવાબદારી બીજી વ્યક્તિ પર નાખવા લાગે છે અને અપેક્ષાઓ કરવા લાગે છે. એ એક પછી બીજી પછી ત્રીજી ... અપેક્ષાઓ વધતી જાય છે અને તેનાથી એકબીજાની આઝાદી ખતમ થાય છે. અલબત્ત, સમાજમાં રહેવા માટે સંબંધોનો સાથ જરૂરી છે.

તમારા માટે ખુશી એટલે શું?

હું એને શબ્દોમાં ન વર્ણવી શકું, પણ આ સ્થિતિ છે, જેમાં તમારી પાસે માગવા માટે કંઇ બચ્યું ન હોય, બધું જ મળી ચૂકયું હોય.

ઘર અને બહારની જિંદગીમાં સંતુલન કેવી રીતે સાધો છો?

બહારના લોકો ઘરમાં સામેલ નથી થતા. બહાર બહાર રહે છે અને ઘર ઘરમાં. મારી પત્ની મારી સાથે ભણતી હતી. એ પોતે લેખિકા છે. એ જાણે છે મારું કામ શું છે. મારે એને નવેસરથી સમજાવવું નથી પડતું. જોકે અમે બન્ને એકસાથે કામ નથી કરી શકતાં.

એકવાર અમે પ્રયાસ કરેલો, પણ એ સફળ નહોતો થયો. નોબત તો એવી આવી ગયેલી કે તું તારે રસ્તે ને હું મારા રસ્તે! અમને સમજાઇ ગયું કે આપણે સાથે કામ નહીં કરી શકીએ. સારી વાત એ છે કે અમે હજુય સાથે છીએ.

તમારો રોલ મોડલ કોણ છે?

કોઇ રોલ મોડલ નથી. અભિનેતા તરીકે માર્લન બ્રાન્ડો મને બેહદ ગમે છે. માત્ર અભિનેતા તરીકે જ નહીં, મને એનું આખું જીવન, વ્યક્તિત્વ પસંદ છે.

ફુરસદના સમયે શું કરવાનું ગમે?

હું કોઇ જુદું કામ નથી કરતો. મને અભિનયનો શોખ છે અને મને એ જ કામ કરવું ગમે છે. તાણ ઓછી કરવા તમે શું કરો છો, એવું પુછાય છે ત્યારે હું કહું છું કે હું એવું કશું નથી કરતો, જેથી તાણ પેદા થાય ને એને ઓછી કરવા બીજું કંઇક કરવું પડે. મારું દિલ ચોંટે ત્યારે જ હું કામ કરું છું, નહીં તો નહીં. ખાલી સમયમાં હું બાળકો સાથે રમું છું, ફિલ્મો જોઉં છું અને અમે ફરવા જઇએ છીએ.

ભારતમાં એવી કંઇ જગા છે, જ્યાં વારંવાર જવાનું તમને ગમે?

કુમાઉ, હિમાચલ, કેરળ, સિક્કિમ મારાં પ્રિય સ્થળો છે. અહીં કુદરતનો ખજાનો એટલો મોટો છે કે વારંવાર આવવાની ઇચ્છા થયા કરે, પરંતુ દુ:ખની વાત એ છે કે ધીરે ધીરે આ ઐશ્વર્ય ખતમ થતું જાય છે.

તક મળે તો અભિનય સિવાય તમે બીજું કયું કામ કરવા ઇચ્છશો?

એક્ટિંગ સિવાય સંગીત શીખવું ગમે, જો કોઇ શીખવે તો. લખવાની કોશિશ કરેલી, પણ સફળ ન થઇ શક્યો, કેમકે જ્યારે જ્યારે લખવાની કોશિશ કરું છું અને વિચારોને શબ્દોમાં ઢાળું છું ત્યારે એ બદલાઇ જાય છે, એવા ને એવા નથી રહેતા. હું આ પ્રેક્ટિસ ક્યારેય નથી કરી શકયો.

અંતરાત્મામાં તમે કેટલો વિશ્વાસ ધરાવો છો?

આ એક રહસ્ય છે, પણ મને લાગે છે કે આવું કંઇક તો હશે જ. અંતરાત્માથી માણસ પોતાને દૂરથી જોઇ શકે છે. એ ઓળખી-જાણી-અનુભવી શકે છે કે પોતે એક મનુષ્ય છે. મર્યા પછી શું થાય છે, એ તો કોણ જાણી શક્યું છે?

કયું કામ ન જ કરવું જોઇએ?

મને લાગે છે કે કોઇએ પણ પોતાની જાત સાથે જૂઠું ન બોલવું જોઇએ.

નિવૃત્ત થયા પછી શું તમને એક્ટિંગ સ્કૂલ ખોલવાનું ગમશે?

રિટાયરર્મેન્ટ જેવી કોઇ ચીજ નથી હોતી. હું વૃદ્ધાવસ્થામાં પણ છેલ્લા શ્વાસ સુધી એક્ટિંગ કરતો રહીશ. હું એક્ટિંગ સ્કૂલ નહીં ખોલું, એને બદલે વાડી-બગીચો બનાવવાનું પસંદ કરીશ. આંબા રોપીશ. આંબા પર પાકેલી કેરીની સુગંધ એવી હોય છે કે તમે બધું જ ભૂલી જાવ છો અને બે-ત્રણ દિવસ સુધી એ સુગંધ તમારાં દિલો-દિમાગમાં છવાયેલી રહે છે.

પૈસા તમારે માટે કેટલા મહત્વના છે?

પૈસા મહત્વના છે. એ શક્તિ અને આઝાદી આપે છે, પણ દરેક પરિસ્થિતિમાં નહીં.

તમે વાસ્તવિક જીવનમાં પણ એટલા જ ગંભીર છો, જેટલા પડદા પર દેખાવ છો?

હું અસલી જીવનમાં તાણભર્યો નથી. હું જીવનને સહજતાથી લઉં છું, કેમકે હું મારા સમયનો ૮૦ ટકા હિસ્સો કામમાં લગાડી દઉં છું. હું ગંભીર વ્યક્તિનું લેબલ લગાડવા નથી ઇચ્છતો. બધી બાબતોમાં પ્રયોગ કરવા ઇચ્છું છું. હું ખુદને કળાકાર કહેવડાવવા નથી ઇચ્છતો.

તમે ગુસ્સે થઇ જાઓ ત્યારે શું કરો છો?

હું ગુસ્સો છુપાવી નથી શકતો. હું મુત્સદ્દીભર્યો વ્યવહાર નથી કરી શકતો. મારો ગુસ્સો દેખાઇ આવે છે. હું મારી જાત સાથે જૂઠું નથી બોલી શકતો.

ભાગ્યમાં તમે કેટલો વિશ્વાસ કરો છો?

મને ભાગ્ય પર પૂરો ભરોસો છે. જિંદગીમાં તમે મનગમતા રંગો ભરી શકો તો એ તસવીર છે, જો ન ભરી શકો તો તકદીર છે. મને લાગે છે કે બધું ઉપર લખાઇ ચૂક્યું હોય છે. કિસ્મત પોતાની ઇચ્છા પ્રમાણે તમને ચલાવવાનું કામ કરે છે.

તમને કેવા પ્રકારનો લોકોનો સાથ-સંગાથ ગમે છે?

મને બેફિકર અને ખુશ રહેનારા લોકોની કંપની ગમે છે. એ લોકો પોતે પણ ખુશ રહે છે અને બીજાને પણ ખુશી આપે છે.

irfan khan- એક નવાબી ખાનદાનમાં જન્મેલા ઇરફાનનો ઉછેર રાજસ્થાનના જયપુર શહેરમાં થયેલો. સેન્ટ પોલ સ્કૂલમાં ભણતાં ઇરફાનનું દિલ અભ્યાસમાં નહોતું લાગતું. એને તોફાનો કરવાં, પતંગ ઉડાડવાં, ક્રિકેટ રમવું ખૂબ જ ગમતું હતું. એમ. એ.નો અભ્યાસ કરતાં ઇરફાનને એનએસડીમાં ભણવાની સ્કોલરશિપ મળેલી.

ગ્રેજ્યુએશન પછી ઇરફાને મુંબઇની દિશા પકડી. ‘ચાણક્ય’, ‘સારા જહાં હમારા’, ‘બનેગી અપની બાત’, ‘ચંદ્રકાંતા’ અને ‘સ્ટાર બેસ્ટ સેલર’ જેવી સિરિયલોમાં અભિનય ઉપરાંત ‘એક ડોક્ટર કી મૌત’, ‘મકબૂલ’, ‘હાસિલ’ જેવી ફિલ્મોથી ઇરફાનને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મળ્યું. ધ વોરિયર ફિલ્મ ઇરફાનની કારકિર્દીમાં ટિર્નંગ પોઇન્ટ સાબિત થઇ તથા અ માઇટી હાર્ટ અને ધ દાર્જિલિંગ અનલિમિટેડ જેવી ફિલ્મો દ્વારા એણે અમેરિકન ફિલ્મ ઉદ્યોગમાં કદમ મજબૂત કર્યા.

‘સ્લમડોગ મિલ્યનેરે’ ઇરફાનને આંતરરાષ્ટ્રીય મંચ પર સફળતા અપાવી. પોતાની પહેલી ફિલ્મ ‘સલામ બોમ્બે’માં એમની ભૂમિકા માત્ર એટલા માટે કાપી નખાઇ હતી કે તેઓ બીજાં બાળકો કરતાં મોટા દેખાતા હતા, પરંતુ આવું કદાચ એટલા માટે થયું કે કંઇક બહેતર એમની પ્રતીક્ષા કરી રહ્યું હતું.

ટેલિવિઝન સિરિયલોથી સ્લમડોગ સુધીની સફર બેશક ઘણી ઉતાર-ચઢાવભરી રહી. જિંદગીમાં ઘણું બધું બદલાયું પરંતુ કેટલીક ચીજો આજે પણ જેમની તેમ જ છે. આજે પણ ઇરફાનને ભણવાની બીક લાગે છે. પાકી કેરીની સુગંધ એમને આજે પણ પોતાના વતન ભણી ખેંચી લાવે છે અને એમની માતા આજે પણ ઇચ્છે છે કે એ અભિનય છોડીને લેક્ચરર બની જાય...

સ્કૂલે જવાનો ત્રાસ!

બાળપણમાં હું સ્કૂલે જતો ત્યારે સ્કૂલબસ મને લેવા સવારે છ વાગે આવી જતી. એ વખતે મને કંઇ કંઇ થઇ જતું. મને થતું કે હું ક્યારે મોટો થઇ જાઉં અને ક્યારે આનાથી પીછો છૂટે. દિવસ આખો જંગલોનાં સપનાં જોયા કરતો અને સ્કૂલમાં ખોવાયેલો ખોવાયેલો રહેતો. સાંજે ઘરે પાછો આવતો ત્યારે દિવસ તો આથમી રહ્યો હોય.

મારો નાનો ભાઇ ઘરે રહેતો અને મને જાતજાતના કિસ્સા સંભળાવતો. આ બાજુથી પતંગ આવ્યો, આવી રીતે દોડ્યો, આમ પકડ્યો, આટલી લાંબી દોરી હતી. મારું આખું બાળપણ આમ જ વીત્યું. બાળકોને સ્કૂલે જવું પડે છે એની મને બહુ તકલીફ થાય છે, ખાસ કરીને ત્યારે, જ્યારે બાળકને સ્કૂલે નથી જવું હોતું.

બાળકોને સમજાવ્યાં વગર ગોખણપટ્ટી પર જ ભાર અપાય છે. એમને કહેવામાં આવે છે કે આટલું યાદ રાખી લો. આ મને જરાય નથી ગમતું. હું ભણ્યો છું એમાંનું કેટલું મને જીવનમાં ઉપયોગી થયું છે? બાળક મોટું થઇ રહ્યું હોય ત્યારે એનું મગજ મીણ જેવું હોય છે. એવા સમયે આપણે એ મગજમાં એવી ચીજો ભરી દેતા હોઇએ છીએ જે એને જીવનમાં ક્યારેય કામ નથી આવવાની.

એનો ત્યારે જ ઉપયોગ થઇ શકે જ્યારે એની સમજણ થોડી વિકસી ચૂકી હોય, એ ચીજોને સમજી શકે. એ પોતે જાણે, સમજે, યાદ રાખે. એને એ યાદ કરવાનું કહેવાની જરૂર જ ન પડે. બાળક જ્યારે કંઇ ગોખે છે ત્યારે મને કંઇક થાય છે. મને ક્યારેક થાય કે જઇને સ્કૂલોને ઉડાવી દઉં!

આપણે બધાં જ એક અજાયબી છીએ

મારું હોવું એ જ મને એક અજાયબી લાગે છે. દરેક વ્યક્તિનું હોવું એક અજાયબી જ છે. તમે કેવી રીતે આ ધરતી પર આવ્યા છો અને કેવી રીતે થોડાક સમયમાં જ બધું કરીને નીકળી જશો, એ એક ચમત્કાર જ લાગે છે. કેટલીય વાર લાગે છે કે આ શ્વાસ લઉં છું એનો પણ મારે ટેક્સ ચૂકવવો જોઇએ. હાથ હલાવી રહ્યો છું એનો પણ ટેક્સ ચૂકવવો જોઇએ. બધું જ પોતાની રીતે અજાયબ છે.

પેદા થવું, જિંદગી જીવવી અને એમ વિચારવું કે એક દિવસ તો તમારે મરવાનું જ છે, એ વાત ઘણી વાર પરેશાન કરી નાખે છે. આપણે ત્યાં દરેક માણસનો કોઇ ને કોઇ ધર્મ હોય છે. એ ધર્મમાં બધા સવાલના જવાબ મળી જાય છે. એ બધા જવાબ મેળવીને માણસ શાંત થઇ જાય છે અને જીવન શાંતિથી પસાર કરી નાખે છે, પરંતુ થોડુંક જ વિચારો તો આ વાત તમને વિચલિત કરી નાખશે.

આ જિંદગીની સફર છે. તમે આ પૂરી પ્રક્રિયામાંથી પસાર થાઓ છો. તમારું આવવું, કંઇક કરવું, લોકો સાથે જોડાવું, પછી માટીમાં મળી જવું, આ બધું ખરેખર રહસ્યમય છે. પૃથ્વી શ્રેષ્ઠ ગ્રહ છે, બીજા કોઇ ગ્રહ પર આવું નથી થઇ રહ્યું.

જીવનની આખી શૃંખલા એકબીજાં સાથે જોડાયેલી છે, પરંતુ દુર્ભાગ્યની વાત છે કે પ્રકૃતિની આખી ડિઝાઇનને આપણે બગાડી નાખી છે. ઔધોગિક યુગ પછી માણસે કુદરતને ખતમ કરવાની ઝડપ બહુ વધારી દીધી છે, જે બિલકુલ સારી વાત નથી.

અહા! જિંદગી મેગેજીન ખરીદવા માટે વાર્ષિક લવાજમ ભરો... વાર્ષિક લવાજમ પેટે રૂ. ૩૫૦નો, DB Corp. Ltd. (Magazine Division)ના નામનો ચેક મોકલવા નીચે આપેલા ફોન નંબરનો સંપર્ક કરો:અમદાવાદ: જય કુમાવત (૯૬૦૧૬૦૨૬૮૯) અશ્વિન સુતરિયા (૯૮૯૮૪૫૦૩૨૧) મુંબઇ : રાજારામ (૯૯૨૦૨૨૨૧૩૧)અથવા નીચે આપેલા સરનામાં પર પત્રવ્યવહાર કરો:મુંખ્ય કાર્યાલય:મુંબઇ: જી-૩-એ, કામનવાલા ચેંબર્સ, ન્યૂ ઉદ્યોગ મંદિર-૨, મુગલ લેન, માહિમ(પ.) મુંબઇ-૧૬, ફોન: ૦૨૨-૩૯૮૮૮૮૪૦, ફેક્સ: ૨૪૪૪૫૪૬૯.ગુજરાત કાર્યાલય: અમદાવાદ: ૪૨-૪૩, સાકાર-૭, નેહરૂ બ્રીજ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-૬, ફોન: ૦૭૯-૨૬૫૭૯૬૭૭, ૦૭૯-૪૦૦૬૯૧૬૭.


  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: